ગાંધીનગરમાં 38 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ રોડનું કામ પૂર્ણ, જુઓ Photos
ગાંધીનગરમાં ₹38 કરોડના ખર્ચે 8 કિમી લાંબા રોડનું વ્હાઇટ ટોપિંગ કામ પૂર્ણ થયું છે. કોબા-અડાલજ અને સરગાસણ-રક્ષાશક્તિ સર્કલ રોડ હવે ટકાઉ અને મજબૂત બન્યા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરમાં રૂ. 38 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ રોડનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

રાજધાનીમાં કુલ 6.20 કિમી લંબાઈનો કોબા-અડાલજ લિંક રોડ અને 2.80 કિમી લંબાઈનો સરગાસણથી રક્ષાશક્તિ સર્કલ સુધીનો રોડ હવે નવી વ્હાઈટ ટોપિંગ પદ્ધતિથી તૈયાર થયો છે.

વ્હાઈટ ટોપિંગ પદ્ધતિ હેઠળ હાલની ડામરના રોડની સપાટી પર લગભગ 20 સેમી જાડાઈનું કોંક્રિટનું સ્તર નાખવામાં આવે છે. આ ટેકનિક આર.સી.સી. કરતા આર્થિક રીતે વધુ અસરકારક છે અને તેનો આયુષ્ય લગભગ 20 વર્ષ સુધીનો હોય છે.

ચોમાસાની ઋતુમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રોડ અને પુલોમાં ભારે નુકસાન થયેલ છે. આવા સમયમાં વ્હાઈટ ટોપિંગ પદ્ધતિ ખૂબ ઉપયોગી બની છે કારણ કે તે વધુ મજબૂત અને ટકાઉ માર્ગ પ્રદાન કરે છે.

ગાંધીનગરના વ્હાઈટ ટોપિંગ થયેલા બંને માર્ગો હવે વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના સૂચનને અનુસરીને ગુજરાતમાં વ્હાઈટ ટોપિંગ માર્ગોની કામગીરી ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
