‘FD’ કે ‘મ્યુચ્યુઅલ ફંડ’ ? તમારા પૈસા ક્યાં રહેશે ‘સૌથી સુરક્ષિત’ અને ક્યાં મળશે ‘બમ્પર રિટર્ન’?
રોકાણ કરતી વખતે દરેક વ્યક્તિની પસંદગી અલગ હોય છે. કેટલાક લોકો પોતાના પૈસાની પૂરેપૂરી સુરક્ષા ઈચ્છે છે, તો કેટલાક લોકો થોડું જોખમ ઉઠાવીને વધુ સારું વળતર મેળવવાનું પસંદ કરે છે. આવા સમયે સૌથી મોટી મૂંઝવણ એ જ હોય છે કે, પૈસા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકવા કે મ્યુચ્યુઅલ ફંડમાં?

કેટલાક લોકો બજાર આધારિત રોકાણમાંથી વધુ વળતરની (Return) અપેક્ષા રાખે છે, જ્યારે ઘણા રોકાણકારો પોતાની સખત કમાણીને સુરક્ષિત રાખવા માંગે છે. આવા રોકાણકારો પાસે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને મ્યુચ્યુઅલ ફંડ એ બે રોકાણના વિકલ્પ રહે છે. જો કે, આ બંને રોકાણના સાધનની પોતાની આગવી લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ છે.

ફિક્સ્ડ ડિપોઝિટ લાંબા સમયથી ભારતીય રોકાણકારોની પહેલી પસંદગી રહી છે. આનું સૌથી મોટું કારણ એ છે કે, તેમાં રોકાણકારને પહેલેથી જ ખબર હોય છે કે નિશ્ચિત મુદત પૂરી થયા પછી તેને કેટલી રકમ મળશે. બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ અલગ-અલગ સમયગાળા માટે FD ની સુવિધા આપે છે, જેમાં રોકાણકાર પોતાની જરૂરિયાત મુજબ સમયગાળો પસંદ કરી શકે છે.

FD પર બજારના ઉતાર-ચઢાવની કોઈ સીધી અસર થતી નથી. ટૂંકમાં, શેરબજારમાં ઘટાડો થાય કે વધારો, તમારી FD ની રકમને કોઈ અસર થતી નથી. આ જ કારણ છે કે, નિવૃત્તિની નજીક પહોંચેલા લોકો અથવા જોખમથી બચવા માંગતા રોકાણકારો FD ને પ્રાધાન્ય આપે છે. જો કે, FD નું વળતર પહેલેથી જ નક્કી હોય છે અને તેમાં મળતું વ્યાજ બજાર આધારિત રોકાણોની સરખામણીમાં ઘણી વખત ઓછું હોઈ શકે છે. આ ઉપરાંત, FD માંથી મળતા વ્યાજ પર ટેક્સ પણ લાગુ થાય છે, જેના કારણે વાસ્તવિક વળતર પર અસર પડી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ એક એવો રોકાણ વિકલ્પ છે કે, જેમાં તમારા નાણાં શેરબજાર, બોન્ડ્સ અથવા અન્ય અસ્કયામતોમાં રોકાણ કરવામાં આવે છે. આમાં રોકાણનું સંચાલન પ્રોફેશનલ ફંડ મેનેજર કરે છે. મ્યુચ્યુઅલ ફંડની ઘણી શ્રેણીઓ પણ (જેમ કે ઇક્વિટી ફંડ, ડેટ ફંડ અને હાઇબ્રિડ ફંડ) હોય છે. ઓછું જોખમ લેવા માંગતા રોકાણકારો માટે ડેટ મ્યુચ્યુઅલ ફંડ અથવા હાઇબ્રિડ ફંડ જેવા વિકલ્પો વધુ યોગ્ય હોઈ શકે છે, કારણ કે તેમાં ઇક્વિટી ફંડની સરખામણીમાં જોખમ ઓછું હોય છે. ખાસ વાત એ છે કે, લાંબાગાળે 'મ્યુચ્યુઅલ ફંડ' FD કરતાં વધુ સારું વળતર આપવાની ક્ષમતા ધરાવે છે.

ધ્યાન રાખો કે, મ્યુચ્યુઅલ ફંડમાં વળતરની કોઈ ગેરંટી હોતી નથી. બજારની સ્થિતિ મુજબ રોકાણનું મૂલ્ય ઉપર કે નીચે જઈ શકે છે. તેથી તેમાં રોકાણ કરતા પહેલાં જોખમને સમજવું ખૂબ જરૂરી છે. રોકાણનો નિર્ણય તમારી ઉંમર, નાણાકીય લક્ષ્યો અને જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખે છે. જો તમારો ધ્યેય નાણાં સુરક્ષિત રાખવાનો છે અને તમને નિશ્ચિત વળતર જોઈએ છે, તો FD તમારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે.

બીજી તરફ, જો તમે લાંબાગાળા માટે રોકાણ કરી શકો છો અને થોડું બજારનું જોખમ ઉઠાવી શકો છો, તો મ્યુચ્યુઅલ ફંડ તમને વધુ સારો વળતરનો અવસર આપી શકે છે. ઘણા નાણાકીય નિષ્ણાતો માને છે કે, રોકાણકારોએ પોતાની પૂરી રકમ માત્ર એક જ જગ્યાએ રોકવાને બદલે તેને અલગ-અલગ વિકલ્પોમાં વહેંચવી જોઈએ. એક હિસ્સો FD જેવા સુરક્ષિત રોકાણમાં રાખી શકાય છે, જ્યારે બીજો હિસ્સો લાંબાગાળે ગ્રોથ મેળવવા માટે મ્યુચ્યુઅલ ફંડમાં લગાવી શકાય છે. આ રીતે રોકાણકાર સુરક્ષા અને સારા વળતર બંને વચ્ચે સંતુલન બનાવી શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
IPO August 2026 : ઓગસ્ટમાં પ્રાઇમરી માર્કેટમાં ધમાકો, PhonePe અને Zepto સહિત 25 કંપનીઓ એકત્ર કરશે ₹35,000 કરોડ
