Duleep Trophy 2026: ઇશાન કિશન, વિરાટ સિંહ, વૈભવ સૂર્યવંશી ફ્લોપ; શાહબાઝ-સુદીપની સદી, ઇસ્ટ ઝોને બનાવ્યા 355 રન
દુલીપ ટ્રોફી 2026ની પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં નોર્થ ઇસ્ટ ઝોન સામે ઇસ્ટ ઝોનના સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશી, વિરાટ સિંહ અને કેપ્ટન ઇશાન કિશન નિષ્ફળ રહ્યા હતા, જ્યારે સુદીપ ઘરામી (146) અને શાહબાઝ અહેમદ (100*)ની સદીના દમ પર ટીમે પ્રથમ દિવસે 6 વિકેટે 355 રન બનાવ્યા.

દુલીપ ટ્રોફી 2026ની પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઇસ્ટ ઝોનના સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશી, વિરાટ સિંહ અને ઇશાન કિશનનું બેટ પ્રથમ ઇનિંગ્સમાં નોર્થ ઇસ્ટ ઝોન સામે ચાલ્યું નહોતું, જ્યારે સુદીપ ઘરામી અને શાહબાઝ અહેમદે શાનદાર સદી ફટકારી હતી.
દુલીપ ટ્રોફી 2026માં પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચ ઇસ્ટ ઝોન અને નોર્થ ઇસ્ટ ઝોન વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં નોર્થ ઇસ્ટ ઝોને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઇનિંગ્સમાં પહેલા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઇસ્ટ ઝોનની ટીમે સુદીપ કુમાર ઘરામી અને શાહબાઝ અહેમદની સદીની મદદથી 6 વિકેટના નુકસાને 355 રન બનાવી લીધા છે. હાલમાં ક્રિઝ પર શાહબાઝ અહેમદ 100 રન અને અનુકૂલ રોય 22 રન બનાવી અણનમ છે.
ઇશાન, વિરાટ, વૈભવ નિષ્ફળ; શાહબાઝ-સુદીપે ફટકારી સદી
નોર્થ ઇસ્ટ ઝોન સામે રમતનાં પહેલા દિવસે પ્રથમ ઇનિંગ્સમાં ઇસ્ટ ઝોનના ઓપનર વૈભવ સૂર્યવંશીનું બેટ ચાલ્યું નહોતું અને તેઓ 6 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 8 રન બનાવી આઉટ થઈ ગયા હતા. ટીમના બીજા ઓપનર અભિમન્યુ ઈશ્વરને પણ નિરાશ કર્યા હતા અને તેમણે 20 બોલમાં 15 રન બનાવ્યા હતા.
ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા કુમાર કુશાગ્રએ 65 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 55 રનની ઇનિંગ રમી હતી, જ્યારે વિરાટ સિંહે નિરાશ કર્યા હતા અને તેઓ 7 બોલમાં માત્ર 2 રન બનાવી આઉટ થયા હતા.
ઇસ્ટ ઝોન માટે પ્રથમ દિવસે ચોથા નંબરે બેટિંગ કરવા આવેલા સુદીપ કુમાર ઘરામીએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેમણે 185 બોલમાં 1 સિક્સર અને 25 ચોગ્ગા સાથે 146 રનની પ્રભાવશાળી ઇનિંગ રમી હતી. કેપ્ટન ઇશાન કિશને પ્રથમ ઇનિંગ્સમાં નિરાશ કર્યા હતા અને 9 બોલમાં 4 રન બનાવી પેવેલિયન ભેગા થયા હતા.
શાહબાઝ અહેમદે ટીમ માટે શાનદાર બેટિંગ કરતા 2 સિક્સર અને 9 ચોગ્ગાની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા. નોર્થ ઇસ્ટ ઝોન તરફથી પહેલા દિવસે ફેરોઇઝમ જોતિને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.
