લગ્ન પછી PF નોમિની કોને બનાવવા? પતિ કે પત્નીનું નામ ફરજિયાત કે પછી… જાણી લો EPFOનો આ નવો નિયમ
નોકરી કરતા કરોડો લોકો માટે તેમના પીએફ (PF) ખાતા સાથે જોડાયેલા એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને જે લોકો પરિણીત છે અથવા ભવિષ્યમાં લગ્ન કરવા જઈ રહ્યા છે, તેમના માટે આ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) તેના અંશધારકો (સભ્યો) માટે નવો નિયમ લાગુ કર્યો છે. નવા નિયમમાં PF ક્લેમથી લઈને નોમિનીના નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, EPF સ્કીમ 2026 અનુસાર, લગ્ન પછી સભ્યો માટે નવું નોમિનેશન સબમિટ કરવું ફરજિયાત બની ગયું છે, કારણ કે લગ્ન પહેલાં કરવામાં આવેલ કોઈ પણ નોમિનેશન અમાન્ય ગણાશે. જો કે, સામાન્ય માન્યતાથી વિપરીત આ નિયમમાં EPF સભ્ય માટે તેના જીવનસાથીને નોમિનેટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું નથી. બીજું કે, જે સભ્યનો પરિવાર છે, તે પરિવારના એક અથવા એકથી વધુ સભ્યોને નોમિનેટ કરી શકે છે, જેવું કે 'કોડ ઓન સોશિયલ સિક્યોરિટી, 2020' માં જણાવવામાં આવ્યું છે.

EPF સ્કીમ 2026 હેઠળ સભ્યો માટે એ જરૂરી છે કે, તેઓ લગ્ન પછી પોતાની નોમિનેશનની વિગતો અપડેટ કરે, જેથી EPF બેનિફિટ્સ (લાભો) નું સરળ સમાધાન થાય. જીવનસાથી એક યોગ્ય નોમિની હોવાથી સભ્ય પોતાની પસંદગીના એક અથવા એકથી વધુ પરિવારના સભ્યોને નોમિની બનાવી શકે છે. જણાવી દઈએ કે, જૂની EPF સ્કીમ 1952 હેઠળ કરવામાં આવેલું કોઈ પણ નોમિનેશન અમાન્ય થઈ જશે, જો તે EPF સ્કીમ 2026 ની જોગવાઈઓને અનુરૂપ ન હોય.

EPF સ્કીમ 2026 માં 'પરિવાર' ની વ્યાખ્યા માટે 'કોડ ઓન સોશિયલ સિક્યોરિટી, 2020' ના નિયમોને જ માન્ય રાખવામાં આવ્યા છે, જે અંતર્ગત ચોક્કસ સભ્યોને જ નોમિની બનાવી શકાય છે. આ યોગ્ય સભ્યોમાં કર્મચારીના જીવનસાથી (પતિ કે પન્ની), સગીર વયના કાયદેસરના અથવા દત્તક લીધેલા બાળકો અને સભ્યની કમાણી પર નિર્ભર તથા 21 વર્ષની ઉંમર સુધી અભ્યાસ કરી રહેલા બાળકોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, અપરિણિત દીકરીઓ અને સંપૂર્ણપણે કર્મચારી પર આશ્રિત હોય તેવા દિવ્યાંગ (વિકલાંગ) બાળકો પણ આ દાયરામાં આવે છે. જો માતા-પિતા આર્થિક રીતે નિર્ભર હોય અને નક્કી કરેલી આવક મર્યાદાની અંદર આવતા હોય, તો તેમને પણ નોમિની બનાવી શકાય છે, જેમાં મહિલા કર્મચારીના કિસ્સામાં સાસુ અને સસરાનો પણ સમાવેશ થાય છે. જો કોઈ સભ્ય અપરિણિત હોય અને તેના માતા-પિતા જીવિત ન હોય, તો એવી સ્થિતિમાં તેના પર નિર્ભર સગીર વયના ભાઈ-બહેનને નોમિની બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.

EPF નોમિનેશન એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. તે નક્કી કરે છે કે, જો EPF ની રકમ મળતા પહેલાં અથવા અંતિમ ચુકવણી થતાં પહેલાં સભ્યનું અવસાન થાય, તો સભ્યના નામે જમા થયેલી રકમ કોને મળશે. એવામાં તમામ સભ્યો માટે એ જરૂરી છે કે, તેઓ સમયસમય પર પોતાના નોમિનીની માહિતી ચેક અને અપડેટ કરતા રહે, જેથી કોઈ અણધારી ઘટનાની સ્થિતિમાં લાભો સરળતાથી ટ્રાન્સફર કરી શકાય.

જો કોઈ સભ્ય ઉપર દર્શાવેલી યાદીમાંથી એકથી વધુ નોમિની પસંદ કરે છે, તો તે કુલ પ્રોવિડન્ટ ફંડની રકમમાં દરેક નોમિનીનો હિસ્સો (ટકાવારી) નક્કી કરી શકે છે. આ સિવાય જે સભ્યોનો પરિવાર નથી, તેઓ પોતાની પસંદગીની કોઈ પણ વ્યક્તિને નોમિની બનાવી શકે છે. જો તેઓ લગ્ન કરે છે, તો તેમણે પરિવારના યોગ્ય સભ્યોની તરફેણમાં નવું નોમિનેશન સબમિટ કરવું પડશે.
1 વર્ષની અંદર છોડી દીધી ‘નોકરી’? તો શું PFના પૂરેપૂરા પૈસા ઉપાડી શકશો કે લાગશે ‘મોટો ઝટકો’? જાણી લો આ ‘નવો નિયમ’
