Insurance: વીમો ખરીદતા પહેલા આ ફેક્ટર અંગે ખાસ જાણી લો, જો નહી ચકાસો તો નુકસાનમાં જશો
વીમા પૉલિસી ખરીદતા પહેલા લોકો ફક્તને ફક્ત તેનું પ્રીમિયમ અને ટેક્સમાં કેટલી છૂટ મળશે તે અંગેની જ તકેદારી રાખે છે. જો કે, આ સિવાય વધુ એક ફેક્ટર એવું છે કે જેના પર લોકો ધ્યાન આપતા નથી.

જ્યારે પણ કોઈ લાઈફ ઈન્સ્યોરન્સ ખરીદે છે, ત્યારે ફક્ત એક જ વસ્તુ પર ધ્યાન આપે છે કે કેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે, ટેક્સમાં કેટલી છૂટ મળશે અને ડેથ બેનિફિટ શું? જો કે, મોટાભાગના લોકો ક્લેમ્સ પેઇડ રેશિયો (CPR)ને અવગણે છે. એવામાં ચાલો જાણીએ કે, આ CPR શું છે અને શા માટે આના પર ધ્યાન આપવું જરૂરી છે.

સરળ રીતે સમજીએ તો CPR એક પાસું છે કે, જે નક્કી કરે છે કે તમારી વીમા કંપની મુશ્કેલીના સમયમાં તમારા પરિવાર સાથે ઉભી રહેશે કે નહીં. CPR જણાવે છે કે, વીમા કંપનીએ કુલ મળેલા દાવાઓમાંથી કેટલા પૈસા વાસ્તવમાં ચૂકવ્યા. ઉદાહરણ તરીકે, જો કોઈ કંપનીને ₹1,00,000 ના દાવા મળ્યા અને ₹75,000 ચૂકવ્યા, તો તેનો CPR 75% હશે. ટૂંકમાં ફક્ત દાવો મંજૂર થાય એ પૂરતો નથી, કેટલી રકમ ચૂકવવામાં આવી તે વધુ મહત્વપૂર્ણ છે.

CSR અને CPR વચ્ચે શું તફાવત છે? CSR એટલે કે ક્લેમ સેટલમેન્ટ રેશિયો, તે જણાવે છે કે કુલ મળેલા દાવાઓમાંથી કેટલા દાવાઓ 'સેટલ' કરવામાં આવ્યા. ધારો કે, 1000 દાવા આવ્યા અને કંપનીએ 960 મંજૂર કર્યા, તો CSR 96% થાય છે. જો કે, આમાં એ ઉલ્લેખ નથી થયેલો હોતો કે કેટલા લોકોને સંપૂર્ણ રકમ મળી. આ ફક્તને ફક્ત આંકડાઓનો ખેલ હોય છે.

CSR ગણતરી બતાવે છે અને CPR વાસ્તવિક રકમ બતાવે છે. CSR સારું હોઈ શકે છે પરંતુ CPR તમને વાસ્તવિકતા બતાવે છે કે કેટલા પૈસા લોકોને મળ્યા.

વીમાનો હેતુ મુશ્કેલ સમયમાં પરિવારને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. હવે જો વીમા કંપની તે સમયે પૈસા ચૂકવતી નથી, તો તે વીમાનો ઉપયોગ શું? આથી, CPR પર ધ્યાન દોરવું મહત્ત્વપૂર્ણ બને છે. આ દર્શાવે છે કે, વીમા કંપની ખરેખર લોકોને મદદ કરી રહી છે, ફક્ત કાગળ પર વચનો નથી આપી રહી.

Insurance Regulatory and Development Authority of India (આઈઆરડીએઆઈ) ના અહેવાલ મુજબ, વર્ષ 2023-24માં ભારતમાં જીવન વીમા કંપનીઓનો સરેરાશ ક્લેમ પેઈડ રેશિયો 96.82% રહ્યો હતો. આનો અર્થ એ થાય છે કે, દરેક 100 દાવામાંથી લગભગ 97 દાવાઓમાં વીમા રકમ ચૂકવવામાં આવી હતી.

જો તમે વીમો ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસપણે સીપીઆર અને સીએસઆર પર વધુ ધ્યાન આપો. આ ઉપરાંત, પૉલિસીની બધી શરતો કાળજીપૂર્વક વાંચો, નોમિનીની માહિતી હંમેશા અપડેટ રાખો અને તમે જે પણ બીજી માહિતી આપી રહ્યા છો તે સાચી હોવી જોઈએ તેનું પણ ધ્યાન રાખો. ખોટી માહિતી અથવા અધૂરી મેડિકલ ડિટેલ્સ પાછળથી ક્લેમ રોકાવાનું મોટું કારણ બની શકે છે.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
