વર્લ્ડ કપ જીત્યા પછી DSP બની ટીમ ઈન્ડિયાની સ્ટાર ખેલાડી, ગિફ્ટમાં મળી સોનાની ચેઈન અને ગોલ્ડન બેટ
રિચા ઘોષે સમગ્ર વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને સૌથી વધુ સિક્સર મારવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી. રિચાએ ફાઈનલમાં પણ 34 રન બનાવ્યા, જેના માટે તેને રોકડ પુરસ્કાર મળ્યું છે. સાથે જ તેને DSPના હોદ્દા પર નિયુક્ત કરવામાં આવી છે.

પહેલીવાર ICC મહિલા વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના ખેલાડીઓનું દેશભરમાં સન્માન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારો પણ તેમના રાજ્યોની વિશ્વ ચેમ્પિયન ખેલાડીઓને પુરસ્કાર આપી રહી છે. પશ્ચિમ બંગાળ સરકારે વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષનું સન્માન કર્યું હતું.

2025ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષનું શુક્રવારે તેના વતન સિલિગુડી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પશ્ચિમ બંગાળ સરકાર અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) દ્વારા એક ખાસ કાર્યક્રમમાં તેનું સન્માન કરવામાં આવ્યું અને પુરસ્કાર આપવામાં આવ્યા.

8 નવેમ્બર, શનિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 22 વર્ષીય રિચાને DSPના હોદ્દા પર નિયુક્ત કરી અને તેને રાજ્યના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન બંગ ભૂષણથી પણ સન્માનિત કરી. મમતા બેનર્જીએ રિચાને એક ખાસ સોનાની ચેઈન પણ ભેટમાં આપી.

CAB પ્રમુખ સૌરવ ગાંગુલીએ એસોસિએશન વતી રિચાને 34 લાખ રૂપિયા ભેટમાં આપ્યા. આફ્રિકા સામે ફાઈનલમાં 34 રન બનાવ્યા હતા, જેના માટે રિચાને આ રકમ ગિફ્ટમાં મળી હતી. રિચાને સોનાનો ઢોળ ચડાવેલ બેટ અને બોલ પણ ભેટમાં આપવામાં આવ્યો હતો.

રિચાએ વર્લ્ડ કપમાં આઠ ઈનિંગ્સમાં 133 ના રેકોર્ડબ્રેક સ્ટ્રાઈક રેટથી 235 રન બનાવ્યા હતા. રિચાએ એક મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ 12 છગ્ગા ફટકારવાના વિશ્વ રેકોર્ડની પણ બરાબરી કરી હતી. (PC : PTI)
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વનડે વર્લ્ડ કપ જીતી ઈતિહાસ રચ્યો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
