મધ્યમ વર્ગ માટે ‘જેકપોટ’! NSEની આ એક જાહેરાતથી માર્કેટનું ‘સમીકરણ’ બદલાઈ જશે, રોકાણકારો માટે ખુલશે કમાણીના ‘નવા દ્વાર’
શેરબજારમાં રોકાણ કરતા અને સોનાના શોખીન લોકો માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) એક એવી જાહેરાત કરી છે કે, જે માર્કેટના સમીકરણો બદલી નાખશે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) દ્વારા 10 ગ્રામ ગોલ્ડ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એક્સચેન્જ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર (20 ફેબ્રુઆરી 2026) મુજબ, સેબી (SEBI) ની મંજૂરી મળ્યા બાદ આ નવો કોન્ટ્રાક્ટ 16 માર્ચ 2026 થી કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે.

આ ગોલ્ડ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ 10 ગ્રામના ટ્રેડિંગ યુનિટમાં હશે. આનું ટ્રેડિંગ સિમ્બોલ 'GOLD10G' રહેશે. આનો અર્થ એ છે કે, હવે રોકાણકારો નાની સાઇઝમાં (10 ગ્રામ) સોનાના ફ્યુચર્સમાં ટ્રેડિંગ કરી શકશે, જેનાથી નાના રોકાણકારો માટે પણ આમાં ભાગ લેવો સરળ બનશે.

આ કોન્ટ્રાક્ટમાં સોમવારથી શુક્રવાર સુધી ટ્રેડિંગ થશે. ટ્રેડિંગનો સમય સવારે 9:00 વાગ્યાથી રાત્રે 11:30/11:55 વાગ્યા સુધીનો રહેશે. પ્રતિ 10 ગ્રામ પર સૌથી નાની પ્રાઇસ મૂવમેન્ટ (ટિક સાઈઝ) 1 રૂપિયાની હશે. મહત્તમ ઓર્ડર સાઈઝ 10 કિલોગ્રામ નક્કી કરવામાં આવી છે.

શરૂઆતી દૈનિક પ્રાઇસ લિમિટ (Daily Price Limit) 6% રહેશે. જો 6% ની મર્યાદા ઓળંગાય છે, તો 15 મિનિટના કૂલિંગ પિરિયડ (Cooling Period) પછી તેને 9% સુધી વધારી શકાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ અસ્થિરતાના કિસ્સામાં 'એક્સચેન્જ' તેને તબક્કાવાર રીતે વધુ વધારી શકે છે.

માર્જિન સિસ્ટમમાં વોલેટિલિટી આધારિત માર્જિન (Volatility-based margin) લાગુ થશે. આ ઉપરાંત, 1% એક્સટ્રીમ લોસ માર્જિન (Extreme Loss Margin) પણ રહેશે. આ કોન્ટ્રાક્ટ ફરજિયાત ડિલિવરી (Compulsory Delivery) વાળો રહેશે. સરળ રીતે સમજીએ તો, એક્સપાયરી પર ઓપન પોઝિશનને ડિલિવરી માટે માર્ક કરવામાં આવશે. બીજું કે, ડિલિવરી યુનિટ '10 ગ્રામ' રહેશે.

ડિલિવરી સેન્ટર અમદાવાદ ખાતે નક્કી કરેલા ક્લિયરિંગ હાઉસની સુવિધા પર રહેશે. સોનાની ગુણવત્તા 999 શુદ્ધતા (Purity) ની હશે અને તે LBMA (London Bullion Market Association) દ્વારા માન્યતા પ્રાપ્ત સપ્લાયર દ્વારા સપ્લાય કરવામાં આવશે.

ફાઈનલ સેટલમેન્ટ પ્રાઈસ (Final Settlement Price) અમદાવાદ સ્પોટ પ્રાઈસ (995 પ્યોરિટી) ના આધારે નક્કી કરવામાં આવશે, જેને '999 પ્યોરિટી' માં કન્વર્ટ કરવામાં આવશે. એક્સપાયરી વાળા દિવસે લગભગ સાંજે 5 વાગ્યે આ કિંમત જાહેર કરવામાં આવશે.

પહેલો કોન્ટ્રાક્ટ 16 માર્ચ 2026 થી શરૂ થશે. ત્યારબાદ દર મહિને નવા કોન્ટ્રાક્ટ લોન્ચ થશે, જેની એક્સપાયરી અનુક્રમે એપ્રિલ 2026 થી માર્ચ 2027 સુધી નક્કી કરવામાં આવી છે.

10 ગ્રામની નાની સાઇઝ હોવાથી રિટેલ રોકાણકારો અને જ્વેલર્સ માટે હેજિંગ (Hedging) તેમજ ટ્રેડિંગ સરળ બની શકે છે. આ પ્રોડક્ટ ખાસ કરીને એવા રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કે, જેઓ ઓછી મૂડી સાથે ગોલ્ડ ફ્યુચર્સમાં ભાગ લેવા માંગે છે.
મ્યુચ્યુઅલ ફંડ રિટર્નની ABCD! CAGR, XIRR અને એબ્સોલ્યુટ રિટર્ન વચ્ચેનો તફાવત શું? આ ત્રણેયનો ઉપયોગ ક્યારે કરવો?
