કેએલ રાહુલ વિરાટ કોહલી પાસેથી આ વસ્તુ ચોરી કરવા માંગે છે, પોતે કર્યો ખુલાસો
કેએલ રાહુલના ક્લાસ અને ટેકનિકની ઘણીવાર પ્રશંસા થાય છે. જોકે, તે હજુ પણ બેટિંગમાં વિરાટ કોહલી પાસેથી એક વસ્તુ ચોરી કરવા માંગે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે ઘણા ખુલાસા કર્યા. આ દરમિયાન તેણે એ પણ કહ્યું કે તે વિરાટ કોહલીની કઈ વસ્તુ ચોરી કરવા માંગે છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલની બેટિંગના કરોડો ફેન્સ દિવાના છે. તેની પાસે ક્લાસ અને ટેકનિક બંને છે. જોકે, કેએલ રાહુલ હજુ પણ તેના સિનિયર અને દિગ્ગજ ભારતીય ખેલાડી વિરાટ કોહલીની બેટિંગનો ફેન છે અને તેની પાસેથી એક ખાસ ક્રિકેટીંગ શોટ ચોરી કરવા માંગે છે.

રાહુલે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન રાહુલને પૂછવામાં આવ્યું કે, તે કયો શોટ છે જે તુ કોઈ અન્ય બેટ્સમેન પાસેથી ચોરી કરવા માંગે છે? આના જવાબમાં રાહુલે કહ્યું કે તે વિરાટ કોહલીનો ફ્લિક શોટ ચોરી કરવા માંગશે. સામાન્ય રીતે વિરાટના કવર ડ્રાઈવ વિશે ઘણી ચર્ચા થાય છે અને તેનો આ શોટ ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ રાહુલે વિરાટનો ફ્લિક શોટ ચોરી કરવાની વાત કરી હતી.

રાહુલને ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, કયો એક બોલર છે જેણે રાતોની ઊંઘ હરામ કરી દીધી હોય? આ સવાલના જવાબમાં કેએલ રાહુલે અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનનું નામ લીધું હતું. આ પછી રાહુલને પૂછવામાં આવ્યું કે, તને નેટ્સમાં કયા બોલરનો સામનો કરવો ગમતો નથી? આના પર રાહુલે તેના સાથી ખેલાડી મોહમ્મદ શમીનું નામ લીધું હતું.

આ ઉપરાંત કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની પણ પ્રશંસા કરી હતી. તેને પૂછવામાં આવ્યું કે કોનું ક્રિકેટ માઈન્ડ સૌથી હોશિયાર છે? આનો જવાબ આપતા રાહુલે રોહિત શર્માનું નામ લીધું. કેએલ રાહુલે બ્રેડ હેડિનને એવો વિકેટકીપર ગણાવ્યો જે બેટિંગ કરતી વખતે સૌથી વધુ બોલે છે. આ ઉપરાંત જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે કયો સાથી મોટા શોટ મારવાની બડાઈ મારે છે? આનો જવાબ આપતા રાહુલે હસીને મોહમ્મદ સિરાજનું નામ લીધું હતું.

કેએલ રાહુલ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વ્યસ્ત છે. પાકિસ્તાન સામેની મેચમાં તેને બેટિંગ કરવાની તક મળી ન હતી, પરંતુ બાંગ્લાદેશ સામે રમતી વખતે તે અણનમ પાછો ફર્યો હતો. તેણે 47 બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા. (All Photo Credit :PTI / GETTY)
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક
