Breaking News : BCCI એ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને આપી લીલી ઝંડી, ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે ટીમમાં કર્યો સામેલ
IND vs NZ ODI Series : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીથી ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થવાની છે. આ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટી રાહત મળી છે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) દ્વારા ભારતીય ટીમના એક મહત્વના ખેલાડીને સંપૂર્ણપણે ફિટ જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.

ભારતીય ક્રિકેટ ટીમ 2026માં પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય શ્રેણી ન્યૂઝીલેન્ડ સામે રમશે. આ ત્રણ મેચની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલેથી જ થઈ ચૂકી છે. જોકે, એક ખેલાડી ફિટનેસ સંબંધિત શરતો સાથે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) તરફથી લીલી ઝંડી મળતા તે ખેલાડી સંપૂર્ણ રીતે રમવા તૈયાર છે.

ટીમ ઈન્ડિયાના મધ્યમ ક્રમના બેટ્સમેન અને V-કેપ્ટન શ્રેયસ ઐયરને મોટી રાહત મળી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, BCCIના CoEએ તેમને સંપૂર્ણપણે ફિટ જાહેર કર્યા છે. આ સાથે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં તેમની વાપસી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે આ મંજૂરી નિર્ધારિત સમયપત્રક પહેલાં મળી છે, જેમાં વિજય હજારે ટ્રોફીમાં તેમની તાજેતરની ઇનિંગ્સે મેડિકલ ટીમને પ્રભાવિત કરી હતી.

ગયા વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે સિડની ODI દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે શ્રેયસ ઐયરને ગંભીર ઈજા થઈ હતી. કેચ પકડવાના પ્રયાસ દરમિયાન પડી જતાં તેમના ખભામાં ઈજા થઈ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાના પડ્યા હતા. આ ઈજાને કારણે તેઓ લગભગ ત્રણ મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યા. લાંબા પુનર્વસન બાદ શ્રેયસે ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરી હતી.

મુંબઈની કેપ્ટનશીપ કરતા શ્રેયસ ઐયરે વિજય હજારે ટ્રોફીમાં હિમાચલ પ્રદેશ સામે નંબર 4 પર બેટિંગ કરતા 53 બોલમાં 82 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેમની આ ઇનિંગ્સ બાદ મેડિકલ ટીમ સંતોષમાં આવી અને તેમને ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે ફિટ જાહેર કરવામાં આવ્યા.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. જોકે, શ્રેયસ ઐયરની વાપસીથી પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થવાની શક્યતા છે. ઐયરની ગેરહાજરી દરમિયાન નંબર 4 પર રમતા રુતુરાજ ગાયકવાડે સારું પ્રદર્શન કર્યું હતું અને પોતાની પહેલી ODI સદી પણ ફટકારી હતી. હવે શ્રેયસની ઉપલબ્ધતા બાદ રુતુરાજને બહાર બેસવું પડી શકે છે.
9 ચોગ્ગા 10 છગ્ગા.. 14 વર્ષનો ભારતીય ખેલાડી દક્ષિણ આફ્રિકા પર તૂટી પડ્યો
