પિતા જામનગરના રહી ચૂક્યા છે સાંસદ, નેતાની દીકરી સાથે લગ્ન કર્યા, ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પૂર્વ ક્રિકેટરનો આવો છે પરિવાર
નેટવર્થની બાબતમાં પણ અજય જાડેજા વિરાટ કોહલી કરતા ઘણો આગળ છે. અજય જાડેજાની કુલ સંપત્તિ 1,450 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. જામ સાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો આજે આપણે અજય જાડેજાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

અજયસિંહજી જાડેજાનો જન્મ 1 ફેબ્રુઆરી 1971ના રોજ જામનગરમાં થયો હતો, અજય જાડેજા એક ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર છે. તેઓ 1992 થી 2000 દરમિયાન વન ડે ઇન્ટરનેશનલ (ODI) ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય હતા.

અજય જાડેજાના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણો

તેમણે ભારત માટે 15 ટેસ્ટ મેચ અને 196 ODI રમી છે. તેમણે ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. તેઓ 1995નો એશિયા કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા. હાલમાં, જાડેજા અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ સાથે ટીમ મેન્ટર તરીકે કામ કરી રહ્યા છે.

મેચ ફિક્સિંગમાં તેમની કથિત સંડોવણીને કારણે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 3 જૂન 2000 ના રોજ તેમના રમવા પર આજીવન પ્રતિબંધ મૂક્યો,બાદમાં BCCI એ 5 વર્ષનો પ્રતિબંધ ઘટાડો કર્યો હતો. જોકે, જાડેજા ભારતીય ક્રિકેટ ટીમ માટે ફરી રમી શક્યો નહીં.

ક્રિકેટ રમવાનું છોડી દીધા પછી, તેમણે 2015 ની આસપાસ દિલ્હી ક્રિકેટ ટીમના કોચ તરીકે કામ કર્યું. 2000ના દાયકામાં તેમણે બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો, ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં જોવા મળ્યા હતા.

અજય જાડેજાનો જન્મ જામનગરમાં રાજવી પરિવારમાં થયો હતો. તેનો પરિવાર ક્રિકેટ સાથે પહેલાથી સંકળાયેલો હતો. તેમના સંબંધીઓમાં કે. એસ. રણજીતસિંહજીનો સમાવેશ થાય છે, જેમના નામ પરથી રણજી ટ્રોફી નામ આપવામાં આવ્યું છે, અને કે. એસ. દુલીપસિંહજીનો સમાવેશ થાય છે, જેમના નામ પરથી દુલીપ ટ્રોફી નામ આપવામાં આવ્યું છે.

જાડેજાના પિતા દૌલતસિંહજી જાડેજા જામનગર લોકસભાથી 3 વખત સંસદ સભ્ય રહ્યા હતા. તેમની માતા કેરળના અલાપ્પુઝાના રહેવાસી છે. અજય જાડેજાના લગ્ન જયા જેટલીની પુત્રી અદિતિ જેટલી સાથે થયા છે અને આ દંપતિને બે બાળકો, આઈમન અને અમીરા છે.

તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ નવી દિલ્હીના ભારતીય વિદ્યા ભવનથી શરૂ કર્યું. ત્યારબાદ તેમને રાજકોટની રાજકુમાર કોલેજમાં મોકલવામાં આવ્યા. તેમને બોર્ડિંગ સ્કૂલ પસંદ નહોતી,અંતે તેઓ નવી દિલ્હીની સરદાર પટેલ વિદ્યાલયમાં સ્થાયી થયા, જ્યાંથી તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. તેઓ અહીં અદિતિ જેટલીને મળ્યા હતા.

585 વર્ષ પૂર્વે જામ રાજવી જામ રાવળે કચ્છથી આવી જામનગર (નવાનગર)ની સ્થાપના કરી હતી. અજય જાડેજાના પિતા દોલતસિંહ જામનગરના સાંસદ રહી ચુક્યા છે. હવે રાજવી પરિવારનો વારસો અજય જાડેજા સંભાળશે.

ઓક્ટોબર 2024માં જામનગરના વર્તમાન મહારાજા જામ સાહેબ શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજા દ્વારા અજય જાડેજાને જામનગરના આગામી જામ સાહેબ (જામનગર શાહી સિંહાસનના વારસદાર) જાહેર કરવામાં આવ્યા છે.

જાડેજાએ 2003માં સની દેઓલ અને સુનીલ શેટ્ટી સાથે ફિલ્મ ખેલ માં અભિનય કર્યો હતો. તેમણે 2009માં વી.કે.કુમાર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ "પલ પલ દિલ કે સાથ" માં પણ અભિનય કર્યો હતો.

જાડેજા સેલિબ્રિટી ડાન્સ શો "ઝલક દિખલા જા" ની પહેલી સીઝનમાં સ્પર્ધક હતો. તે ટીવી શો "કોમેડી સર્કસ", "ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ" માં મહેમાન તરીકે દેખાયો હતો. તેમણે અભિષેક કપૂરની ફિલ્મ "કાઈ પો છે!"માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી જેમાં તેમણે ક્રિકેટ કોમેન્ટેટર તરીકે પોતાની ભૂમિકા ભજવી હતી.

અજય જાડેજા સ્થાનિક ક્રિકેટમાં હરિયાણા, દિલ્હી અને જમ્મુ કાશ્મીરની ટીમો તરફથી રમ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે રણજી ટ્રોફીમાં દિલ્હી માટે 13 મેચ રમી હતી. જેમાં તેણે 17 ઈનિંગ્સ રમી હતી અને 70.58ની એવરેજથી 847 રન બનાવ્યા હતા. આ દરમિયાન અજય જાડેજાએ 3 સદી અને 4 અડધી સદી પણ ફટકારી હતી.

નેટવર્થની બાબતમાં પણ અજય જાડેજા વિરાટ કોહલી કરતા ઘણો આગળ છે. રિપોર્ટ્સ અનુસાર, વિરાટની કુલ નેટવર્થ લગભગ $127 મિલિયન એટલે કે લગભગ 1046 કરોડ રૂપિયા છે. તેની ગણતરી વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાં થાય છે. જ્યારે અજય જાડેજાની કુલ સંપત્તિ 1,450 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે અહી ક્લિક કરો






































































