ઇન્દોરની ગલીઓમાં ભિક્ષુક નહીં, ધનકુબેર, ભીખ માગતો માંગીલાલ હકીકતમાં માલામાલ
ઇંદોરની સડકો પર વરસોથી ભીખ માગતો એક ભિક્ષુક.જેને જોઈને લોકો દયા ખાતા હતા, એ જ ભિક્ષુક હકીકતમાં કરોડોની સંપત્તિનો માલિક નીકળે, તો તમને કેવું લાગશે? મધ્યપ્રદેશના ઇંદોરમાંથી એવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સરાફા બજારમાં ભીખ માગતો માંગીલાલ હકીકતમાં 3 મકાન, 3 ઑટો અને એક કારનો માલિક નીકળ્યો.
ઇંદોરની સડકો પર વરસોથી ભીખ માગતો એક ભિક્ષુક.જેને જોઈને લોકો દયા ખાતા હતા, એ જ ભિક્ષુક હકીકતમાં કરોડોની સંપત્તિનો માલિક નીકળે, તો તમને કેવું લાગશે? મધ્યપ્રદેશના ઇંદોરમાંથી એવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સરાફા બજારમાં ભીખ માગતો માંગીલાલ હકીકતમાં 3 મકાન, 3 ઑટો અને એક કારનો માલિક નીકળ્યો.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા ભિક્ષાવૃત્તિ ઉન્મૂલન અભિયાન હેઠળ સરાફા વિસ્તારમાં એક ભિક્ષુકને રેસ્ક્યુ કરવામાં આવ્યો. આ ભિક્ષુકનું નામ છે, માંગીલાલ. વર્ષોથી લાકડાની ગાડી, પીઠ પર બેગ અને હાથમાં જૂતાની ટેક લઈને લોકોની સહાનુભૂતિ મેળવતો હતો. માંગીલાલ કોઈને કઈ બોલતો નહોતો. લોકોની પાસે શાંતિથી જઈને ઊભો રહેતો… અને લોકો પોતે જ રૂપિયા આપી દેતા. તે મુજબ રોજ 500થી 1000 રૂપિયા મળતા હતા, પરંતુ અધિકારીઓનું માનવું છે કે તેની વાસ્તવિક આવક ઘણી વધારે હતી.
ચોંકાવનારી વાત એ છે કે માંગીલાલ ભીખમાંથી મળેલા રૂપિયા સરાફા વિસ્તારના કેટલાક વેપારીઓને દિવસ અને અઠવાડિયા મુજબ વ્યાજે આપતો હતો. અને રોજ વ્યાજ વસૂલવા માટે સરાફા આવતો હતો. પુછપરછ દરમિયાન માંગીલાલે સ્વીકાર્યું કે તેના પાસે શહેરમાં ત્રણ પક્કા મકાન છે, ભગતસિંહ નગરમાં ત્રણ માળનું મકાન, શિવનગરમાં એક ઘર અને અલવાસમાં 1BHK. આ ઉપરાંત તેના પાસે ત્રણ ઑટો ભાડે ચાલે છે અને એક ડિઝાયર કાર પણ છે, જેના માટે ડ્રાઈવર રાખ્યો છે.
નોડલ ઓફિસર દિનેશ મિશ્રાએ પણ સ્વીકાર્યુ હતું કે, સરાફા વિસ્તારમાં સતત ફરિયાદો મળી રહી હતી. રેસ્ક્યુ કર્યા બાદ જ્યારે તેની સંપત્તિ વિશે ખબર પડી, તો અમને પણ આશ્ચર્ય થયું. તો ઇંદોરની સડકો પર ભીખ માગતો દેખાતો, માંગીલાલ હકીકતમાં લોન આપતો સાહૂકાર નીકળ્યો. આ ઘટના એક મોટો સવાલ ઉભો કરે છે, શું ભિક્ષાવૃત્તિ પાછળ વાસ્તવિક ગરીબી છે… કે પછી કેટલાક લોકો દયાનો ધંધો ચલાવી રહ્યા છે? સરકારના અભિયાનથી એક ચહેરો તો ખુલ્લો પડ્યો. હવે જોવાનું એ છે કે આવા કેટલાં માંગીલાલ હજુ રસ્તાઓ પર છે.

