Breaking News: સુરતના એરઠમાં ધડાકાભેર તૂટી પડી નવનિર્મિત ટાંકી, 21 કરોડના ખર્ચે બનેલી ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ થઈ જમીનદોસ્ત- Video
સુરતમાં ભ્રષ્ટાચારની નવનિર્મિત ટાંકી ટેસ્ટ દરમિયાન જ ધડાકાભેર તૂટી પડી છે અને તંત્રની પોલ ખૂલી ગઈ છે. લાખોના ખર્ચે બનાવાયેલી પાણીની ટાંકી ટેસ્ટ દરમિયાન જ ધરાશાયી થઈ ગઈ અને તંત્રનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો.
સુરતના અરેઠના તડકેશ્વર ગામે લાખોના ખર્ચે બનાવાયેલી નવનિર્મિત પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે. 11 લાખ લીટરની ટાંકીમાં તપાસ માટે 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યુ હતુ. જો કે ટેસ્ટિંગ દરમિયાન જ ટાંકી ધડાકાભેર ધરાશાયી થઈ જેમા ત્રણ મજૂરોને ઈજા પહોંચી છે. ટાંકી ધરાશાયી થતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નવ નિર્મિત ટાંકી તેના ટેસ્ટીંગ દરમિયાન જ તૂટી પડતા બાંધકામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
ઘટના બાદ રહીરહીને પૂરવઠા યોજનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ટાંકીના ધરાશાયી થવા અંગેની સમીક્ષા કરી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર SVNIT દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને રિપોર્ટને આધારે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરાશે.
છેલ્લા ત્રણ વર્ષથી આ ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી હતી અને ત્રણ વર્ષના અંતે તૈયાર થયેલી ટાંકી પણ તૂટી પડી ત્યારે કઈ હદનો ભ્રષ્ટાચાર તેના બાંધકામમાં થયો હશે તે સમજી શકાય છે. આ ટાંકી તૈયાર થતા 13 ગામડાઓને પીવાનું શુદ્ધ પાણી મળવાનું હતુ. 21 કરોડ રૂપિયાના ખર્ચે આ ટાંકી બનાવવામાં આવી રહી હતી પરંતુ કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારના પાપે આ ટાંકી ઉપયોગમાં લેવાય તે પહેલા જ ધરાશાયી થઈ ગઈ અને ફરી એકવાર લોકોનો તંત્ર પરનો વિશ્વાસ પણ કડડભૂસ થઈ ગયો છે. આ ટાંકી તૂટતા તંત્રની નિયત સામે ફરી સવાલ ઉઠ્યા છે.
Input Credit- Mehul Bhokalva- Surat