IND vs ENG : જો રૂટની રેકોર્ડ બ્રેકિંગ સદી, એક જ ઈનિંગમાં દ્રવિડ-પોન્ટિંગ-કાલિસ-બ્રેડમેનને પાછળ છોડ્યા
જો રૂટ માટે ટેસ્ટ શ્રેણીની શરૂઆત બહુ સારી નહોતી, પરંતુ તેણે લોર્ડ્સ ટેસ્ટમાં જોરદાર વાપસી કરી હતી. તેણે છેલ્લી ટેસ્ટમાં સદી ફટકારી હતી અને હવે તેણે ફરીથી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધારી દીધી છે. સાથે જ તેણે અનેક રેકોર્ડ પણ બનાવ્યા હતા અને મહાન ખેલાડીઓને પાછળ છોડી દીધા હતા.

ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટે માન્ચેસ્ટર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સામે યાદગાર સદી ફટકારી હતી. રૂટે આ ટેસ્ટ શ્રેણીમાં પોતાની બીજી સદી ફટકારી હતી. લોર્ડ્સ બાદ માન્ચેસ્ટરમાં પણ 100નો આંકડો પાર કરીને જો રૂટે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

આ જો રૂટની ઈંગ્લેન્ડમાં ભારત સામે નવમી સદી છે. આ રીતે, રૂટ હવે ઘરઆંગણે એક જ દેશ સામે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનનો 8 સદીનો રેકોર્ડ તોડ્યો હતો.

જો રૂટે લોર્ડ્સ પછી ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં સદી ફટકારી. આ સાથે તેણે ભારત સામે સૌથી વધુ ટેસ્ટ સદીનો ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. રૂટની ભારત સામે 12 સદી થઈ ગઈ છે અને તેણે સ્ટીવ સ્મિથને પાછળ છોડી દીધો હતો.

રૂટે ભારત સામે 12મી સદી ફટકારી એક જ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં જેક હોબ્સ અને સ્મિથની બરાબરી કરી લીધી છે. સ્મિથે ઈંગ્લેન્ડ સામે અને હોબ્સે ઓસ્ટ્રેલિયા સામે 12 સદી ફટકારી હતી.

રૂટે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 38મી સદી ફટકારી હતી. તેણે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી કુમાર સંગાકારાની બરાબરી કરી લીધી છે. રુટ ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે સંગાકારા સાથે ચોથા ક્રમે આવી ગયો છે. હવે તેની આગળ પોન્ટિંગ, કાલિસ અને સચિન છે.

120 રન કરતાની સાથે જ રૂટના ટેસ્ટ ક્રિકેટમાં 13379 રન પૂરા કર્યા હતા. આ સાથે જ રૂટે રિકી પોન્ટિંગ, રાહુલ દ્રવિડ અને જેક્સ કાલિસને પાછળ છોડી દીધા હતા અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા ક્રમે પહોંચી ગયો હતો. હવે માત્ર સચિન તેંડુલકર જ તેનાથી આગળ છે. (All Photo Credit : PTI / Getty Images)
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીમાં જો રુટે શાનદાર પ્રદર્શન કરી અનેક રેકોર્ડ્સ તોડી રહ્યો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
