વર્ષ 2024માં એક-બે નહીં ત્રણ વર્લ્ડ કપનું થશે આયોજન, ભારત પાસે ચેમ્પિયન બનવાની સુવર્ણ તક
આ વર્ષે મેન્સ ક્રિકેટમાં બે અને વુમન્સ ક્રિકેટમાં એક, આમ કુલ ત્રણ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ યોજાશે. આ ત્રણમાંથી બે વર્લ્ડ કપ T20 ફોર્મેટમાં જ્યારે એક ODI ફોર્મેટમાં રમાશે. સૌથી પહેલા અન્ડર 19 વર્લ્ડ કપ, ત્યારબાદ મેન્સ T20 વર્લ્ડ કપ અને બાદમાં વુમન્સ T20 વર્લ્ડ કપનું આયોજન થશે.

વર્ષ 2024માં વર્ષથી શરૂઆતથી લઈ અંત સુધી સતત ક્રિકેટ રમાશે, જેમાં કેટલીક મેજર ટુર્નામેન્ટ પર ખેલાડીઓની સાથે ફેન્સની ખાસ નજર રહેશે. ખાસ કરીને ઈન્ડિયન ફેન્સ ભારતીય ટીમ ICC ટ્રોફી જીતે અને લાંબા સમયના દુકાળને ખતમ કરે એવી આશા રાખશે.

આ વર્ષે ICCની ત્રણ મેજર વર્લ્ડ કપ ટુર્નામેન્ટ યોજાશે અને ભારત આ તમામમાં ભાગ લેશે. 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ બાદ ભારત ફરી ચેમ્પિયન બની શકે છે, જોકે ભારતને અન્ય દેશની ક્રિકેટ ટીમ તરફથી જોરદાર ટક્કર મળશે, છતાં આ વર્ષે ટીમ ઈન્ડિયા ત્રણમાંથી ઓછામાં ઓછો એક કે બે વર્લ્ડ કપ તો જીતશે જ તેવું ફેન્સનું માનવું છે.

વર્ષ 2024માં સૌપ્રથમ જે વર્લ્ડ કપ ટુર્નામેન્ટ યોજાશે તે છે 'અન્ડર 19 વર્લ્ડ કપ'. ભારતની યુવા ખેલાડીઓની ટીમ વર્ષની શરૂઆતમાં જ એક્શનમાં જોવા મળશે. ટીમ ઈન્ડિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને આ વર્ષે ફરી ચેમ્પિયન બનવા પ્રબળ દાવેદાર છે. અન્ડર 19 વર્લ્ડ કપ 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે અને આ ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે.

ODI વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારને ભુલાવી ફરી એકવાર વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે સિનિયર મેન્સ ટીમ જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં મેદાનમાં ઉતરશે. 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીતવા પર ભારતની નજર રહેશે. T20 વર્લ્ડ કપ 4 થી 30 જૂન દરમિયાન યોજાશે.

આ વર્ષે ભારતીય મહિલા ટીમ પાસે પણ વર્લ્ડ કપ ટ્રોફી જીતવાની સુવર્ણ તક છે. વુમન્સ T20 વર્લ્ડ કપનું આયોજન બાંગ્લાદેશમાં થશે અને ભારત પહેલીવાર આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનવા પ્રયાસ કરશે. આ નવમો વુમન્સ T20 વર્લ્ડ કપ છે જેમાં કુલ 10 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટ સપ્ટેમ્બર-ઓકટોબર દરમિયાન યોજાશે.
