મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ પૂર્ણ, જુઓ વિકાસયાત્રાની ઝલક
આજે 12 ડિસેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનકાળના 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે, અને સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે.

આ ત્રણ વર્ષોમાં જાહેર કરવામાં આવેલી વિવિધ લોકકેન્દ્રિત નીતિઓએ રાજ્યને બહુવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે G-20 બેઠકો અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાને વધુ વ્યાપક બનાવવા અને રાજ્યની પ્રાદેશિક ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પ્રથમવાર રાજ્યના ચાર પ્રદેશોમાં (ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર) વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સ સ્થાનિક મહત્વાકાંક્ષાઓને ‘વિકસિત ભારત @2047’ અને ‘વિકસિત ગુજરાત @2047’ના વ્યાપક વિઝન સાથે સંરેખિત કરશે.

કૃષિ કલ્યાણ માટે ભૂપેન્દ્ર સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 16,899 ગામો (19.48 લાખ ગ્રાહકો સાથે)દિવસે નિયમિત વીજળી મેળવે છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં ભારે વરસાદથી થયેલા પાક નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતો માટે ₹947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 23 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2025 દરમિયાન રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા ભારે પાક નુકસાન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું. તેમાં લગભગ 33 લાખ ખેડૂતોને લાભ થશે. કમોસમી વરસાદમાં થયેલા પાક નુકસાનના સંદર્ભમાં ગુજરાત સરકારે ₹15 હજાર કરોડની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી, જેનાથી રાજ્યના 10 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થયો. શૂન્ય ટકાના દરે પાક ધિરાણ હેઠળ છેલ્લા 3 વર્ષોમાં 33 લાખથી વધુ ખેડૂતોને ₹3030.34 કરોડથી વધુની વ્યાજ સહાય આપવામાં આવી છે.

3 વર્ષમાં મહિલા સશક્તિકરણ માટે ગુજરાતમાં લખપતિ દીદીની સંખ્યા 5 લાખ 96 હજાર થઈ, ગુજરાત 10 લાખ મહિલાઓને આત્મનિર્ભર બનાવશે. નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ-2024 જાહેર. વર્ષ 2023માં સૌપ્રથમવાર જેન્ડર બજેટ 1 લાખ કરોડને પાર, 200થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી છે. વર્ષ 2024-25માં જેન્ડર બજેટમાં મહિલા સશક્તિકરણની કુલ 804 યોજનાઓ આવરી લેવામાં આવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ વાર્ષિક સરેરાશ 4 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ મળે છે.

3 વર્ષ આરોગ્ય કલ્યાણનાં પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી ₹5 લાખની સહાય વધારીને ₹10 લાખ કરવામાં આવી છે. ગુજરાત શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારું દેશનું એકમાત્ર રાજ્ય, અત્યાર સુધીમાં 1.15 કરોડ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ગુજરાતમાં માતા મૃત્યુ દરમાં 50% અને બાળમૃત્યુ દરમાં 57.41%નો નોંધપાત્ર ઘટાડો થયો છે.

તેમજ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે નાણાકીય વર્ષ 2025-26 માટેના અંદાજપત્રમાં ₹746 કરોડનો વધારો થયો છે. 15 નવેમ્બર, 2025ના રોજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે જનજાતીય કલ્યાણ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

3વર્ષમાં યુવા વિકાસ માટે રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન, 22 જિલ્લાઓમાં 24 જિલ્લા રમત સંકુલ કાર્યરત. 2024માં ખેલ મહાકુંભ 3.0 ઇવેન્ટમાં 71 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્યમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ, નેશનલ પોલીસ ગેમ્સ, નેશનલ ગેમ્સ 2022 જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત કાર્યક્રમો યોજાયા છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદ ખાતે ₹825 કરોડના ખર્ચે વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કરાશે. ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પૉલિસી (SSIP) 2.0 હેઠળ આઈ-હબ (i-Hub), અમદાવાદ ખાતે 600 સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન માટે સમર્થન આપવામાં આવ્યું અને સ્ટાર્ટઅપ્સ સૃજન ફંડ સપોર્ટ હેઠળ 402 સ્ટાર્ટઅપ્સને અંદાજીત ₹ 23 કરોડથી વધુની સહાય પ્રદાન કરવામાં આવી.

વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ 2025 તરીકે જાહેર કરવામાં આવ્યું છે. મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-1 તથા ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીથી ગિફ્ટ સિટી સુધીના અમદાવાદ મેટ્રો ફેઝ-2નું સપ્ટેમ્બર 2024માં વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રાજ્યના 6 સ્માર્ટ શહેરોમાં ₹11 હજાર કરોડથી વધુના 348 પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજ્યની નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો, હવે ગુજરાતમાં કુલ 17 મહાનગરપાલિકાઓ છે. છેલ્લા ૩ વર્ષોમાં કુલ 226 ટીપી સ્કીમોને મંજૂરી આપવામાં આવી છે. તો સ્વચ્છતા સર્વેક્ષણ વર્ષ 2024-25 હેઠળ અમદાવાદ શહેર ભારતનું નંબર 1 સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો