હાથના કર્યા હૈયે વાગશે, સીરિયાના બળવાથી પાકિસ્તાની મીડિયામાં ભયનું વાતાવરણ, દેશના ટુકડા થવાનો ડર
સીરિયાના રાષ્ટ્રપતિ અસદના પતન બાદ પાકિસ્તાની મીડિયામાં ભયનો માહોલ છે. બાંગ્લાદેશ અને સીરિયાના ઉદાહરણોનો ઉલ્લેખ કરીને, ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પાકિસ્તાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો બળવામાં પરિણમી શકે છે અને દેશના ટુકડા થઈ શકે છે. બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં અલગતાવાદી ઝુકાવ અને વર્તમાન સરકાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શન આ ચિંતાઓમાં વધારો કરે છે.


સીરિયામાં તખ્તાપલટ બાદ પાકિસ્તાનમાં પણ એક અલગ જ પ્રકારના ડરનો માહોલ છે. પાકિસ્તાની મીડિયા જગતમાં ચિંતા છે કે, પાકિસ્તાનમાં હાલમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શન ક્યાંક બાંગ્લાદેશ અને સીરિયાનું સ્વરૂપ ના લઈ લે.

સીરિયામાં તખ્તાપલટ બાદ, દેશમાં ઉજવણીના વાતાવરણની સાથે સાથે, અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા હુમલાઓ પણ ચાલુ છે, જ્યારે HTS લડવૈયાઓ દેશના પૂર્વમાં કુર્દિશ દળો સામે લડી રહ્યા છે. તખ્તાપલટ બાદ સીરિયાના પાડોશી દેશ પાકિસ્તાનના મીડિયામાં એક અનોખો જ ડર દેખાવા લાગ્યો છે, તેઓ પોતાના દેશની સ્થિતિ અંગે ચિંતા કરવા લાગ્યા છે.

પાકિસ્તાન દેશની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા, પાકિસ્તાનની ARY ચેનલ પરના એન્કરે કહ્યું, “ગઈકાલે અમે જોયું કે કેવી રીતે સીરિયામાં અસદના 50 વર્ષના શાસનને ઉથલાવી દેવામાં આવ્યું, તે પહેલાં અમે બાંગ્લાદેશમાં શેખ હસીનાના 15 વર્ષના શાસનને સત્તામાંથી ઉથલાવી નાખતા જોયા."

ARY ચેનલના ન્યૂઝ શો દરમિયાન અંકરે સીરિયા પર કહ્યું, "સીરિયાની સ્થિતિ જુઓ, ઇઝરાયલીઓ ફરીથી ગોલાન હાઇટ્સ પર આવી ગયા છે, દેશનો કેટલોક ભાગ કુર્દના કબજામાં છે, કેટલોક ભાગ તુર્કી પાસે છે. અલ કાયદા તેમાં એક મોટો ભાગ છે. આ બધું જણાવતાં તેમણે કહ્યું કે, પાકિસ્તાને ચિંતા કરવી જોઈએ કારણ કે દેશમાં આતંકવાદની ખૂબ જ ડરામણી લહેર છે. બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં અલગતાવાદ જોવા મળી રહ્યો છે. હાલમાં પાકિસ્તાનમાં વર્તમાન સરકાર સામે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે.

એન્કરે દેશના નેતાઓ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે, શું ઈમરાન ખાન, પાક આર્મી, વડાપ્રધાન અને અન્ય લોકો સીરિયાનુ ચિત્ર જોઈ રહ્યા છે અથવા તેઓ નક્કી કરવામાં અટવાયેલા છે કે કોણ 4 વર્ષ પૂરા કરશે? આપણો મુદ્દો એ છે કે આપણે આપણી પાસેથી શીખ્યા નથી, બીજા પાસેથી શું શીખીશું!

પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી રાજકીય અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જેના કારણે દેશમાં દરરોજ સરકાર વિરોધી દેખાવો થઈ રહ્યા છે. આ સિવાય બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં લોકો અલગ દેશની માંગ કરી રહ્યા છે. દેશમાં શિયા-સુન્ની સંઘર્ષ પણ ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના ઘણા લોકો ડરવા લાગ્યા છે કે, બાંગ્લાદેશ અને સીરિયાની જેમ આ વિરોધ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે અને પાકિસ્તાનમાં પણ બળવો થઈ શકે છે. દેશના ટુકડા થઈ શકે છે.

































































