ચાંદીની કિંમત રેકોર્ડ હાઈ પર ! શું આ તેજી બાદ સિલ્વર માર્કેટ ‘ક્રેશ’ થશે? રોકાણકારોએ હવે કઈ રીતે આગળ વધવું?
ચાંદીની કિંમત રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ છે. હવે આ ઉછાળા બાદ રોકાણકારોમાં પ્રશ્ન ઊભો થયો છે કે, શું આ તેજી બાદ સિલ્વર માર્કેટ ક્રેશ થશે કે પછી તેજી જોવા મળશે?

વૈશ્વિક સ્તરે ચાંદીના ભાવ પ્રતિ ઔંસ $86 ને વટાવી ગયા છે અને સ્થાનિક સ્તરે પ્રતિ કિલોગ્રામ ₹2.70 લાખ સુધી પહોંચી ગયા છે. એવામાં સવાલ એ છે કે, શું આ ઉછાળા બાદ ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો (Silver Crash Fear) જોવા મળશે? કોમોડિટી વિશ્લેષકોનું માનવું છે કે, આટલી મોટી તેજી બાદ સામાન્ય રીતે બજાર ક્રેશ થવાને બદલે થોડા સમય માટે સ્થિર રહેશે અથવા તો કોન્સોલિડેશનમાં જશે, તેવી શક્યતા છે.

વીટી માર્કેટ્સના APACના સિનિયર માર્કેટ એનાલિસ્ટ જસ્ટિન ખૂ કહે છે કે, રોકાણકારો નફો બુક કરી રહ્યા છે પરંતુ તેનો અર્થ એ નથી કે, તેઓ બજાર પ્રત્યે નકારાત્મક થઈ ગયા છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, મુખ્ય સપોર્ટ લેવલની નજીક ખરીદી ફરી જોવા મળી રહી છે. આ દર્શાવે છે કે, બજારનો વિશ્વાસ સંપૂર્ણપણે ડગમગ્યો નથી.

નિષ્ણાતોના મતે, આ સ્તરે ચાંદીમાં તીવ્ર ઘટાડો થવાની શક્યતા ઓછી છે પરંતુ થોડા સમય માટે ભાવો સ્થિર રહી શકે છે અથવા એક હેલ્ધી કરેક્શન જોવા મળી શકે છે. ઓગમોન્ટના રિસર્ચ હેડ રેનિશા ચૈનાની કહે છે કે, ચાંદી ખૂબ જ ઝડપથી વધી છે, જેના કારણે પ્રોફિટ બુકિંગ સ્વાભાવિક છે. મોમેન્ટમ સૂચકાંકો સૂચવે છે કે, ભવિષ્યમાં થોડો ઘટાડો શક્ય છે.

ઑગમોન્ટ રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર 2025 માં ચાંદીની તેજી લગભગ $45 થી શરૂ થઈ હતી અને ડિસેમ્બર 2025 સુધીમાં $82.7 સુધી પહોંચી ગઈ હતી. નિષ્ણાતો માને છે કે, કિંમતી ધાતુ અને ઔદ્યોગિક ધાતુ બંને તરીકે ચાંદીને મજબૂત સપોર્ટ મળ્યો છે. ઊર્જા સંક્રમણની ઝડપી પ્રક્રિયા અને સલામત રોકાણની વધતી માંગે ચાંદીને મજબૂત બનાવેલ છે.

ચૈનાનીના મતે, આ તેજી પાછળ મજબૂત ઔદ્યોગિક માંગ, સરળ નાણાકીય નીતિની અપેક્ષાઓ અને વધતા જિયો-પોલિટિકલ રિસ્ક જેવા મુખ્ય કારણ રહ્યા છે. મોતીલાલ ઓસ્વાલ કોમોડિટી રિપોર્ટ અનુસાર, 2025 દરમિયાન ઔદ્યોગિક ખપત (Industrial Consumption) રેકોર્ડ સ્તર નજીક પહોંચી હતી.

રિપોર્ટમાં જણાવાયું છે કે, સોલર પીવી ઇન્સ્ટોલેશન, ઇલેક્ટ્રિફિકેશન, ઇલેક્ટ્રિક વાહનો અને ગ્રિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચનો મોટો ફાળો છે. આ દરમિયાન ગોલ્ડ સિલ્વર રેશિયો પણ 110 પરથી ઘટીને 65 સુધી આવી ગયો છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
