બજેટમાં થશે ‘મોટું એલાન’! ચાંદી અને તાંબાને લઈને મોટા સમાચાર બહાર આવી શકે છે, રોકાણકારોની નજર આ એક એક નિર્ણય પર
બજેટમાં ચાંદી અને કોપરને લઈને મોટું એલાન કરવામાં આવી શકે છે. આ સંદર્ભમાં ઉદ્યોગ જગતમાં અને રોકાણકારોમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. ટૂંકમાં બજેટ 2026 માં આ સ્પેશિયલ એલાન મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.

બજેટ 2026 દેશના માઈનિંગ અને ઔદ્યોગિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે. એક અહેવાલ મુજબ, સરકાર 2026-27 નાણાકીય વર્ષના કેન્દ્રીય બજેટમાં એક ઔપચારિક માઈનિંગ પોલિસી (Formal Mining Policy) રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવા અને ચાંદી, તાંબુ તેમજ ઝિંકના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરવાનો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ પગલું ગયા વર્ષે રજૂ કરાયેલા માઈનિંગ સુધારાઓને આગળ વધારશે અને સ્થાનિક સંસાધનોના વધુ સારા ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સરળ રીતે કહીએ તો, ઉદ્યોગ જગત અને રોકાણકારોની નજર હવે આ એક નિર્ણય પર જ ટકેલી છે.

પ્રસ્તાવિત નીતિમાં ખાનગી કંપનીઓને વધતી જતી ઔદ્યોગિક માંગને પહોંચી વળવા માટે માઈનિંગ અને પ્રક્રિયામાં મોટી ભૂમિકા આપવાની યોજના છે, ખાસ કરીને એવા સમયે જ્યારે વૈશ્વિક સપ્લાય ચેઇન દબાણ હેઠળ છે. વધુમાં મેટલ્સ (ધાતુઓ) પર ભાર મૂકવાની ચર્ચા ચાલી રહી છે અને ફોકસ ચાંદી, કોપર (તાંબુ) તેમજ ઝિંક પર છે, કારણ કે તે મેન્યુફેક્ચરિંગ માટે અત્યંત જરૂરી છે અને ભારત પાસે આ ધાતુઓનો અમુક સંસાધન આધાર પણ ઉપલબ્ધ છે.

પોલિસીમાં ચાંદીની રિકવરી અને રિફાઇનિંગને સુધારવા પર પણ ધ્યાન આપવામાં આવશે, કારણ કે દેશમાં ચાંદી મુખ્યત્વે કોપર અને ઝિંક માઇનિંગની બાય-પ્રોડક્ટ તરીકે નીકળે છે. ભારત દુનિયાના સૌથી મોટા ચાંદીના ઉપભોક્તાઓ (Consumers) માંથી એક છે પરંતુ તે આયાત પર ભારે નિર્ભર છે, ખાસ કરીને ચીનથી, જેણે હાલમાં જ કેટલીક ધાતુઓના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. નીતિ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, જો ભારત મેન્યુફેક્ચરિંગ વધારવા માંગતું હોય, તો તે મહત્વની ધાતુઓ માટે આયાત પર નિર્ભર ન રહી શકે.

'સરકાર' ચાંદી, કોપર અને ઝિંકને પ્રાથમિકતા આપી રહી છે, કારણ કે તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, સોલર પેનલ્સ, ઇલેક્ટ્રિક વાહનો, પાવર અને કન્સ્ટ્રક્શન જેવા ક્ષેત્રોમાં ઝડપથી વધી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઝિંક ઉત્પાદનમાં ભારત પહેલેથી જ એક મોટું ઉત્પાદક છે અને તેમાં ક્ષમતા વધારી શકાય છે. કોપર માઇનિંગને પણ ખોલવાની યોજના છે, કારણ કે દેશ પોતાની જરૂરિયાતનો મોટો ભાગ આયાત પર નિર્ભર છે. આ નીતિ હેઠળ ખાનગી કંપનીઓને ચાંદી સાથે સંબંધિત પ્રોજેક્ટ્સમાં વધુ માઇનિંગ લીઝ આપવામાં આવી શકે છે.

લાંબાગાળે રેર અર્થ મેટલ્સ (Rare Earth Metals) પર પણ કામ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેર અર્થ મેટલ્સ માટે વિગતવાર સર્વે, જમીન સંબંધિત પડકાર અને પર્યાવરણીય મંજૂરી જેવા અવરોધો છે તેમજ માઇનિંગ શરૂ થવામાં 05 થી 06 વર્ષ લાગી શકે છે. હવે તેમ છતાંય સરકાર માને છે કે, જો ભારતને ઇલેક્ટ્રોનિક્સ, બેટરી અને એડવાન્સ્ડ વાહનોમાં આત્મનિર્ભર બનવું હોય, તો રેર અર્થ મેટલ્સનો સ્થાનિક આધાર બનાવવો જરૂરી છે. રેર અર્થ મેટલ્સનો ઉપયોગ ડ્રોન (Drone), ફાઇટર જેટ (Fighter Jet), ઇલેક્ટ્રિક વ્હીકલ મોટર અને પવન ટર્બાઇન (Wind Turbine) માં થાય છે.
આ પણ વાંચો: ચાંદીની કિંમત રેકોર્ડ હાઈ પર ! શું આ તેજી બાદ સિલ્વર માર્કેટ ‘ક્રેશ’ થશે? રોકાણકારોએ હવે કઈ રીતે આગળ વધવું?
