અમદાવાદ રેલવે સ્ટેશન પર ટિકિટ લેવા માટે છુટ્ટાની ઝંઝટ ખતમ, શરૂ કરાઇ નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડ ડિજિટલ માધ્યમની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ નવી પહેલ હેઠળ અમદાવાદ ડિવિઝનના વિવિધ મુખ્ય સ્ટેશનો પર પ્રાયોગિક ધોરણે QR કોડ-ડિજિટલ માધ્યમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

રેલવે મુસાફરોને હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે TS મોબાઈલ એપ, ATVM (QR કોડ સુવિધા સાથે), POS અને UPI જેવા વિવિધ ડિજિટલ ચુકવણી વિકલ્પો પ્રદાન કરવામાં આવે છે.

હવે આ પ્રકારની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ ઉપયોગી અને સુલભ બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ ડિવિઝને તેનો વિસ્તાર કર્યો છે. હાલમાં અમદાવાદ ડિવિઝન દ્વારા અમદાવાદ અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર QR કોડ-ડિજિટલ પેમેન્ટની સુવિધા પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અમદાવાદ સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર 4 કાઉન્ટર અને ગાંધીધામ સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર 3 કાઉન્ટર પર આ સુવિધાનો લાભ લઈ શકાશે. આ ઉપરાંત ગાંધીધામની બિન અનામત કચેરીમાં 2 કાઉન્ટરો પર પણ આ સુવિધા ઉપલબ્ધ છે.

મુસાફરોએ ટિકિટ કાઉન્ટર પર તેમના ભાડાની ચુકવણીનો વિકલ્પ દર્શાવવો જરૂરી છે. આ નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ હવે મુસાફરોને QR કોડ દ્વારા ટિકિટ ભાડાની ચુકવણી કરવા માટે વધુ સગવડ પૂરી પાડવા આવી છે, જે વિન્ડોની બહાર ભાડા રીપીટરમાં ઉપલબ્ધ છે.

આ દ્વારા કોઈપણ મુસાફર તેમની ટિકિટ ભાડું કોઈપણ મુશ્કેલી વિના અને સરળતાથી ચૂકવી શકશે. ચૂકવણી આ પ્રયાસ રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ માટે સરળ અને સુરક્ષિત વિકલ્પો પ્રદાન કરીને વધુ અનુકૂળ અને સીમલેસ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટેનું પ્રોત્સાહન છે. મુસાફરોને વધુ લાભ આપવા માટે આને ભવિષ્યમાં વધુ સ્ટેશનો સુધી લંબાવી શકાય છે.






































































