‘ટેક્સપેયર્સ’ ધ્યાન રાખો ! 1 કે 2 નહીં… 8 પ્રકારની હોય છે ‘ઇન્કમ ટેક્સ’ નોટિસ, શું તમને દરેકનો અર્થ ખબર છે?
જો તમે ITR ફાઇલ કરતી વખતે આવક છુપાવી હોય, ટેક્સ બચતવાળા રોકાણનો પુરાવો ન આપ્યો હોય, ક્રેડિટ કાર્ડ પર વધારે ખર્ચ કર્યો હોય અથવા કોઈ નાણાકીય વ્યવહાર કર્યો હોય, જે વિભાગના રેકોર્ડ સાથે મેળ ખાતો ન હોય, તો ઇન્કમ ટેક્સ નોટિસ ચોક્કસપણે તમારા ઘરે આવશે.

જો તમારી વાર્ષિક આવક ટેક્સના દાયરામાં આવે છે, તો ITR ભરવું જરૂરી છે, નહીં તો ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ આવી શકે છે. વધુમાં જો તમે આવક છુપાવી હોય, ટેક્સ બચતવાળા રોકાણના પુરાવા ન જોડ્યા હોય, બેંકમાં કોઈ મોટી લેવડ-દેવડ કરી હોય, ક્રેડિટ કાર્ડ પર વધુ ખર્ચ કર્યો હોય અથવા તો કોઈ બીજા નાણાકીય વ્યવહાર કરેલ હોય, જે IT વિભાગના રેકોર્ડ સાથે મેળ ખાતા નથી, તો ઇન્કમ ટેક્સ નોટિસ તમારા ઘરે આવી શકે છે. એવામાં ચાલો જાણીએ કે, ઇન્કમ ટેક્સની નોટિસ કેટલા પ્રકારની હોય છે....

ધારા 139(9): આમાં માની લો કે, તમે ફાઇલ કરેલા ITRમાં કોઈ ભૂલ રહી જાય અથવા કોઈ ખામી મળી આવે છે, તો તેને 'ડિફેક્ટિવ રિટર્ન' કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં ઇન્કમ ટેક્સ વિભાગ તમને ધારા 139(9) હેઠળ નોટિસ મોકલી શકે છે.

ધારા 133(6): ધારા 133(6) હેઠળની નોટિસ તમને ત્યારે મોકલવામાં આવે છે, જ્યારે તમારી આવક બેઝિક એક્ઝેમ્પ્શન લિમિટથી વધારે હોય અને તેમ છતાંય તમે ITR ન ભર્યું હોય. આ ઉપરાંત, ITRમાં આવક યોગ્ય રીતે દર્શાવવામાં ન આવી હોય અથવા જો તમારા ખર્ચા તમારી આવક કરતાં વધી પણ જાય, તો ઇન્કમ ટેક્સ વિભાગ આ નોટિસ મોકલી શકે છે.

ઇન્કમ ટેક્સ ધારા 142(1): આ નોટિસ વિભાગ ત્યારે મોકલે છે, જ્યારે તમારા ITRમાં કરેલા દાવાઓને સમર્થન આપવા માટે વિભાગને તમારા જ રિટર્ન સંબંધિત વધુ માહિતીની જરૂર હોય. આ સિવાય, જો તમે ITR ફાઇલ ન કર્યું હોય તો પણ ધારા 142(1) હેઠળ આ નોટિસ મોકલવામાં આવે છે.

ધારા 143(1): આમાં જ્યારે તમારું 'ITR' CPC (Centralized Processing Centre) દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે પ્રોસેસ થાય છે, ત્યારે આ નોટિસ મોકલવામાં આવે છે. આ નોટિસમાં વિભાગની ઇન્કમ કેલક્યુલેશન તમારા રિટર્ન સાથે મેળ ખાય છે કે નહીં, તેની માહિતી આપવામાં આવે છે. આ નોટિસ તમને ત્યારે મોકલવામાં આવે છે, જ્યારે વિભાગની ઇન્કમ કેલક્યુલેશન તમારા રિટર્ન સાથે મેચ કરતી હોય, જેને 'Summary Assessment' પણ કહેવામાં આવે છે.

ધારા 143(2): સેકશન 143(1) નોટિસ બાદ ઇન્કમ ટેક્સ વિભાગ ધારા 143(2) હેઠળ નોટિસ મોકલે છે. આ નોટિસ ત્યારે મોકલવામાં આવે છે, જ્યારે કોઈ વ્યક્તિ કલમ 143(1) નો જવાબ આપતો નથી. જો જવાબ અસંતોષકારક જણાય, તો ઇન્કમ ટેક્સ વિભાગ કરદાતાને આ નોટિસ મોકલે છે, જેમાં આવકવેરાની વિગતો માંગવામાં આવે છે.

ધારા 148: ઇન્કમ ટેક્સ વિભાગને જ્યારે લાગે કે, તમે તમારી આવકનો કોઈ ભાગ છુપાવ્યો છે, ત્યારે ધારા 148 હેઠળ નોટિસ મોકલવામાં આવે છે. આ ઉપરાંત, વિભાગને જો લાગે કે તમે આવક સંબંધિત કોઈ ખોટી માહિતી આપી છે, તો પણ આ નોટિસ મોકલવામાં આવે છે.

ઇન્કમ ટેક્સ ધારા 156: એસેસમેન્ટ વર્ષ પૂર્ણ થયા બાદ જો ટેક્સ, વ્યાજ અથવા દંડની કોઈ રકમ બાકી હોય, તો વિભાગ તમારી પાસે ડિમાન્ડ નોટિસ મોકલે છે. આ નોટિસને ઇન્કમ ટેક્સ ધારા 156 નોટિસ તરીકે ઓળખવામાં આવે છે.

ધારા 245: આમાં જ્યારે કોઈ એક વર્ષમાં તમારું રિફન્ડ બને અને બીજા કોઈ વર્ષનો ટેક્સ બાકી રહેતો હોય, ત્યારે ધારા 245 હેઠળ નોટિસ મોકલવામાં આવે છે. વિભાગ તમારા રિફન્ડને બાકી રહેલા ટેક્સ સામે એડજસ્ટ કરી શકે છે. આ અંગે માહિતી આપવા માટે જ ધારા 245 હેઠળ નોટિસ મોકલવામાં આવે છે.
Income Tax : ટેક્સપેયર્સ માટે ખાસ ! ડિસેમ્બરની આ 4 તારીખો અત્યંત મહત્વપૂર્ણ, આ તક ભૂલથી પણ ના ચુકતા
