4 લાખ મહિલાઓ સાથે બળાત્કાર, 30 લાખ બાંગ્લાદેશીઓનો નરસંહાર અને 1 કરોડથી વધુની હિજરત બાદ ભારતીય સેનાની મદદથી થયો બાંગ્લાદેશનો ઉદય
17 ડિસેમ્બર 1971 એ દિવસ જ્યારે બાંગ્લાદેશનો એક અલગ દેશ તરીકે ઉદય થયો અને આ આઝાદીનો સૂર્ય જોવા માટે બાંગ્લાદેશે બહુ મોટી કિંમત ચુકાવવી પડી. આ દરમિયાન હાલના બાંગ્લાદેશ અને પહેલાના પૂર્વ પાકિસ્તાનમાં પશ્ચિમી પાકિસ્તાનના કટ્ટરવાદીઓ દ્વારા મોટાપાયે કત્લેઆમ થયો. એ સમયે 4 લાખ જેટલી મહિલાઓનો રેપ કરવામાં આવ્યો. 30 લાખથી વધુ બંગાળી ભાષી લોકોની હત્યા કરી દેવાઈ. જેમા મોટાભાગના હિંદુઓ હતા.
1971નું એ વર્ષ બાંગ્લાદેશની સાથોસાથ ભારત અને પાકિસ્તાન માટે પણ ઘણુ મહત્વપૂર્ણ રહ્યુ હતુ. એ વર્ષે બાંગ્લાદેશે તેના અસ્તિત્વની લડાઈ લડી. બાંગ્લાદેશે પાકિસ્તાનના પીંજરામાંથી અલગ થઈ નવા રાષ્ટ્રના રૂપમાં પોતાની અલગ રાષ્ટ્ર બનાવવાની જંગ લડી. જેમા ભારતે પણ પૂરો સહયોગ કર્યો. પરંતુ આ આઝાદીનો સૂર્ય જોવા માટે બાંગ્લાદેશે બહુ મોટી કિંમત ચુકાવવી પડી. આ દરમિયાન મોટા પાયે કત્લેઆમ થયો. લગભગ 4 લાખ જેટલી મહિલાઓ સાથે બળાત્કાર કરવામાં આવ્યા. પાકિસ્તાની સેનાએ બર્બરતાની તમામ હદો પાર કરી દીધી હતી અને 30 લાખ બાંગ્લાદેશીઓનો નરસંહાર કરી ચુકી હતી.
30 લાખ લોકોએ જીવની બલી આપ્યા બાદ મળી પાકિસ્તાનની બર્બરતામાંથી મુક્તિ
ઢાકા લિબરેશન વોર મ્યુઝિયમમાં સંગ્રહિત ડેટા અનુસાર આ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાએ બે લાખ થી 4 લાખ બંગાળી મહિલાઓનો રેપ કર્યો. સ્થિતિ એવી હતી કે એક તરફ 1971નું યુદ્ધ શેખ મુજીબુર રહેમાનના નેતૃત્વમાં લડાઈ રહ્યું હતું. બીજી તરફ મહિલાઓ પોતાની ગરિમા,આબરૂ અને અસ્તિત્વ બચાવવા માટેનો જંગ લડી રહી હતી. 25 માર્ચ થી 16 ડિસેમ્બર 1971 સુધીમાં 30 લાખ બંગાળીઓના મોત થયા. કહેવાય છે કે એ સમયે 90 લાખ શરણાર્થીઓ ભારત આવી ગયા અને અસમ, ત્રિપુરા અને પશ્ચિમબંગાળમાં શરણ લઈ રહ્યા હતા. એ સમયે લગભગ 1 કરોડ જેટલા લોકો વિસ્થાપીત થયા હતા
બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન થયેલી આ યૌન હિંસાને અત્યાર સુધીની અને આધુનિક ઈતિહાસમાં સામૂહિક બળાત્કાર (Mass Rape)નો સૌથી મોટા આંકડો ગણાવવામાં આવે છે. 1971ના યુદ્ધ દરમિયાન રેપની રાજનીતિ પર રિસર્ચ કરી રહેલા મનોવૈજ્ઞાનિક નયનિકા મુખર્જી જણાવે છે કે યુદ્ધ દરમિયાન રેપ રાજનીતિક હથિયાર બની જાય છે. આ જીત મેળવવા માટેનો રાજકીય હથકંડા અને દુશ્મન સમુદાયના સમ્માન પર કુઠારાઘાત સમાન છે.
બાંગ્લાદેશમાં કત્લેઆમની શરૂઆત કેવી રીતે થઈ ?
વર્ષ 1947માં બંગાળનુ પૂર્વી અને પશ્ચિમ બંગાળમાં વિભાજન થયુ. પશ્ચિમ બંગાળ ભારતમાં રહ્યુ જ્યારે પૂર્વી બંગાળનું નામ બદલી પૂર્વી પાકિસ્તાન થઈ ગયુ. જે પશ્ચિમી પાકિસ્તાનને આધીન હતુ. અહીં મોટી આબાદી બાંગ્લા બોલનારા બંગાળીઓની હતી અને આ જ કારણ હતુ કે ભાષાને આધારે પૂર્વી પાકિસ્તાન (બાંગ્લાદેશ)એ પાકિસ્તાનના પ્રભુત્વમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો અને આઝાદીનું બ્યુગલ વગાડ્યુ.
1971ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન એક અનુમાન મુજબ લગભગ એક કરોડ લોકો બાંગ્લાદેશથી ભાગી ભારત આવી ગયા હતા. આ લોકોએ એ સમયે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને અસમમાં શરણ લીધી હતી. આ કોઈ પહેલી ઘટના ન હતી કે આટલી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓએ ભારતમાં શરણ લીધી હતી. આ પહેલા 1960ના દશકમાં પણ આ પ્રકારની હિજરત જોવા મળી હતી. 1964માં પૂર્વી પાકિસ્તાનના દંગા અને 1965માં ભારત અને પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પણ એવુ કહેવાય છે કે લગભગ 6 લાખ લોકો ભારતીય સીમામાં દાખલ થયા હતા. જ્યારે 1946 અને 1958 વચ્ચે લગભગ 41 લાખ અને 1959 થી 1971 વચ્ચે 12 લાખ બાંગ્લાદેશી ભારત આવ્યા હતા.
પૂર્વી પાકિસ્તાનના લોકોને પશ્ચિમી પાકિસ્તાનના બર્બરતાપૂર્ણ અત્યાચારમાંથી મુક્ત કરાવવા માટે ભારત સિવાય વિશ્વના કોઈ દેશ આગળ આવ્યા ન હતા અને ભારતે મુક્તિવાહિની સેના મોકલી પાકિસ્તાની સેનાને ઘૂંટણીયે પાડી દીધી હતી. 13 દિવસના યુદ્ધના અંતે પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ ભારતીય સેના સામે સરેન્ડર કર્યુ હતુ. આ યુદ્ધ દરમિયાન ભારતના 3600 જવાન શહીદ થયા હતા અને 900થી વધુ ઘાયલ થયા હતા.
આજના બાંગ્લાદેશે યાદ કરી લેવુ જોઈએ 1971નું એ યુદ્ધ અને ભારતીય સેનાએ કરેલી એ મદદ
આજે બાંગ્લાદેશમાં જે પ્રકારે હિંદુઓની હત્યા થઈ રહી છે. તેમના ઘરોને લૂંટવામાં આવી રહ્યા છે અને આ તમામ અત્યાચાર સામે કટ્ટરવાદી યુનુસની સરકાર આંખ આડા કાન કરી રહી છે ત્યારે તેને એ પણ યાદ કરાવવુ જરૂરી છે કે એ સમયે જો ભારતીય સેના મદદે ન આવી હોત તો આજે નક્શામાં ક્યાંય બાંગ્લાદેશનું અસ્તિત્વ સુદ્ધા નહોત. ભારતે બાંગ્લાદેશની કરેલી મદદને આજે ત્યાના કટ્ટરવાદીએ ભૂલી ગયા છેે અને આથી જ ત્યાં ફરી ઓપરેશન સર્ચ લાઈટનું પૂનરાવર્તન થઈ રહ્યુ છે. એક સમયે પશ્ચિમી પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ યાહ્યાખાનના ઈશારે તેની સેના પૂર્વી પાકિસ્તાનના બંગાળી ભાષી લોકોને પ્રતાડિત કરતી હતી. આજે કટ્ટરવાદી નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસના ઈશારે લઘુમતી હિંદુઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.