ટીબીની રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ , ભારત 2 વર્ષમાં રસી તૈયાર કરશે: NARI
મહારાષ્ટ્રમાં કુલ 1593 લોકોએ પરીક્ષણ માટે નોંધણી પૂર્ણ કરી છે. આ લોકો પર 38 મહિના સુધી નિયમિત અંતરાલ પર નજર રાખવામાં આવી રહી છે. છેલ્લી ફોલો-અપ ટ્રાયલ પૂણેમાં 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ની પુણે સ્થિત પ્રયોગશાળા નેશનલ એઇડ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NARI) એ દાવો કર્યો છે કે ભારત આગામી બે વર્ષમાં ક્ષય (ટીબી) રોગ સામે રસી વિકસાવશે. આ રસીની સલામતીને લઈને ત્રીજા તબક્કાના ટ્રાયલ શરૂ થઈ ગયા છે, જે 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. NARIના વૈજ્ઞાનિક ડૉક્ટર સુચિત કાંબલેએ માહિતી આપી હતી કે પલ્મોનરી ટીબીના દર્દીઓમાંથી તંદુરસ્ત વ્યક્તિઓમાં ટ્યુબરક્યુલોસિસ (Tuberculosis)ના સંક્રમણને રોકવાના પ્રયાસો ચાલુ છે. આ માટે, બે ટીબી રસીઓ VPM 1002 અને ઇમ્યુનોવેકની અસરકારકતા અને સલામતીનું પરીક્ષણ કરવા માટે ટ્રાયલ ચાલી રહી છે. મહારાષ્ટ્ર, દિલ્હી, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક અને ઓડિશાના છ રાજ્યોના 18 શહેરોમાં આ ટ્રાયલ ચાલી રહી છે.
12,000 લોકોએ પરીક્ષણ માટે નોંધણી કરાવી
ટેસ્ટ માટે છ વર્ષ અને તેથી વધુ ઉંમરના 12,000 લોકોની નોંધણી પૂર્ણ થઈ ગઈ છે. હવે આ કામ 2024 સુધીમાં પૂર્ણ થશે. મહારાષ્ટ્રમાં કુલ 1593 લોકોએ પરીક્ષણ માટે નોંધણી પૂર્ણ કરી છે. આ લોકો પર 38 મહિના સુધી નિયમિત અંતરાલ પર નજર રાખવામાં આવી રહી છે. છેલ્લી ફોલો-અપ ટ્રાયલ પુણેમાં 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
કાંબલેએ કહ્યું કે વૈજ્ઞાનિક તારણોના આધારે ડેટાનું વિશ્લેષણ કર્યા પછી, અમે આ રસીઓની અસરકારકતા અને સલામતી વિશે કોઈ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે 2024 સુધીમાં અથવા 2025 સુધીમાં, ભારતમાં ટીબી સામે સારી અને અસરકારક રસી હશે. તમને જણાવી દઈએ કે ભારતે 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે.
શુુું છે ટીબી
ટીબી એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે લગભગ દરેક ભારતીયના શરીરમાં સુષુપ્ત અવસ્થામાં પડ્યું જ હશે એનું કારણ છે કે આપણે ત્યાં ટીબીના દર્દીઓ વધુ છે એટલે એના જીવાણુ ખૂબ વધારે પ્રમાણમાં છે. ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ માધ્યમથી એ આપણા શ્વાસ દ્વારા શરીરમાં જતા જ રહ્યા હોય એમ બની શકે છે, પરંતુ એ શરીરમાં ગયા એટલે ટીબી થયો એવું હોતું નથી.
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ આ જીવાણુ સામે લડી નથી શકતી એને આ રોગ થાય છે, બાકી જેની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ હોય તેને આ રોગ થતો નથી. આ રોગ મોટાભાગના કેસમાં ફેફસાં પર જ અસર કરે છે, પરંતુ એવું જરૂરી નથી, બીજાં અંગો પર પણ અસર કરી શકે છે.
આ પણ વાંચો :Surat : રહેણાંક અને બિનરહેણાંક મિલકતદારો માટે મિલકતવેરામાં વ્યાજ માફી યોજનાની મુદ્દત શાસકોએ એક મહિનો લંબાવી