કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે ઝઘડિયાની દુષ્કર્મ પીડિતા બાળકીના પરિવાર સાથે કરી મુલાકાત, કહ્યુ ભાજપના શાસનમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ – Video
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતા બાળકીના પરિવાર સાથે મુલાકાત કરી. આ બાળકી હાલ સારવાર હેઠળ છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે પરિવારને મળી ઘટનાને નીંદનીય ગણાવા સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. શક્તિસિંહે કહ્યુ કે ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે.
ભરૂચના ઝઘડિયામાં થોડા દિવસ પહેલા એક શ્રમજીવી પરિવારની 10 વર્ષિય બાળકી સાથે એક નરાધમે પાશવી દુષ્કર્મ આચર્યુ. દિલ્હીના નિર્ભયાકાંડની પેટર્નથી આરોપીએ દુષ્કર્મને અંજામ આપ્યો. માસૂમ બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો ઘુસાડી દીધો. ક્રુરતાની હદ વટાવતા આ કૃત્ય બાદ બાદ બાળકી હાલ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. આ બાળકીના પરિવારને મળવા માટે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાને અતિશય નીંદનીય અને શરમજનક ગણાવતા તેમણે રાજ્યની કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા.
શક્તિસિંહે રાજ્ય સરકારની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યો તેમણે કહ્યુ રાજ્ય સરકારના કોઈ મંત્રી દીકરીના પરિવારને મળવા નથી આવ્યા. આ સમય પરિવાર સાથે ઉભા રહેવાનો છે. રાજકારણ કરવાનો નહીં. શક્તિસિંહે કહ્યુ દિલ્હીનો નિર્ભયા કાંડ બન્યો એ સમયે તત્કાલિન ગુજરાત સરકાર અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીએ આખા દેશમાં તેના પર રાજકારણ કર્યુ.
વધુમાં તેમણે ઉમેર્યુ કે ભાજપના રાજમાં ગુનેગારોની હિંમત વધી ગઈ છે અને તેઓ બેધડક બન્યા છે. ભાજપની નીતિ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યુ કે કોંગ્રેસની સરકારમાં સીધા ગુનેગારોને પક્ષમાં નહોંતા લેવાતા, ભાજપ ગુનેગારોનો સાથ લે છે તેથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે અને આથી જ ગુનેગારોની હિંમત વધી રહી છે. ભાજપ નિષ્ઠાવાન અને પ્રામાણિક પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરે છે. પૈસા અને હપ્તા લઈને બદલીઓ કરવામાં આવે છે. કોંગ્રેસની સરકારમાં તમે ક્યારેય નહીં જોયુ હોય કે સીધો ખેસ પહેરાવીને પાર્ટીનો મેમ્બર બનાવવામાં આવ્યો હોય. ગુન્ડાઓ પાસેથી ધનસંગ્રહ કરાવવાનો, ગુન્ડાઓને કહેવાનું કે ચૂંટણી આવે છે એટલે તમારે ભાજપની મદદ કરવાની છે, પછી તમારી ગુનાહિત પ્રવૃતિ ચાલુ રાખો. એ કતલખાનું હોય કે જુગારનો અડ્ડો હોય કે દારુ, ચરસ કે ડ્રગ્સ વેચાતી હોય તોય ભલે.
ભાજપનો પલટવાર
શક્તિસિંહના આરોપો પર ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પલટવાર કર્યો કે કોંગ્રેસના અને તેમની સહયોગી પાર્ટીના નેતાઓ કેવા કૃત્યો કરે છે તે સમગ્ર દેશ જાણે છે.