દાહોદમાં વધુ એક મહિલા સાથે અમાનુષી અત્યાચાર, રાક્ષસીવૃતિના લોકોએ આચર્યુ અધમ કૃત્ય, મહિલાનુ ચીરહરણ કરી આખા ગામમાં કર્યો ફજેતો- જુઓ Video
દાહોદમાં વધુ એક મહિલા સાથે અમાનુષી અત્યાચારની ઘટના સામે આવી છે. સમાજના બની બેસેલા ઠેકેદારોએ મહિલાને સજા આપવા માટે અધમતાની, કહો કે નીચતાની તમામ હદો પાર કરી દીધી અને મહિલાને સાંકળો સાથે બાંધી બાઈક સાથે ઢસડી એટલુ જ નહીં તેનુ ચીરહરણ કરી તેને આખા ગામમાં ફેરવી
એ નિ:સહાય હતી… એ ચીસો પાડી રહી હતી… એ કરગરી રહી હતી. અનેકવાર આજીજી કરી રહી હતી, પરંતુ તેને બચાવનાર ત્યા કોઈ નહોંતુ, ત્યાં હતા તો બસ રાક્ષસી દાનવો, જે કરી રહ્યા હતા તેનુ ચીરહરણ. આ ચીરહરણમાં સામેલ હતી ખુદ મહિલાઓ. નિર્લજ્જતાની અને બેશરમીની હદ વટાવી ગયેલી મહિલાઓ ખુદ તેના કપડા ખેંચી રહી હતી. કોઈ તેને માર મારી રહ્યુ હતુ. કોઈ તેને અપશબ્દો બોલી રહ્યુ હતુ. આ બધુ કરનારા કોઈ બહારના ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓ ન હતા પરંતુ મહિલાના ખુદના ઘરના જ સભ્યો હતા. ઘટના છે દાહોદના સંજેલી તાલુકાની.. જ્યાં 15 લોકોના ટોળાએ એક મહિલા પર એ હદે અમાનવીય અત્યાચાર ગુજાર્યો કે જેનાથી માનવતા પણ શર્મસાર થઈ જાય. સમગ્ર સભ્ય સમાજનું માથુ આ જોઈને શરમથી ઝુકી જાય છે અને સૌથી મોટો સવાલ એ છે કે આપણે ચંદ્ર પર તો પહોંચી ગયા પરંતુ સભ્યતામાં હજુ પણ ક્યાંય પાછળ રહી ગયા છીએ.
મહિલાનું ચીરહરણ કરી, સાંકળોથી બાઈક સાથે બાંધી સમગ્ર ગામમાં કરાવી નગ્ન પરેડ
સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો દાહોદના સંજેલીમાં 35 વર્ષિય મહિલાને 15 લોકોના ટોળાએ તેના ઘરમાંથી અર્ધનગ્ન હાલતમાં ખેંચીને બહાર કાઢી. પહેલા તો તેને પાંચથી- છ ગાલો પર લાફા ઝીંકી દીધા. મહિલા સાથે બળજબરી કરી તેના હાથ સાંકળથી બાંધી દેવામાં આવ્યા. ત્યારબાદ આ સાંકળને બાઈક સાથે બાંધવામાં આવી. આ તમામ કૃત્ય કરવામાં સામેલ 15 લોકોમાં 7 થી 8 જેટલી મહિલાઓ સામેલ હતી. જે ખુદ મહિલાના હાથ બાંધી રહી હતી. મહિલાને માર મારી રહી હતી તેને અપશબ્દો બોલી રહી હતી.આટલુ કર્યા બાદ મહિલાને બાઈક સાથે બાંધીને ગામમાં દોડાવવામાં આવી. ટોળુ મહિલાનો ફજેતો કાઢી રહ્યુ હતુ. હજુ થોડે દૂર ગયા હશે ત્યાં ટોળામાંથી કોઈએ મહિલાનુ ચીરહરણ કરવાનું ચાલુ કર્યુ. મહિલા કરગરી રહી હતી પરંતુ તેની વહારે આવનાર ત્યા કોઈ ન હતા. જે હતા તે રાક્ષસી દાનવો હતો. કહેવાતા સભ્ય લોકો ખુદને સમાજના ઠેકેદાર ગણાવી રહ્યા હતા. દ્રૌપદીના ચીર પૂરવા માટે તો ખુદ ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા હતા પરંતુ આખા ગામમાં કોઈ એવો સભ્ય વ્યક્તિ ન હતો જે મહિલાના નગ્ન તન પર કોઈ કપડુ પણ ઢાંકવા આવે, આ અધમ કૃત્ય કરતા રોકે. સંપૂર્ણ નગ્ન પરેડ પતી ગઈ, વીડિયો ઉતરી ગયા, પછી DYSP સાહેબની ઘટનામાં એન્ટ્રી થઈ.
મહિલાનો ગુનો શું હતો?
આ ઘટના 27 જાન્યુઆરીએ ઘટી હોવાનું સામે આવ્યુ છે. મહિલાની આ નગ્ન પરેડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઘટના પ્રકાશમાં આવી છે. મહિલા સાથે આ બર્બરતાપૂર્ણ અત્યાચાર કરવા પાછળનું કારણ હતુ મહિલાના અન્ય પુરુષ સાથેનો સંબંધ. આ ભોગ બનનાર મહિલા પરિણીત છે અને તેનો પતિ જેલમાં છે, મહિલાના ગામના જ અન્ય પુરુષ સાથે સંબંધો હતા. જે આ બની બેઠેલા સમાજના રખેવાળોથી સહન થયુ અને ખુદ કાજી બની મહિલાને સજા દેવા માટે ભેગા થઈ ગયા. મળતી વિગતો અનુસાર મહિલા સાથે અત્યાચાર ગુજારનારા તમામ મહિલાના સાસરીપક્ષના સભ્યો છે. મહિલાનો પતિ એક વ્યક્તિની હત્યાના આરોપસર રાજકોટ જેલમાં છે. જેમણે પત્ની સાથે આડાસંબંધની આશંકામાં એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી જેની હાલ જેલમાં સજા કાપી રહ્યો છે.
મહિલાની નગ્ન પરેડ ચાલી રહી હતી ત્યારે પોલીસ ક્યાં હતી ?
આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ રાજ્યની કાયદો વ્યવસ્થા સામે ઉઠી રહ્યા છે. આટલી હદે મહિલા સાથે ક્રુરતા આચરવામાં આવી રહી છે તેની શું દાહોદ પોલીસે ભનક સુદ્ધા ન લાગી? સંપૂર્ણ રીતે નિર્વસ્ત્ર કરીને મહિલાને ગામમાં ફેરવવામાં આવી, ત્યારબાદ DYSP એ ઘટનાસ્થળે પહોંચી મહિલાનું રેસક્યુ કર્યુ. ત્યાં સુધી DYSP શું કુંભકર્ણની નીંદ્રાંમાં સૂતેલા હતા. આટલા નાનકડા ગામમાં આટલી મોટી ઘટના ઘટી જાય અને પોલીસ ઘોડા વેચીને સૂઈ રહી છે? કોઈપણ ઘટના નાના ગામમાં વાયુવેગે ફેલાઈ જતી હોય છે ત્યારે પોલીસને શું આ ઘટના અંગે કોઈ જાણકારી ન હતી. દાહોદ જેવા આદિવાસી બાહુલ્ચ ધરાવતા વિસ્તારોમાં આ પહેલીવાર નથી કે આ પ્રકારે કોઈ મહિલાને પ્રતાડિત કરાઈ હોય. વારંવાર છાશવારે આ પ્રકારની ઘટનાઓ દાહોદ, છોટાઉદેપુર જેવા જિલ્લામાં બનતી રહે છે.
સૌથી મોટો સવાલ એ છે કે આવી ઘટનાઓ પર રોક કેમ નથી લાગતી? ક્યા સુધી આ પ્રકારે સ્ત્રીઓ, બાળકીઓ, યુવતીઓની બલી ચડતી રહેશે? ક્યાંક પરિવારના સભ્યો દ્વારા તો ક્યાંક શાળાના શિક્ષકો દ્વારા તો ક્યાંક નરાધમો દ્વારા પીંખાઈ રહી છે. સલામત ગુજરાતના દાવા તો બહુ થાય છે પરંતુ વારંવાર ઘટતી આ પ્રકારની ઘટનાઓ દીવા તળે અંધારાની ચાડી ખાય છે. હાલ આ ઘટનામાં સામેલ તમામ 15 લોકોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમા 12 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જેમા 4 મહિલા, 4 પુરુષ અને 4 સગીરનો સમાવેશ થાય છે. જયારે એક સગીર સહિત 3 આરોપીની શોધખોળ ચાલુ છે. તમામ 15 લોકો વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.
દાહોદની ઘટનાના સમગ્ર રાજ્યમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત
ઘટના સામે આવ્યા બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને રાજનીતિ પણ ભરપૂર થઈ રહી છે. નર્મદાના ડેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટનાની ઘોર નિંદા કરી છે અને આવુ કૃત્ય કરનારાને ગામમાં કોઈએ અટકાવ્યા કેમ નહીં તેવો સવાલ ઉઠાવ્યો છે. જવાબદારો સામે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની અપીલ કરી છે. આ તરફ AAPના નેતા ઈસુદાન ગઢવીએ આ સમગ્ર ઘટનાને મણિપુરની ઘટના સાથે સરખાવી છે અને સરકાર સામે પણ સવાલ ઉઠાવ્યો છે. ઈસુદાને રાજ્યની કાયદો વ્યવસ્થા ખાડે ગઈ હોવાનો આક્ષેપ કરતા મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ રાજીનામુ આપી દેવુ જોઈએ તેવી માગ કરી છે.
ગુજરાતમાં સલામતી જેવુ કંઈ રહ્યુ નથી- જેની ઠુમ્મર, નેતા કોંગ્રેસ
અમરેલી મહિલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમ્મરે ઘટના મામલે સરકારને ઘેરી છે, અને રાજ્યમાં સલામતીનો અહેસાસ ન થઈ રહ્યો હોવાનુ જણાવ્યુ. સુરક્ષાની માત્ર વાતો થાય છે પરંતુ મહિલાઓ બિલકુલ સુરક્ષિત નથી. મહિલા સુરક્ષા મામલે સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ હોવાનું જેની ઠુમ્મરે જણાવ્યુ.
Input Credit Credit- Pritesh Panchal- Dahod