ગંગાસિહ રસાલા તરીકે ઓળખ પામેલ બીએસએફના 52 જેસલમેરી અને બિકાનેરી ઊંટનું દળ એકતા પરેડમાં લેશે ભાગ
એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિકાનેર રાજ્યની કેમલ કન્ટીન્જન્ટ આજે સીમા સુરક્ષા દળની મહત્વની ટૂકડી છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વના દિવસે દિલ્લીમાં યોજાતી પરેડમાં કે અન્ય મહાનુભાવોના સ્વાગત સમયે કરતબ પ્રદર્શિત કરતી કેમલ કન્ટીન્જન્ટ, હવે કેવડિયા ખાતેની એકતા પરેડમા પણ ભાગ લેવાની છે. ઊંટ સવારની લાંબી મૂછો, કેસરી સાફા સાથેના વસ્ત્ર પરિધાનને કારણે આ ટૂકડી પરેડ દરમિયાન અલગ તરી આવે છે.

એકતા નગર ખાતે કુલ 52 ઊંટ સાથેની કેમલ કન્ટીન્જન્ટ આવી પહોંચી છે. આ 52 ઊંટને ખાસ પ્રકારના વાહનોમાં જોધપુરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લાવવામાં આવ્યા છે. એકતા પરેડમાં ભાગ લેનારા આ ઊંટ પ્રત્યે વિશેષ સંભાળ લેવામાં આવે છે.

ભારતના રજવાડાઓમાં ખાસ કરીને રણ પ્રદેશ એટલે કે રાજસ્થાન અને કચ્છના કેટલાક પ્રાંતમાં જે તે સમયે સૈનિકો દ્વારા ઊંટનો ઉપયોગ થતો હતો. પણ ઊંટને સેનામાં સામેલ કરવાનો શ્રેય બિકાનેરના રાજવી ગંગાસિંહને જાય છે. તેમણે 19 મી સદીમાં પોતાના રાજ્યમાં સેનાનું આધુનિકીકરણ કર્યું અને ઊંટ માટે ખાસ ટુકડીની રચના કરી. એટલે તેને ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખવામાં આવતી હતી.

દેશને આઝાદી મળી એ બાદ આ ગંગાસિંહ રિસાલાને ભારતીય સેનામાં ભેળવી દેવામાં આવ્યો હતો. રણ પ્રદેશમાં ચાલવાની અને તેને અનુકૂળ શરીર રચનાને કારણે ઊંટ ટુકડી હવે ભારતીય સેનાની કેમલ કન્ટીન્જન્ટ બની. આ જોડાણ 1965 સુધી રહ્યું અને તે વર્ષમાં સીમા સુરક્ષા દળની સ્થાપના કરવામાં આવતા કેમલ રેજીમેન્ટની જવાબદારી બીએસએફને સોંપવામાં આવી. ત્યારથી લઈ આજ સુધી ઊંટ સીમા સુરક્ષા દળના સદસ્ય છે.

અને બિકાનેરી ઊંટ વજન ઊંચકવામાં સક્ષમ હોય છે. ઊંટની ઊંચાઈ, વજન, શરીરની રચના, દાંત સહિતની બાબતોને પારખી ઊંટને સીમા સુરક્ષા દળમાં સમાવવામાં આવે છે.

કેમલ કન્ટીન્જન્ટમાં આવ્યા બાદ ઊંટને તેના સવાર દ્વારા તાલીમ આપી કેળવવામાં આવે છે. એક ઊંટ માટે એક જ સવાર હોય છે. જે તેની દેખરેખ પણ રાખે છે. ઊંટને નામ પણ આપવામાં આવે છે. સૌથી શિસ્તબદ્ધ ઊંટ સામાન્ય રીતે પરેડ દરમિયાન ટુકડીની આગેવાની લે છે. ઊંટ સવારી માનવીના શરીર માટે કપરી પડતી હોય છે, તેના ઉપર સવારી કરતી વખતે ઊંટના ઢલાવ સાથે સવારના શરીરને પણ ઢાળવામાં આવે તો સારી રીતે સવારી કરી શકાય છે.

સીમા સુરક્ષા બળના તત્કાલીન વરિષ્ઠ અધિકારી કે. એસ. રાઠોડે આ કન્ટીન્જન્ટને વધુ સશકત બનાવી અને જોધપુરમાં ઊંટ તાલીમ શાળાની શરૂઆત કરાવી. 1986માં કેમલ બેન્ડને લગતી તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી. ત્રણ વર્ષની તાલીમ બાદ 26-1-1990 ના રોજ કેમલ બેન્ડ પણ પરેડમાં ભાગ લેતા થયા. હાથમાં વાદ્યો સાથે ઊંટની પીઠે બેસવું કપરું કામ છે.

સામાન્ય રીતે પ્રતિદિન 10 કિલો ચારો અને 2 કિલો ચણા સહિતના કઠોળ મિશ્રિત ખોળ આપવામાં આવે છે. તેની પૂંછડીના વાળને સુંદર રીતે કાપી ડીઝાઇન આપવામાં આવે અને બાદમાં પરેડમાં લઈ જવામાં આવે છે. 26 મી જાન્યુઆરી, 15 મી ઓગસ્ટ બાદ હવે એકતા પરેડમાં પણ આ ઊંટ દળ ભાગ લેતું હોવાથી તે આકર્ષણનું કેન્દ્ર બને છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો