ગુજરાતના 52.16 લાખથી વધુ ખેડૂત પરિવારોને મળશે રૂ. 1.118 કરોડથી વધુની સહાય
ગાંધીનગર ખાતે આવતીકાલ શનિવારે રાજ્ય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” ઉજવાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરીને સંબોધન પણ કરશે. સાથોસાથ વડાપ્રધાન ઉત્તરપ્રદેશના વારાણસી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”નો 20મો હપ્તો રિલીઝ કરશે. જેમાં ગુજરાતના 52.16 લાખથી વધુ ખેડૂત પરિવારોને લાભ મળશે.

ગાંધીનગર ખાતે આવતીકાલ શનિવારે રાજ્ય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” ઉજવાશે. રાજ્ય કક્ષાના સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ તેમજ પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે.

ગુજરાતના દરેક જિલ્લામાં પણ “પીએમ કિસાન ઉત્સવ દિવસ”નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે, રાજ્યની ગ્રામ પંચાયતો અને 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે PM KISAN યોજનાના 20માં હપ્તા પેટે સમગ્ર દેશના 9.7 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 20,500 કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે.

જે પૈકી ગુજરાતના આશરે 52.16 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 1.118 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ-કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ભારતના કુલ 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને અત્યાર સુધીમાં 19 હપ્તાના માધ્યમથી કુલ રૂ. 3.69 લાખ કરોડની સહાય આપવામાં આવી છે.

જે અન્વયે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને 19 હપ્તાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ રૂ. 19,993 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે.
કૃષિ અને ખેડૂત જગત સાથે જોડાયેલા તમામ મહત્વના સમાચાર માટે આપ અહીં ક્લિક કરો.