સ્વતંત્રતા દિવસ
ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. તેથી ભારતમાં દેશ 1947થી દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.
તત્કાલિન બ્રિટિશ વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીએ જાહેરાત કરી હતી કે, ભારત 30 જૂન 1948ના રોજ આઝાદ થશે, પરંતુ એવું બન્યું નહીં. 3 જૂન, 1947ના રોજ, ભારતના છેલ્લા વાઈસરોય, લોર્ડ માઉન્ટબેટને એક યોજના રજૂ કરી, જેમાં 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતની સ્વતંત્રતાનો ઉલ્લેખ હતો. જેને માઉન્ટબેટન પ્લાન તરીકે ઓળખવામાં આવે છે.
તેમની યોજનામાં બ્રિટિશ ભારતને બ્રિટનથી અલગ કરવું, ભારત અને પાકિસ્તાનની રચના અને બંને દેશોની સરકારોને સ્વાયત્તતા અને સાર્વભૌમત્વ આપવાનો સમાવેશ થાય છે. તેમની યોજનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાવાનો અધિકાર હશે.
ભારતની સ્વતંત્રતા માટે, માઉન્ટબેટને 4 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય સ્વતંત્રતા બિલ રજૂ કર્યું. આ બિલને બ્રિટિશ સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદીની જાહેરાત કરવામાં આવી હતી.