અંદાજપત્ર 2024
સામાન્ય માણસ પોતાના ઘરના ખર્ચથી લઈને મુસાફરી સુધીનો સંપૂર્ણ હિસાબ કરે છે. જ્યારે સરકાર આ હિસાબો રાખે છે, ત્યારે તેને ‘દેશનું બજેટ’ કહેવામાં આવે છે.
સરકાર જે ‘બજેટ’ રજૂ કરે છે તેનો સીધો અર્થ એ છે કે તે ક્યાંથી નાણાં એકત્ર કરશે અને ક્યાં ખર્ચ કરશે. મૂળભૂત રીતે બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ ‘Bougette’ પરથી આવ્યો છે.
સામાન્ય ભાષામાં તેનો અર્થ ‘નાની થેલી’ થાય છે. કદાચ આ જ કારણ છે કે નાણામંત્રી દેશનું બજેટ રજૂ કરવા માટે ‘ચામડાની નાની થેલી’ લઈને સંસદમાં પ્રવેશે છે. ખેર, વર્તમાન મોદી સરકારમાં ‘ચામડાની થેલી’ ગાયબ થઈ ગઈ છે અને તેનું સ્થાન ‘લાલ રંગના કપડામાં વિંટાળેલ પત્રક’ અને ‘ડિજિટલ ટેબલેટ’એ લીધું છે.
ભારતમાં બજેટનો ઈતિહાસ 1860થી શરૂ થાય છે. અગાઉ બજેટ ફેબ્રુઆરીની છેલ્લી તારીખે સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. 1999થી તે સવારે 11 વાગ્યે રજૂ થવાનું શરૂ થયું. 2014માં વર્તમાન સરકારે તેની તારીખ બદલીને 1 ફેબ્રુઆરી કરી હતી.
માત્ર કેન્દ્ર સરકાર જ નહીં, રાજ્ય સરકાર પણ તેમની અનુકુળતાએ વિધાનસભામાં જે તે નાણાંકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કરે છે. નાણાંપ્રધાન હિસાબી વર્ષનું અંદાજપત્ર રજુ કરે છે જેમાં આવક અને ખર્ચની વિગતોની સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન કરાનારા વિકાસ અને લોક કલ્યાણના કાર્યોની જાહેરાત કરવામાં આવે છે.