IND vs NZ: શ્રેયસ અય્યરે ડેબ્યૂ મેચમાં જ ધમાકે દાર પ્રદર્શન કરીને રચી દીધા રેકોર્ડ, એ કામ તેણે કરી બતાવ્યુ જે ધૂરંધરો ના કરી શક્યા
શ્રેયસ અય્યરે (Shreyas Iyer) પોતાની ડેબ્યુ મેચોમાં રન બનાવ્યા છે અને રેકોર્ડ બનાવ્યા છે અને ખાસ લોકોની યાદીમાં પોતાનું નામ લખાવ્યું છે.

ભારતીય બેટ્સમેનો માટે આ સમયે કાનપુર (Kanpur Test) માં ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ કંઈ ખાસ રહી નથી. મોટાભાગના ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા છે, પરંતુ આ મેચ બેટ્સમેન માટે ઘણી સફળ કહી શકાય, આ ખેલાડીનું નામ છે શ્રેયસ અય્યર (Shreyas Iyer). અય્યરે આ મેચથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે અને પોતાની શાનદાર બેટિંગથી એક અનોખી ક્લબમાં સામેલ થઈ ગયો છે.

અય્યરે આ મેચની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી અને તે ડેબ્યૂમાં સદી ફટકારનાર ભારતનો 16મો બેટ્સમેન બન્યો હતો. અય્યરે બીજી ઈનિંગમાં ફરી કમાલ કરી અને અડધી સદી ફટકારી. તેણે બીજી ઇનિંગમાં 65 રન બનાવ્યા હતા. આ સાથે, તે પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 50 થી વધુ રન બનાવનાર ભારત તરફથી માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે.

દિલાવર હુસૈને કોલકાતામાં ઈંગ્લેન્ડ સામે ભારતીય ક્રિકેટ ટીમ માટે પ્રથમ વખત આ કામ કર્યું હતું. 1933-34માં રમાયેલી તે મેચની પ્રથમ ઇનિંગમાં દિલાવરે 59 અને બીજી ઇનિંગમાં 57 રન બનાવ્યા હતા.

પોતાની પ્રથમ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 50થી વધુ રન બનાવનાર સુનીલ ગાવસ્કર બીજા બેટ્સમેન છે. ગાવસ્કર 1970-71માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝના ખતરનાક બોલિંગ આક્રમણ સામે સારી બેટિંગ કરવામાં સફળ રહ્યા હતા. ગાવસ્કરે પ્રથમ દાવમાં 65 રન અને બીજા દાવમાં અણનમ 67 રન બનાવ્યા હતા.

અય્યર જોકે આ બંને કરતાં એક ડગલું આગળ છે કારણ કે તેણે પ્રથમ દાવમાં સદી ફટકારી છે. ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગમાં 50થી વધુ રન બનાવનાર તે પ્રથમ ભારતીય છે. એકંદરે આ મામલામાં અય્યરનો નંબર 10 મો છે.

ભારતીય ટીમે કાનપુર ટેસ્ટમાં પ્રથમ દાવના અંતે 49 રનની સરસાઇ ન્યુઝીલેન્ડ સામે મેળવી હતી. ઐય્યરની બંને ઇનીંગમાં શાનદાર રમતને લઇને ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે મજબૂત પડકારની સ્થિતીમાં પહોંચ્યુ છે.