ટીમ ઈન્ડિયાના બોલર કુલદીપ યાદવ (Kuldeep Yadav) માટે ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝ પ્રદર્શનની બાબતે જેવી ચાલી રહી હોય, પરંતુ તેને આ પ્રવાસમાં જૂના સાથી ખેલાડી સાથે રમવાનો અને સમય પસાર કરવાનો મોકો મળ્યો. બંને સાથી 10 વર્ષ પછી મળ્યા હતા. 10 વર્ષ પછી એકબીજા સામે ક્રિકેટ રમી રહ્યા હતા. હવે તમે સમજી જ ગયા હશો કે કુલદીપનો તે પાર્ટનર ઝિમ્બાબ્વેનો ખેલાડી હશે. તો તે પણ એવું જ છે. ભારતીય સ્પિનરનો તે સાથી ઝિમ્બાબ્વેનો ક્રિકેટર રિયાન બર્લે (Ryan Burl) છે. રિયાન બર્લે ભારત સામે રમાઈ રહેલી ઘરેલું વન-ડે સિરીઝમાં ઝિમ્બાબ્વેની ટીમનો ભાગ છે અને બેટ્સમેન તરીકે ઝિમ્બાબ્વેના સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં સામેલ છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવ સાથે પોતાની એક તસવીર શેર કરતા રિયાન બર્લે 10 વર્ષ જૂની યાદ તાજી કરી છે.
ઝિમ્બાબ્વેના બેટ્સમેને હાલમાં જ કુલદીપ યાદવ સાથે એટલે કે વર્તમાન સિરીઝની એક તસવીર શેર કરી છે. પરંતુ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેને લખ્યું- “છેલ્લી વખત જ્યારે હું આ વ્યક્તિ સામે રમ્યો હતો એટલે કે કુલદીપ સામે 10 વર્ષ પહેલા અંડર 19 વર્લ્ડ કપમાં હતો. તે પછી અમે ફરીથી સાથે રમી રહ્યા છીએ તેથી સારું લાગી રહ્યું છે.”
3 વન ડે સિરીઝમાં રિયાન બર્લે ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને પહેલી બે મેચમાં 50ની એવરેજથી 50 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 39 રન છે, જે તેને બીજી વનડેમાં બનાવ્યો હતો. બીજી તરફ ભારતીય સ્પિનર કુલદીપ યાદવ માટે આ પ્રવાસ અત્યાર સુધી સારો રહ્યો નથી. તેને 3 વનડેની સિરીઝમાં અત્યાર સુધી રમાયેલી 2 મેચોમાં માત્ર 1 વિકેટ લીધી છે અને તે ખૂબ જ મોંઘી પણ રહી છે.