Year Ender 2025 : ગુજરાતીઓનું હૈયું હચમચાવી દેતી ઘટનાઓ ! ગંભીરા બ્રિજ દુર્ઘટનાથી લઈ અમદાવાદ પ્લેનક્રેશમાં અનેક પરિવારોએ ગુમાવ્યા વ્હાલસોયા
ગુજરાત માટે વર્ષ 2025માં કેટલાક ગોઝારી ઘટનાઓ બની છે. જેમાં અનેક લોકોના ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. રાજ્યમાં મોટી બનેલી કેટલીક ઘટનાઓમાં નિર્દોશ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના પડઘા દેશભરમાં પડ્યા છે. ગુજરાતમાં બનેલા અમદાવાદ પ્લેનક્રેશની ઘટના અને ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનાના પડઘા રાજ્યસરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી પડ્યા હતા.

1 એપ્રિલ 2025ના રોજ બનાસકાંઠાના ડીસામાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતુ. ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા 21 લોકોના મોત થયા હતા. ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાથી આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તેમજ અચાનક આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીના માહોલ સાથે ડરનો માહલો પણ જોવા મળ્યો હતો.

અમદાવાદમાં મીની બાંગ્લાદેશ માનવામાં આવતા ચંડોળા તળાવનું 2 ફેઝમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં 29 એપ્રિલ 2025ના રોજ અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. લગભગ 3000 ગેરકાયદેસર બાંધકામો, જેમાં ઘરો, દુકાનો અને અન્ય બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી 1 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. તેમજ 20 મે 2025ના રોજ બીજા ફેસમાં ચંડોળા તળાવ પર કરવામાં આવેલું દબાણ દૂર કરવામાં આવ્યું છે.

ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પાકિસ્તાને 10 મે 2025ના રોજ કચ્છના કોટેશ્વર બોર્ડર વિસ્તારમાં શંકાસ્પદ આકાશી ગતિવિધિ દેખાઈ હતી. પાકિસ્તાન દ્વારા કચ્છમાં ફેંકવામાં આવેલા 8 ડ્રોનને ભારતીય આર્મી જવાનો દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા.

અમદાવાદમાં 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. આ વિમાન દુર્ઘટનામાં 260 મુસાફરોના મોત થયા હતા. ટેકઓફ કર્યા પછી, વિમાન લગભગ 600 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું અને પછી અચાનક નીચે પડવા લાગ્યું. થોડીવારમાં, વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ. વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અથડાયું, જેમાં ત્યાં હાજર કેટલાક લોકોને ઈજા થઈ હતી જ્યારે કેટલાક લોકોના મોત પણ નિપજ્યાં હતા.. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમનું પણ આ દુર્ઘટનામાં મોત નિપજ્યું હતું.

વડોદરામાં 9 જુલાઈ 2025ના રોજ પાદરાથી ભરૂચ તરફ જવાના મહીસાગર નદી પરનો બ્રિજ આજે સવારે 7.30 વાગ્યે ધરાશાયી થયો હતો. ગંભીરા બ્રિજ ધરાશાયી થતા 22 લોકોના મોત થયા હતા. તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને જોડતો હતો આ બ્રિજ. બ્રિજ તૂટતા આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો છે. પુલ ધરાશાયી થતા સૌથી મોટી સમસ્યા રોજગારીની સામે આવી છે. આણંદના આંકલાવના વિવિધ ગામમાંથી યુવાનો રોજગારી અર્થે પાદરા આવતા હતા. ત્યારે હવે આ લોકો 40 થી 50 કિ.મીનો વધારે ફેરો ફરવા મજબૂર બન્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
