ગુજરાતના આ જિલ્લામાં બન્યું દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન, Wi-Fi, સોલાર એનર્જી અને હાઈટેક ફીચર્સથી સજ્જ
ગુજરાતના આ જિલ્લામાં રૂપિયા 1.60 કરોડના ખર્ચે બનેલું દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન 100 કિલોવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટથી ચાલે છે. Wi-Fi, CCTV, અને મોબાઇલ ચાર્જિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું સુરત હવે એક નવી ઓળખ ઉમેરવા જઈ રહ્યું છે. અલથાણ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ. 1.60 કરોડના ખર્ચે નિર્મિત થયેલું દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન હવે શહેરનું નવું આકર્ષણ બન્યું છે. 100 કિલોવોટ ક્ષમતા ધરાવતો રૂફટોપ સોલાર પ્લાન્ટ આ સ્ટેશનને ગ્રીન એનર્જી ક્ષેત્રે દેશ માટે પ્રેરણારૂપ બનાવે છે.

ગ્રિન એનર્જી અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા GIZ (Deutsche Gesellschaft für Internationale Zusammenarbeit)ના સહયોગથી આ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમના માધ્યમથી 24x7 ગ્રીન ચાર્જિંગ, Wi-Fi, લાઇટિંગ, મોબાઇલ ચાર્જિંગ અને CCTV જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

પ્રોજેક્ટના કાર્યપાલક ઈજનેર પ્રકાશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, “આ ડેપો ખાતે રોજિંદા ઉર્જા ઉત્પાદન અને સંગ્રહ થવાથી ગ્રીડ પરનો ભાર ઘટશે અને નવિનીકરણીય ઊર્જાનો ઉપયોગ વધશે.” વાર્ષિક આશરે 1 લાખ વીજ યુનિટનું ઉત્પાદન થશે. અંદાજે રૂ. 6.65 લાખની ઊર્જા બચત થશે. જૂની બેટરીઓનો પુનઃઉપયોગ કરીને પર્યાવરણીય અસર ઘટાડવામાં મદદરૂપ બનશે.

અલથાણનું આ સ્માર્ટ બસ સ્ટેશન Wi-Fi, LED લાઈટ્સ, પંખા અને CCTV જેવા આધુનિક ફીચર્સથી સજ્જ છે, જે પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ ટેકનોલોજીકલ અને ગ્રીન બનાવે છે.

સૌર ઊર્જા આધારિત આ પાયલોટ પ્રોજેક્ટ હવે દેશભરના શહેરો માટે મોડેલ તરીકે ઉભરી રહ્યો છે.

આ પ્રોજેક્ટ દ્વારા દિવસ દરમ્યાન ઉત્પન્ન થતી સૌર ઊર્જા સંગ્રહવામાં આવે છે અને રાત્રિ દરમ્યાન ઇલેક્ટ્રિક બસોને ચાર્જ કરવામાં ઉપયોગ થાય છે. જેથી ઊર્જા ખર્ચ ઘટે છે અને ગ્રીન મોબિલિટી દિશામાં મહત્વપૂર્ણ યોગદાન મળે છે.

આ મોડેલ ભવિષ્યમાં શહેરી ઇલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્કેલેબલ અને ટકાઉ ઉકેલ પુરો પાડી શકે તેવા લક્ષણો ધરાવે છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
