Silver Rate: રોકાણકારોને મોટો ફટકો ! વર્ષના છેલ્લા દિવસે ચાંદીના ભાવમાં 18,000 રૂપિયાનો ઘટાડો થયો
છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધઘટ જોવા મળી રહી છે. સોમવારે કારોબારી દિવસે ચાંદીની કિંમતમાં અચાનક 21,000 રૂપિયાનો ઘટાડો થયો હતો. ત્યારબાદ એકવાર ફરીથી ચાંદીના ભાવે લોકોને ચોંકાવી દીધા છે.

મંગળવારે ફરી એકવાર ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બુધવાર, 31 ડિસેમ્બર વર્ષના અંતિમ દિવસે, ચાંદીએ ફરીથી રોકાણકારોને ભારે નુકસાન પહોંચાડ્યું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના વાયદામાં આજે રૂ. 18 હજારથી વધુનો ઘટાડો થયો છે.

બુધવાર, 31 ડિસેમ્બરે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 5 માર્ચની એક્સપાયરી સાથેનો ચાંદીનો વાયદો રૂ. 2,41,400 (પ્રતિ કિલો) પર ખૂલ્યો હતો. તેના છેલ્લા ટ્રેડિંગ દિવસે MCX પર ચાંદી રૂ. 2,51,012 પર બંધ થઈ. 31 ડિસેમ્બરે બપોરે 1:30 વાગ્યે, 5 માર્ચની એક્સપાયરી સાથેની ચાંદી MCX પર રૂ. 2,37,500 પર ટ્રેડ થઈ રહી હતી. આમ જોવા જઈએ તો, ચાંદી આગલા દિવસના બંધ ભાવથી આશરે રૂ. 13,500 નો ઘટાડો દર્શાવે છે.

શરૂઆતના કારોબારમાં MCX સિલ્વર રૂ. 2,42,000 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. દિવસની નીચી સપાટી રૂ. 2,32,228 ની આસપાસ હતી, જે અગાઉના બંધ ભાવ કરતાં લગભગ રૂ. 18,700 નો ઘટાડો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, આજે ચાંદીએ રોકાણકારોને નિરાશ કર્યા છે.

જો ચાંદીના રેકોર્ડ હાઈ સાથે હાલના ભાવની તુલના કરીએ તો, તેમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે MCX પર ચાંદી 2,54,174 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ સ્તર સુધી પહોંચી હતી.

જો કે, બુધવારના વેપારની શરૂઆતમાં તેનો ભાવ ઘટીને 2,32,228 રૂપિયા પ્રતિ કિલો સુધી આવી ગયો. આ રીતે રેકોર્ડ હાઈની સરખામણીએ હાલ 1 કિલો ચાંદીનો વાયદા ભાવ લગભગ 21,946 રૂપિયા સસ્તો થઈ ગયો છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
