તમારા Pet Dog ના શરીર પર દેખાતા ટિક્સ કેવી રીતે દૂર કરવા ? જાણી લો
Pet Dog Care Tips : શ્વાનના ટિક્સ અને ચાંચડ પડે તો આ સ્થિતિ તેમના માલિકો માટે મોટી ચિંતાનો વિષય છે. આના કારણે માત્ર ખંજવાળ જ નહીં, પણ ગંભીર રોગો પણ ફેલાઈ શકે છે.

ટિક્સ અને ચાંચડ જેવા પરોપજીવી જીવજંતુઓ મોટાભાગના માલિકો માટે ખરેખર દુઃસ્વપ્ન સમાન હોય છે. તમારા શ્વાનની ચામડી પર આ લોહી ચૂસતા જીવજંતુઓને ચોંટેલા જોવું જ ડરામણું અને ચિંતાજનક બની જાય છે. આ જીવજંતુઓ માત્ર ત્વચામાં ખંજવાળ જ પેદા નથી કરતા, પરંતુ ગંભીર રોગો ફેલાવવાનો ખતરો પણ ઉભો કરે છે. તેથી, પાલતુ માલિક તરીકે તેમની ઓળખ, અસર અને નિવારણ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.

ટિક્સ અને ચાંચડ બે અલગ પ્રકારના પરોપજીવી છે, જે સામાન્ય રીતે શ્વાન અને બિલાડી બંનેને ચેપ લગાડે છે. આ જીવજંતુઓ પોતાના ડોગને કરડે છે અને લોહી ચૂસે છે, જેના કારણે ત્વચામાં ચડચડાહટ, એલર્જી અને વિવિધ રોગો ફેલાય છે. સારા સમાચાર એ છે કે યોગ્ય સારવાર અને નિવારક પગલાં દ્વારા આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે અને ફરીથી ઉપદ્રવ થવાની શક્યતા પણ ઓછી કરી શકાય છે.

ટિક્સ ખૂબ જ નાના કરોળિયા જેવા દેખાય છે. એકવાર તેઓ શ્વાનની ત્વચા પર ચોંટી જાય પછી, લાંબા સમય સુધી લોહી ચૂસતા રહે છે. દુનિયાભરમાં ટિક્સના સૈંકડો પ્રકારો જોવા મળે છે, જેમાંથી ઘણા પ્રકારો લાઇમ રોગ, ટિક-જન્ય રિલેપ્સિંગ તાવ અને ટિક-જન્ય એન્સેફાલાઇટિસ જેવા ગંભીર રોગો ફેલાવી શકે છે.

ચાંચડ કાળા-ભૂરા રંગના, ખૂબ જ નાના અને અત્યંત ઝડપી કૂદકા મારતા જીવજંતુઓ હોય છે. તેઓ ટિક્સ કરતા નાના હોય છે પરંતુ બહુ ઝડપથી ફેલાય છે. શ્વાનના શરીર પર ચાંચડ છે કે નહીં તે જાણવા માટે, ભીના ટિશ્યૂ પેપર વડે તપાસી શકાય છે. જો તેમાં લાલ ડાઘ પડે, તો ચાંચડની હાજરી હોવાની શક્યતા રહે છે.

ચાંચડ પણ અનેક પ્રકારના પરોપજીવી હોય છે. જો કે તેઓ ટિક્સ જેટલા ઘાતક નથી, પરંતુ તેમ છતાં ટેપવોર્મ્સ અને ટાઇફસ જેવા રોગો ફેલાવી શકે છે. લાંબા સમય સુધી ચાંચડ રહે તો શ્વાનની ત્વચા ખરાબ થઈ શકે છે અને વાળ પણ ઊતરવા લાગે છે.

ટિક્સ અને ચાંચડ બંને એક સાથે અનેક ઇંડા મૂકે છે. આ કારણે તેમનો ઉપદ્રવ ખૂબ જ ઝડપથી વધે છે અને થોડા જ સમયમાં બેકાબૂ બની શકે છે. તેથી, શ્વાનમાં ટિક્સ કે ચાંચડ દેખાય તે સાથે જ તાત્કાલિક સારવાર કરવી અત્યંત જરૂરી છે. ઉપદ્રવના પ્રારંભિક તબક્કામાં તેને ઓળખવું સહેલું ન હોઈ શકે. તેથી આખા વર્ષ દરમિયાન નીચે દર્શાવેલા ચિહ્નો પર ધ્યાન આપવું જોઈએ. શ્વાનના માથા અને કાનની આસપાસ સતત અને અતિશય ખંજવાળ થવી એ મુખ્ય લક્ષણ છે.

શ્વાનની ત્વચા પર લાલ ફોલ્લીઓ કે ચામડી પર ટિક્સ અથવા ચાંચડના કરડવાના નિશાન દેખાઈ શકે છે. શ્વાનના વાળમાં કાળા-ભૂરા પાવડર જેવો પદાર્થ દેખાય તો તે ચાંચડની ગંદકી હોઈ શકે છે. આ ઉપરાંત, ઘરમાં ક્યાંય પણ એકપણ ટિક્સ દેખાવું એ પણ ઉપદ્રવનું સ્પષ્ટ સંકેત છે. કેટલાક શ્વાનને ટિક્સના કરડવાથી એલર્જી થાય છે, જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ, ફૂસકા અથવા ચામડીમાં સોજો પણ થઈ શકે છે.

શ્વાનમાંથી ટિક્સ દૂર કરવા માટે સૌપ્રથમ ટિક્સની આસપાસના વાળ હળવેથી ફેલાવી દો, જેથી કામ કરવા માટે સ્પષ્ટ જગ્યા મળી રહે. ત્યારબાદ ટિક્સને ત્વચાની શક્ય તેટલી નજીકથી મજબૂત રીતે પકડીને ધીમે અને નરમાઈથી બહાર ખેંચો. આ રીતે કાઢવાથી ટિક્સ ફાટવાની અથવા તેના ભાગો ત્વચામાં અટકી જવાની શક્યતા ઓછી રહે છે.
તમારા Dog ને કબજિયાત, સાંધાના દુખાવા જેવી સમસ્યા ન થાય તે માટે દરરોજ આ કામ કરવું જરૂરી
