પેન્શનની ચિંતાને કહો ‘બાય બાય’ ! નવા વર્ષે આ 3 સરકારી સ્કીમ તમને દર મહિને પગાર જેટલી આવક કરાવશે, હવે તમે કઈ યોજનામાં રોકાણ કરશો?
નવા વર્ષની શરૂઆત સાથે જ લોકો તેમની નાણાકીય સ્થિતિ મજબૂત કરવાનું વિચારી રહ્યા છે. ઘણીવાર એવું જોવા મળે છે કે, લોકો પૈસા બચાવે છે પરંતુ યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરી શકતા નથી.

ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સ માને છે કે, તમે રોકાણ પદ્ધતિમાં નાના-નાના ફેરફારો કરીને દર મહિને પેન્શન અથવા પગારના રૂપમાં એક નિશ્ચિત રકમ મેળવી શકો છો. એવામાં તમારે આ 3 ખાસ યોજનાઓ પર ધ્યાન આપવું જરૂરી છે.

બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અથવા પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે. જો કે, તમારા બધા પૈસા એક જ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકવાને બદલે ‘લેડરિંગ’ (અલગ અલગ ફિક્સ્ડ-ઇન્કમ સિક્યોરિટીઝમાં એક સાથે પૈસા જમા કરવા) પદ્ધતિ અપનાવવી જોઈએ. આ પદ્ધતિ હેઠળ રોકાણકાર પોતાની કુલ રકમને અલગ મેચ્યોરિટી પિરિયડ ધરાવતા ભાગમાં વહેંચી શકે છે.

ઉદાહરણ તરીકે, જો તમારી પાસે 5 લાખ રૂપિયા હોય, તો તેને 1-1 લાખ રૂપિયાના પાંચ ભાગમાં વહેંચીને એક થી પાંચ વર્ષ માટે અલગ-અલગ FD કરાવી શકાય. આનો ફાયદો એ રહેશે કે, દર વર્ષે તમારી એક FD મેચ્યોર થશે, જેના કારણે પૈસાનો પ્રવાહ જળવાયેલો રહેશે અને મેચ્યોર થયેલી રકમને તે સમયના ઊંચા વ્યાજ દર પર ફરીથી રોકાણ કરી શકશો.

વધુમાં 'પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ' (POMIS) નિયમિત માસિક આવક મેળવવા માંગતા લોકો માટે એક મજબૂત વિકલ્પ છે. આ યોજના એવા લોકો માટે બેસ્ટ છે, જેઓ બજારના જોખમથી દૂર રહીને સુરક્ષિત સરકારી ગેરંટી રિટર્ન ઇચ્છે છે. આ યોજના હેઠળ, વ્યક્તિગત ખાતામાં મહત્તમ 9 લાખ રૂપિયા અને જોઇન્ટ ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.

5 વર્ષની આ યોજનામાં હાલ 7.4 ટકાના દરે વ્યાજ મળે છે. જો કોઈ રોકાણકાર જોઇન્ટ ખાતામાં 15 લાખ રૂપિયા રોકાણ કરે છે, તો તેને દર મહિને અંદાજે 9,250 રૂપિયા વ્યાજ રૂપે મળે છે, જે સીધા તેના બચત ખાતામાં જમા થઈ જાય છે.

આ સિવાય LIC ની "જીવન અક્ષય VII" યોજના ઘડપણમાં સહાય મેળવવા અને લાઈફટાઈમ ફાઇનાન્સિયલ ફ્રીડમ મેળવવા માટેનો એક વિશ્વસનીય સ્ત્રોત છે. આ યોજનાની ખાસિયત એ છે કે, આમાં લંપસમ રકમ જમા કર્યા પછીના બીજા જ મહિનાથી ફિક્સ્ડ પેન્શન શરૂ થઈ જાય છે. 85 વર્ષની વય સુધીના વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકે છે અને તેમાં સિંગલ તેમજ જોઇન્ટ પેન્શન પસંદ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

નિષ્ણાતોના મતે, જો 60 વર્ષનો વ્યક્તિ તેમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો તેને આશરે 5,124 રૂપિયા માસિક પેન્શન મળતું રહેશે. મહત્વનું એ છે કે, એકવાર પેન્શન દર નક્કી થઈ જાય પછી તે 100 વર્ષની ઉંમર સુધી સ્થિર રહે છે અને રોકાણકારને ₹10 લાખ સુધીનું જીવન વીમા કવરેજ પણ મળે છે.
આ પણ વાંચો: NPSમાં નવો ફેરફાર! હવે સોનું, ચાંદી અને IPO પણ ઉપલબ્ધ; આનાથી તમારા રિટાયરમેન્ટ પ્લાન પર શું અસર પડશે?
