છોટાઉદેપુરના ખેડૂતોમાં ફફડાટ ! CCI 27 ફેબ્રુઆરીથી કપાસની ખરીદી બંધ કરશે, ‘ટેકાના ભાવ’ છીનવાઈ જવાની ભીતિ
છોટાઉદેપુરમાં કપાસની ખરીદી બંધ થવાના નિર્ણયથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હજુ ખેતરોમાં માલ તૈયાર છે ત્યાં જ સરકારી એજન્સીએ ખરીદી બંધ કરવાની જાહેરાત કરતા ખાનગી વેપારીઓ લૂંટ ચલાવે તેવી શક્યતા છે.
છોટાઉદેપુર જિલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે જિલ્લાના હજારો ખેડૂતોમાં ગભરાટ અને રોષ જોવા મળી રહ્યો છે.
ખેતરોમાં માલ બાકી અને ખરીદી બંધ
ચાલુ વર્ષે જિલ્લામાં કપાસનું ઉત્પાદન સારું થયું છે, પરંતુ કુદરતી પ્રક્રિયાને કારણે ઘણા ખેડૂતોના ખેતરમાં હજુ પણ જીંડવા છે. આ કપાસ તૈયાર થઈને બજારમાં આવતા હજુ અંદાજે 15 દિવસ જેટલો સમય લાગે તેમ છે. CCI ના અધિકારીઓનું કહેવું છે કે અત્યારે જે માલ તૈયાર છે તે ખરીદી લેવાશે, પરંતુ ખેડૂતોની દલીલ છે કે 15 દિવસ પછી તૈયાર થનારા પાકનું શું?
વેપારીઓ દ્વારા શોષણનો ભય
ખેડૂતોનો આક્ષેપ છે કે જ્યારે પણ સરકારી એજન્સી ખરીદી બંધ કરે છે, ત્યારે બજારમાં ખાનગી વેપારીઓનો દબદબો વધી જાય છે. ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને વેપારીઓ ટેકાના ભાવ કરતા ઘણા ઓછા ભાવે કપાસની ખરીદી કરે છે. લગ્નસરાની મોસમ નજીક હોવાથી ખેડૂતોને નાણાંની જરૂર છે, અને જો CCI ખરીદી બંધ કરશે તો ખેડૂતોએ નાછૂટકે વેપારીઓને સસ્તા ભાવે કપાસ વેચવો પડશે.
મુદત લંબાવવાની ઉગ્ર માંગ
જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ખરીદીની મુદત ઓછામાં ઓછી એક મહિનો લંબાવવામાં આવે. જેથી મોડો ઉતારો લેતા ખેડૂતોને પણ સરકારી ભાવનો લાભ મળી શકે અને આર્થિક નુકસાનથી બચી શકાય. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને તંત્ર ખેડૂતોની આ વાજબી માંગણી સ્વીકારે છે કે પછી ખેડૂતોએ વેપારીઓના શરણે જવું પડશે.
Input Credit:Maqbool Mansoori
Lawyer અને Advocate વચ્ચે શું તફાવત છે ? કોર્ટમાં કેસ લડવાની મંજૂરી કોને હોય છે?, વાંચવા માટે અહીં ક્લિક કરો
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
