Cryptocurrency : ક્રિપ્ટોમાં રોકાણ કરતાં પહેલા ધ્યાન રાખજો, ટેક્સને લગતા નિયમો નહી ખબર હોય તો જેલ ભેગા થશો!
જો તમે બિટકોઈન, ઈથર કે અન્ય કોઈ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છો, તો એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભારત સરકાર તમારી આ કમાણી પર કેટલો ટેક્સ વસૂલ કરે છે.

કેન્દ્રીય બજેટ 2025માં ક્રિપ્ટો ટેક્સ નિયમોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનો અર્થ એ છે કે, 2022થી લાગુ કરાયેલ ટેક્સ વ્યવસ્થા હજુ પણ અમલમાં છે. તો ચાલો આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે, ભારતમાં ક્રિપ્ટોમાંથી થતી કમાણી અંગેના નિયમો અને કાયદા શું-શું છે.

આવકવેરા કાયદાની કલમ 115BBH હેઠળ, ક્રિપ્ટોમાંથી થતી આવક પર 30 ટકાનો સીધો ટેક્સ વસૂલવામાં આવે છે. આમાં કોઈ છૂટ મળતી નથી અને ન તો કોઈ નુકસાન મેનેજ કરવા માટેની છૂટ મળે છે.

ભલે તમે ક્રિપ્ટોને એક દિવસ માટે રાખો કે, એક વર્ષ માટે ટેક્સનો દર તો સમાન હશે. આ ઉપરાંત કલમ 194S હેઠળ 10,000 રૂપિયાથી વધુના દરેક ટ્રાન્ઝેક્શન પર 1 ટકા TDS લાગુ પડે છે. આ ટેક્સ ખરીદનાર અથવા વેચનાર બંનેમાંથી કાપવામાં આવે છે. આ સાથે જ કુલ ટેક્સ પર 4 ટકા સેસ પણ વસૂલવામાં આવે છે.

નાણાકીય વર્ષ 2025-26થી ઇન્કમ ટેક્સ રિટર્નમાં 'શેડ્યૂલ VDA' નામના નવા સેકશનમાં ક્રિપ્ટો ઇન્કમ દર્શાવવી ફરજિયાત બની ગઈ છે. અહીંયા તમારે દરેક ટ્રાન્ઝેક્શનની તારીખ, ખરીદી અને વેચાણની કિંમત તેમજ નફાનું સ્ટેટમેન્ટ આપવું પડશે.

બીજી તરફ, જો રોકાણકાર દ્વારા ક્રિપ્ટો ઇન્કમ છુપાવવામાં આવે છે અને તેની જાણ જો ટેક્સ દરોડા અથવા તપાસ થકી બહાર આવે છે, તો તેના પર 60 ટકા ટેક્સ, સેસ અને સરચાર્જ વસૂલવામાં આવશે. આ નવો નિયમ કલમ 158B હેઠળ ઉમેરવામાં આવ્યો છે. ટેક્સ ચોરીના કેસમાં 7 વર્ષ સુધીની જેલની જોગવાઈ પણ થઈ શકે છે.

કોઈન ટેલિગ્રાફના અહેવાલ મુજબ, 1 ટકા ટીડીએસ લાગુ થયા પછી લાખો ભારતીય યુઝર્સ સ્થાનિક એક્સચેન્જ છોડીને વિદેશી પ્લેટફોર્મ તરફ વળ્યા છે. આનાથી ભારતની સરકારને ટેક્સમાં ભારે નુકસાન થયું છે અને એમાંય લોકલ ક્રિપ્ટો બજાર નબળું પડ્યું છે.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, ભારતીય રોકાણકારો આવું કેમ કરી રહ્યા છે? વાસ્તવમાં, સિંગાપોર, દુબઈ જેવા દેશોમાં ક્રિપ્ટોની ઇન્કમ પર કોઈ ટેક્સ નથી, જ્યારે ભારતમાં તેને જુગાર અને સટ્ટા જેવી આવક સમજવામાં આવે છે અને તેના પર ટેક્સ વસૂલવામાં આવે છે.

લોન્ગ ટર્મના રોકાણ પર કોઈ જ છૂટ નથી અને ન તો નુકસાનની ભરપાઈ કરવાની સુવિધા છે. જો કે, આંતરરાષ્ટ્રીય એક્સચેન્જોમાં આ નિયમો જોવા મળતા નથી.
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
