Gold Loan લીધા પછી જો ‘સોનું’ સસ્તું થઈ જાય તો ? કિંમતો ઘટતાં જ બેંક તમારી સાથે કેમ અને કેવી રીતે રમત રમે છે?
જો તમે પણ ઇમરજન્સી જરૂરિયાતો માટે ગોલ્ડ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માત્ર વ્યાજ દર જોઈને લેવાયેલી લોન ભવિષ્યમાં તમારા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. જો સોનાના બજાર ભાવમાં ઘટાડો થાય, તો લોનની રકમ અને સોનાની કિંમત વચ્ચેનું આખું સમીકરણ બદલાઈ જાય છે. બીજું કે, તે તમારા દાગીનાને પણ જોખમમાં મૂકે છે.

Gold Loan એ એવા લોકો માટે એક સામાન્ય વિકલ્પ છે, જેમને પોતાની જ્વેલરી (દાગીના) વેચ્યા વગર તાત્કાલિક ભંડોળ કે પૈસાની જરૂર હોય છે. આમાં સોનાને બેંક અથવા ફાઇનાન્સ કંપની પાસે ગીરો રાખવામાં આવે છે અને દાગીનાના મૂલ્યના આધારે લોનની રકમ નક્કી કરવામાં આવે છે. હવે આમાં એક એવું જોખમ છે, જે ઉધાર લેનારાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ. વાત એમ છે કે, સોનાના ભાવ હંમેશા ઉપર જ નથી જતા. જો લોન લીધા પછી ભાવ ઘટે છે, તો ધિરાણકર્તા (બેંક/કંપની) પાસે રાખેલા દાગીનાનું મૂલ્ય પણ નીચે આવી જાય છે. આનાથી 'લોન-ટુ-વેલ્યુ' (LTV) રેશિયો વધી શકે છે.

5 લાખ રૂપિયાની ગોલ્ડ લોન પર સોનાના ભાવમાં 10 કે 15 ટકાનો ઘટાડો પણ મોટો તફાવત ઊભો કરી શકે છે. એવામાં ચાલો પહેલાં LTV નો નિયમ સમજીએ. LTV દર્શાવે છે કે, ગીરો મુકેલા સોનાના મૂલ્યની સરખામણીમાં તમે કેટલી રકમની લોન લીધી છે. સોના અને ચાંદીના ગીરો પર મળતી વપરાશ લોન (Consumption Loans) માટે આરબીઆઈ (RBI) ના માળખા હેઠળ, 2.5 લાખ રૂપિયાથી વધુ અને 5 લાખ રૂપિયા સુધીની લોન માટે મહત્તમ 80 ટકા સુધીનું LTV હોઈ શકે છે. નિર્ધારિત થયેલ આ LTV લોનની સમગ્ર સમયગાળા દરમિયાન જાળવી રાખવું જરૂરી છે.

સોનાના ભાવ ઘટે ત્યારે લોન-ટુ-વેલ્યુ (LTV) રેશિયો અને ગોલ્ડ લોન પર કેવી અસર પડે છે, તેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવું જરૂરી છે. હવે જ્યારે તમે 5 લાખ રૂપિયાની ગોલ્ડ લોન 80 ટકાના LTV પર લો છો, ત્યારે બેંક અથવા નાણાકીય સંસ્થા પાસે ગીરો મૂકેલા સોનાનું બજાર મૂલ્ય અંદાજે 6.25 લાખ રૂપિયા (કારણ કે 6.25 લાખના 80 ટકા = 5 લાખ રૂપિયા થાય) હોવું જરૂરી બને છે.

જો સોનાના ભાવમાં 10 ટકાનો ઘટાડો થાય છે, તો ગણતરી મુજબ શરૂઆતમાં 6.25 લાખ રૂપિયાની કિંમત ધરાવતા દાગીનાનું મૂલ્ય ઘટીને આશરે 5.63 લાખ રૂપિયા થઈ જશે. જો એમ ધારી લઈએ કે, બાકી લોન હજુ પણ 5 લાખ રૂપિયા છે, તો LTV (લોન-ટુ-વેલ્યુ) 80 ટકાથી વધીને લગભગ 89 ટકા થઈ જશે. આનો અર્થ એ થયો કે, લોનની રકમ અને ગીરો મૂકેલા સોનાના મૂલ્ય વચ્ચેનું સલામતીનું માર્જિન (Safety Margin) ઘણું નાનું થઈ જાય છે.

ગણતરીઓ દર્શાવે છે કે, જો સોનાના ભાવમાં 15 ટકાનો ઘટાડો થાય છે, તો ગીરો મૂકેલા સોનાનું મૂલ્ય ઘટીને આશરે 5.31 લાખ રૂપિયા થઈ જશે. 5 લાખ રૂપિયાની બાકી લોનની સામે, LTV વધીને આશરે 94 ટકા થઈ જશે. આ સ્થિતિમાં લોનની રકમ કોલેટરલ (ગીરો મૂકેલા સોના) ના મૂલ્યની ખૂબ જ નજીક પહોંચી જશે. જો સોનાના ભાવમાં 20 ટકાનો ઘટાડો થાય છે, તો શરૂઆતમાં 6.25 લાખ રૂપિયાની કિંમત ધરાવતું સોનું ઘટીને આશરે 5 લાખ રૂપિયાનું થઈ જશે. આ પરથી કહી શકાય કે, LTV (લોન-ટુ-વેલ્યુ) લગભગ 100 ટકા સુધી પહોંચી જશે. સરળ શબ્દોમાં કહીએ તો, સોનાનું મૂલ્ય તમે લેન્ડર (ધિરાણકર્તા) ને ચૂકવવાપાત્ર બાકી રકમની લગભગ સમાન થઈ જશે.

જણાવી દઈએ કે, આ સાદા ઉદાહરણો છે. તેમાં એવું ધારી લેવામાં આવ્યું છે કે, લોનનો કોઈ હિસ્સો ચૂકવવામાં આવ્યો નથી. આરબીઆઈ (RBI) ના નિયમો મુજબ લોનની સમગ્ર મુદત (સમયગાળા) દરમિયાન નિર્ધારિત LTV જાળવી રાખવું જરૂરી છે. જો સોનાના ઘટતા ભાવના કારણે આ રેશિયો મંજૂર થયેલ મર્યાદાથી ઉપર જતો રહે છે, તો ધિરાણકર્તા (બેંક કે કંપની) ઉધાર લેનારને બાકી રકમ ઘટાડવા માટે અથવા લોન કરાર હેઠળ મંજૂર કરાયેલા અન્ય પગલાં લેવા માટે કહી શકે છે.

આ જ કારણ છે કે, લોનના દસ્તાવેજો પર સહી કરતા પહેલાં ઉધાર લેનારાઓએ સમજી લેવું જોઈએ કે LTV નું ઉલ્લંઘન (LTV Breach) થવાના કિસ્સામાં તેમના ધિરાણકર્તા (બેંક/કંપની) ની નીતિ કે નિયમો શું કહે છે? માત્ર સોનાના ભાવમાં થતો ઘટાડો જ એકમાત્ર પરિબળ નથી, જે મહત્વનું હોય. જો ચૂકવવાપાત્ર રકમમાં વ્યાજ ઉમેરાતું રહે, તો બાકી લેણી રકમ વધી શકે છે. જો એ જ સમયે સોનાના ભાવ પણ ઘટી રહ્યા હોય, તો LTV વધુ ઝડપથી વધી શકે છે. તેથી, ઉધાર લેનારાઓએ માત્ર સોનાના ભાવમાં થતા ફેરફારો જોવાને બદલે લોનની ફરી ચુકવણી (પુનઃચુકવણી) પર પણ નજર રાખવી જોઈએ.

ધિરાણકર્તા (બેંક કે કંપની) દ્વારા ધ્યાનમાં લેવામાં આવતું મૂલ્ય, તમે જ્વેલરીની દુકાનમાં અસલમાં ચૂકવેલી કિંમત કરતાં ઓછું પણ હોઈ શકે છે. આરબીઆઈ (RBI) ના નિયમો કહે છે કે, ગીરો મૂકેલી વસ્તુમાં માત્ર સોના કે ચાંદીનું આંતરિક મૂલ્ય (Intrinsic Value) જ ધ્યાનમાં લેવું જોઈએ. કોલેટરલનું મૂલ્ય ગણતી વખતે કિંમતી રત્નો કે નંગ (Gems) ની કિંમત ઉમેરી શકાતી નથી. તેથી, જે જ્વેલરીની દુકાને 7 લાખ રૂપિયા કિંમત થઈ હોય, તે ગોલ્ડ લોન માટે 7 લાખ રૂપિયા જ મૂલ્યાંકિત થાય તેવું જરૂરી નથી.

જો તમે 5 લાખ રૂપિયાની ગોલ્ડ લોન માટે પાત્ર (Eligible) હોવ પરંતુ તમને માત્ર 3 લાખ કે 4 લાખ રૂપિયાની જ જરૂર હોય, તો ઓછી રકમની લોન લેવાથી સેફ્ટી માર્જિન બનેલું રહે છે. શરૂઆતમાં જ ઓછો LTV હોવાનો અર્થ એ છે કે, સોનાના ભાવમાં ઘટાડો થાય તો પણ લોન પર તરત જ દબાણ આવવાની શક્યતા ઘટી જાય છે. ટૂંકાગાળાની નાણાકીય જરૂરિયાતો માટે ગોલ્ડ લોન ઉપયોગી થઈ શકે છે પરંતુ ઉધાર લેનારાઓએ માત્ર વ્યાજ દર પર જ ધ્યાન આપવું જોઈએ નહીં. દાગીના ગીરો મૂકતા પહેલાં શરૂઆતનો LTV, પુનઃચુકવણીનું સમયપત્રક (Repayment Schedule), સોનાના ભાવમાં થતો સંભવિત ઘટાડો અને ધિરાણકર્તાના નિયમો... આ તમામ બાબતો ચકાસી લેવી જોઈએ.
Jio IPO થી થયેલી કમાણી પૂરેપૂરી ખિસ્સામાં નહીં આવે, ખબર છે કેટલો Tax કપાઈ જશે?
