Breaking News : જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ, વનવિભાગે કર્યું રેસ્ક્યૂ
રબારીકા ગામમાં બે દિવસ પહેલા આધેડ વ્યક્તિ પર સિંહણે હુમલો કરી તેમનો જીવ લીધો હતો જે બાદ હવે વન વિભાગે તેને પાંજરે પૂરી છે. ફુલઝર નદીના કિનારા પાસેથી સિંહણને પકડવામાં આવી છે.
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રબારીકા ગામમાં બે દિવસ પહેલા આધેડ વ્યક્તિ પર સિંહણે હુમલો કરી તેમનો જીવ લીધો હતો જે બાદ હવે વન વિભાગે તેને પાંજરે પૂરી છે. ફુલઝર નદીના કિનારા પાસેથી સિંહણને પકડવામાં આવી છે. સિંહણ પકડાઈ જતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ખેતરમાં પાણી વાળતી વખતે સિંહણે કર્યો હતો હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, વિસાવદરના રબારીકા ગામના વેલજી દાફડ નામના આધેડ ખેતરમાં પાણી વાળી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વેલજી દાફડનું મોત થયું હતું.
મોડી રાત સુધી વેલજી દાફડ ઘરે પરત ન ફરતાં પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ પરિવારજનો અને પાડોશીઓએ તેમની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ખેતરમાં તપાસ કરતાં સિંહણના હુમલાની ઘટના સામે આવી હતી. જે બાદ વનવિભાગે સિંહને પકડીને પાંજરે પૂરી રેસ્ક્યૂ સેન્ટર મોકલાઈ છે.
વન વિભાગે ગોઠવ્યા હતા પાંજરા
ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે સિંહણને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. તેના માટે અલગ-અલગ સ્થળોએ પાંજરાં ગોઠવવામાં આવ્યાં હતાં. આખરે ફુલઝર નદીના કિનારા પાસેથી હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી હતી.
સિંહણને રેસ્ક્યૂ સેન્ટર મોકલાઈ
પાંજરે પૂર્યા બાદ સિંહણને રેસ્ક્યૂ સેન્ટર ખાતે મોકલવામાં આવી છે. હવે વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગામમાં સિંહણ પકડાઈ જતાં સ્થાનિક રહેવાસીઓએ રાહત અનુભવી છે.

