Garud Puran : યમલોકના ચાર દરવાજા, જાણો કયા દરવાજેથી જાય છે પાપી આત્માઓ
ગરુડ પુરાણમાં યમલોક અને મૃત્યુ પછી આત્માની યાત્રાનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. માન્યતા અનુસાર, જન્મ અને મૃત્યુ જીવનના અવિચલ સત્ય છે. જે વ્યક્તિ જન્મે છે તેને એક દિવસ આ સંસાર છોડવો જ પડે છે. પરંતુ મૃત્યુ પછી આત્માનો અંત થતો નથી, તેના કર્મો અનુસાર તેને પુનર્જન્મ અથવા અન્ય લોકમાં યાત્રા કરવી પડે છે. આ જ કુદરતનો નિયમ છે.

ગરુડ પુરાણ હિંદુ ધર્મના 18 મહાપુરાણોમાંથી એક મહત્વપૂર્ણ પુરાણ છે, જેમાં જીવન, મૃત્યુ અને આત્માની યાત્રા વિશે વિગતે સમજાવવામાં આવ્યું છે. મૃત્યુ પછી આત્મા દૈવી દ્રષ્ટિ પ્રાપ્ત કરે છે અને યમલોકની યાત્રા શરૂ કરે છે. આ યાત્રા દરમિયાન આત્માને વિવિધ લોક અને માર્ગોમાંથી પસાર થવું પડે છે, જ્યાં તે પોતાના સારા કે ખરાબ કર્મોના આધારે સુખ અથવા દુઃખ ભોગવે છે.

યમલોક તરફ જતી યાત્રા માત્ર રસ્તામાં જ પૂરી થતી નથી, પરંતુ યમલોક પહોંચ્યા પછી પણ આત્માને તેના કર્મો અનુસાર પ્રવેશ મળે છે. ગરુડ પુરાણમાં યમલોકના ચાર મુખ્ય દ્વારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દ્વારો દ્વારા આત્માઓ તેમના કર્મો અનુસાર યમલોકમાં પ્રવેશ કરે છે. ચાલો જાણીએ આ ચાર દ્વારો વિશે વિગતવાર માહિતી.

ગરુડ પુરાણ અનુસાર, યમલોકનો પૂર્વીય દ્વાર અત્યંત સુંદર અને આકર્ષક છે. આ દ્વાર હીરા, મોતી, નીલમ અને પોખરાજ જેવા કિંમતી રત્નોથી જડિત છે. તેને સ્વર્ગનું દ્વાર પણ કહેવામાં આવે છે. મૃત્યુ પછી યોગીઓ, ઋષિઓ, સિદ્ધો અને જ્ઞાનીઓના આત્માઓ આ દ્વાર દ્વારા પ્રવેશ કરે છે. આ દ્વારેથી પ્રવેશ કરતા આત્માઓનું ગંધર્વો, દેવતાઓ અને અપ્સરાઓ દ્વારા સ્વાગત કરવામાં આવે છે.

યમલોકનો પશ્ચિમી દ્વાર પણ રત્નોથી શોભિત છે. જીવનમાં દાન, પુણ્ય અને ધાર્મિક કાર્યો કરનારા લોકોના આત્માઓને આ દ્વાર દ્વારા યમલોકમાં પ્રવેશ મળે છે. જેમણે પોતાના જીવનકાળ દરમિયાન સારા કર્મો કર્યા હોય, તેમને આ દ્વાર સુખદ યાત્રાનો અનુભવ કરાવે છે.

યમલોકનો ઉત્તરીય દ્વાર એવા આત્માઓ માટે છે જેમણે જીવનમાં માતા-પિતાની સેવા કરી હોય, હંમેશા સત્યનું પાલન કર્યું હોય, અહિંસા અપનાવી હોય અને જરૂરિયાતમંદોની મદદ કરી હોય. ધર્મના માર્ગ પર ચાલનારા લોકોના આત્માઓને આ દ્વાર દ્વારા પ્રવેશ આપવામાં આવે છે. આ દ્વાર પણ સોના અને વિવિધ રત્નોથી અલંકૃત છે.

યમલોકનો દક્ષિણ દ્વાર સૌથી ભયાનક માનવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર, પાપી આત્માઓને આ દ્વાર વડે યમલોકમાં પ્રવેશ કરવો પડે છે. જેમણે જીવનમાં અધર્મ કર્યો હોય, અન્યાય કર્યો હોય અને ધાર્મિક નિયમોનું પાલન ન કર્યું હોય, તેમને આ દ્વારેથી પસાર થવું પડે છે. આ દ્વારને નરકનું દ્વાર પણ કહેવાય છે. અહીં પ્રવેશ કર્યા બાદ આત્માઓને તેમના પાપકર્મો અનુસાર લાંબા સમય સુધી, એટલે કે લગભગ 100 વર્ષ સુધી, કઠોર યાતનાઓ સહન કરવી પડે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક પુસ્તકોમાં આપવામાં આવેલી માહિતીના આધારે છે.)
ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન જ્યાં રવિવારે ટ્રેનના હોર્ન નથી વાગતા
