DA Hike : કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી રાહત! જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું 60% થવાની શક્યતા
કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 2% વધારો નિશ્ચિત છે, જે કુલ 60% પર પહોંચશે તેવું ચર્ચાઇ રહ્યું છે...

કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે નવું વર્ષ સારું રહેશે. લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડાઓ મુજબ, જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 2 ટકા વધારો લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. આ વધારાથી વર્તમાન 58 ટકા DA વધીને 60 ટકા સુધી પહોંચી શકે છે.

જો આમ થાય તો, હાલમાં વધતી મોંઘવારી વચ્ચે આ વધારો કર્મચારીઓ માટે મોટી રાહત સાબિત થશે. સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત થવા બાદ પગારમાં સીધો લાભ જોવા મળશે. નિયમ મુજબ, DAનો વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે, જ્યારે તેની ઔપચારિક જાહેરાત માર્ચ અથવા એપ્રિલ મહિનામાં થવાની શક્યતા છે. ત્યારબાદ કર્મચારીઓને જાન્યુઆરીથી લાગુ થતી બાકી રકમ (એરિયર્સ) પણ ચૂકવવામાં આવશે.

મીડિયા અહેવાલ અનુસાર, આ DA વધારો માત્ર અંદાજ પર નહીં પરંતુ લેબર બ્યુરોના નક્કર સરકારી ડેટા પર આધારિત છે. ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ (AICPI-IW), જે DAની ગણતરી માટે આધારભૂત માનવામાં આવે છે, તે નવેમ્બર 2025માં 0.5 પોઈન્ટ વધીને 148.2 પર પહોંચ્યો છે.

7મા પગાર પંચના નિયમો મુજબ, DA નક્કી કરવા માટે પાછલા 12 મહિનાના AICPI-IWના સરેરાશ આંકડાને ધ્યાનમાં લેવામાં આવે છે. જુલાઈથી નવેમ્બર 2025 દરમિયાન ઇન્ડેક્સમાં સતત વધારો જોવા મળ્યો છે. નવેમ્બર સુધીના આંકડાઓના આધારે DA 59.93 ટકા સુધી પહોંચે છે, જે સ્પષ્ટ કરે છે કે DA 60 ટકા સુધી પહોંચવાની ખૂબ નજીક છે.

હાલ સૌની નજર ડિસેમ્બર 2025ના ઇન્ડેક્સ પર છે, જે હજી જાહેર થયો નથી. પરંતુ નિષ્ણાતોના મતે, ડિસેમ્બરના આંકડાઓ ચિત્ર બદલવાની શક્યતા ઓછી છે. જો ઇન્ડેક્સ સ્થિર રહે, તો DA સરેરાશ 60.34 ટકા રહેશે. જો થોડી ઘટાડાની સ્થિતિ સર્જાય તો પણ DA 60 ટકાનું સ્તર જાળવી રાખશે. સરકાર હંમેશા મોંઘવારી ભથ્થું પૂર્ણ સંખ્યામાં જાહેર કરે છે, દશાંશમાં નહીં. એટલે કે 60.00થી 60.99 ટકા વચ્ચેનો કોઈપણ આંકડો અંતે 60 ટકા તરીકે જ જાહેર કરવામાં આવશે. આથી, વર્તમાન 58 ટકાથી 2 ટકાનો વધારો લગભગ નક્કી માનવામાં આવી રહ્યો છે.

આ DA વધારો ખાસ મહત્વનો છે કારણ કે જ્યારે નવું પગાર પંચ લાગુ થાય છે, ત્યારે વર્તમાન DAને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે છે અને ત્યારબાદ DAની ગણતરી ફરીથી શૂન્યથી શરૂ થાય છે. આથી, 60 ટકા DAનો આંકડો ભવિષ્યના નવા પગાર માળખા, ફિટમેન્ટ ફેક્ટર અને કુલ પગાર વધારાને નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
1 ફેબ્રુઆરી રવિવાર છે તો શું બજેટની તારીખ બદલાશે? જાણવા માટે અહીં ક્લિક કરો..
