Banaskantha : વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
વિકાસના મોટા દાવાઓ વચ્ચે બનાસકાંઠાના કાકવાડા વિસ્તારમાં આજે પણ હકીકત અત્યંત કઠોર છે. અહીં નાના બાળકોને શાળાએ પહોંચવા માટે દરરોજ જીવ જોખમમાં મુકવો પડે છે, કારણ કે બનાસ નદી પર હજી સુધી પુલ બન્યો નથી. કડકડતી ઠંડી હોય કે ચોમાસામાં વહેતો ઉગ્ર પ્રવાહ સરકારના વિકાસથી દૂર, બાળકો આજે પણ કુદરત સામે સંઘર્ષ કરી રહ્યા છે.
અમીરગઢ તાલુકાના કાકવાડા તથા આસપાસના ગામોમાં વિકાસ ફક્ત દસ્તાવેજો સુધી જ સીમિત જણાય છે. બનાસ નદી પર પુલ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને રોજ નદી પાર કરીને શાળાએ જવું પડે છે. શિયાળાની ઠંડીમાં બરફીલા પાણીમાંથી પસાર થવું હોય કે વરસાદી મોસમમાં પૂર જેવી સ્થિતિ શિક્ષણ મેળવવાની આ દોડમાં બાળકોને રોજ જોખમનો સામનો કરવો પડે છે. છેલ્લા પાંચથી સાત વર્ષથી ગ્રામજનો પુલની માંગ કરી રહ્યા છે. ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું, પરંતુ ત્રણ વર્ષ વીતી ગયા છતાં કામ આગળ વધ્યું નથી.
કાકવાડા સહિત આસપાસના પાંચથી સાત ગામોના બાળકો માટે શાળાનો એકમાત્ર માર્ગ બનાસ નદીમાંથી પસાર થવાનો છે. વરસાદી ઋતુમાં ભારે પાણી ભરાતા અનેક વખત એક મહિના જેટલો સમય શાળાઓ બંધ રહે છે. બાળકોને લેવા-મુકવા માટે વાલીઓને પણ આ જ જોખમી રસ્તો અપનાવવો પડે છે. દિવસ હોય કે રાત, ગામની સમગ્ર અવરજવર આ જ માર્ગ પરથી થાય છે. વાહનો ફસાઈ જાય છે, લોકો અટવાઈ જાય છે, છતાં પુલ હજી પણ ફક્ત કાગળ પર જ છે.
માઉન્ટ આબુની નજીક આવેલો કાકવાડા વિસ્તાર ઠંડી માટે જાણીતો છે. આવી પરિસ્થિતિમાં પણ નાના બાળકો રોજ ઠંડા પાણીમાંથી પસાર થઈ શાળાએ જાય છે. ચોમાસામાં તો 15થી 20 દિવસ સુધી ગામનો સંપર્ક અન્ય વિસ્તારો સાથે તૂટી જાય છે. આ સ્થિતિમાં શિક્ષણ સાથે સાથે આરોગ્ય સેવાઓ, રોજગાર અને રોજિંદી જરૂરિયાતો પર પણ ગંભીર અસર પડે છે. સારવાર કે બજાર સુધી પહોંચવું પણ જોખમભર્યું બની જાય છે.
વર્ષ 2022માં બનાસ નદી પર પુલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને મોટી જાહેરાતો કરવામાં આવી હતી કે હવે સમસ્યાનો અંત આવશે. પરંતુ ત્રણ વર્ષ બાદ પણ પુલનું કામ શરૂ ન થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ખાતમુહૂર્ત માત્ર દેખાડા પૂરતું રહ્યું. હવે ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક પુલનું કામ શરૂ નહીં થાય તો કાકવાડા સહિત આસપાસના ગામોના લોકો કલેક્ટર કચેરીએ ધરણાં કરશે.
ગુજરાતના અલગ અલગ જિલ્લાના મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
