Gandhinagar: મેયરના હસ્તે સોલાર રૂફટોપ અને સોલાર ટ્રી ઈન્સ્ટોલેશનની કામગીરીનું ઉદ્ઘાટન, મહાનગરપાલિકાને વર્ષે અંદાજે 35.88 લાખ રૂપિયાની થશે બચત
ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ ફાયર સ્ટેશનની છત પર સોલાર સિસ્ટમ લગાવીને ગ્રીન એનર્જી ઉત્પન કરવા માટેની શરૂઆત કરવામાં આવી છે.


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘ દ્રષ્ટિ તેમજ રીન્યુએબલ એનર્જી દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાના સ્વપ્નને સાકાર કરવાના રસ્તે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગ્રીન એનર્જી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ ફાયર સ્ટેશનની છત પર સોલાર સિસ્ટમ લગાવીને ગ્રીન એનર્જી ઉત્પન કરવા માટેની શરૂઆત કરવામાં આવી છે.

સ્માર્ટ સિટી મિશન હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ સ્થળો પર સોલાર રૂફટોપ અને સોલાર ટ્રી ઈન્સ્ટોલેશનની કામગીરી કરવામાં આવી છે. જેનું ઉદ્ધાટન ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું. આ દરમિયાન શહેરના ભાજપના ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા.

આ પ્રોજેક્ટ હેઠળ 32 સ્થળ પર કુલ 945 કિલોવોટના સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. જેમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ખાતે કુલ 365 કિલોવોટની રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવી છે.

જેની મદદથી મહાનગરપાલિકાને વર્ષે અંદાજે 35.88 લાખ રૂપિયાની બચત થશે. આ ઉપરાંત પર્યાવરણને પણ લાભ થશે.

આ સિસ્ટમથી 25 વર્ષમાં અંદાજે 9300 ટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન ઘટશે. એટલે કે આ સિસ્ટમથી પર્યાવરણમાં અંદાજે 14,700 સાગના વૃક્ષ વાવવાની સમકક્ષ લાભ કરશે. (ઈનપુટ ક્રેડિટ- નવનીત દરજી)

































































