PM નરેન્દ્ર મોદી-શી જિનપિંગ વચ્ચેની ફળદાયી મુલાકાત, ભારત-ચીનના 2.8 અબજ લોકો માટે લાભકર્તા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 7 વર્ષ પછી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા છે. શી જિનપિંગ સાથેની આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ ભારત અને ચીન વચ્ચેના સંબંધો અંગે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા. પીએમ મોદીએ કહ્યું, સરહદ વ્યવસ્થાપન પર એક કરાર થયો છે. કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ છે. બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ પણ ફરી શરૂ થઈ રહી છે. જે બન્ને દેશના 2.8 અબજ લોકોને લાભકર્તા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7 વર્ષ પછી ચીનની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન, આજે રવિવારે સવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. અહીં તેઓ SCO બેઠકમાં ભાગ લેવા આવ્યા છે. તિયાનજિનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીએ ચીન અને ભારત વચ્ચેના સંબંધો વિશે મહત્વપૂર્ણ માહિતી આપી.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગયા વર્ષે કાઝાનમાં આપણી ખૂબ જ અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી, જેણે આપણા સંબંધોને સકારાત્મક દિશા આપી હતી. સરહદ પરથી સૈનિકો પાછા હટ્યા બાદ, શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ છે.

પીએમ મોદીએ શી જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું કે, સીમા પર શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ પ્રવર્તે છે. સીમા વ્યવસ્થાપન પર સર્વસંમતિ જળવાઈ રહી છે. કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ છે. બન્ને દેશના મહત્વના શહેરોને જોડતી સીધી ફ્લાઇટ્સ પણ ફરી શરૂ થઈ છે. વિશ્વાસ, આદર અને સંવેદનશીલતાના આધારે આપણા સંબંધો વધશે.

પીએમ મોદી 7 વર્ષ પછી ચીનની મુલાકાતે છે. પીએમની દ્વિપક્ષીય વાતચીત પરથી અંદાજ લગાવી શકાય છે કે ભારત અને ચીનના સંબંધો ફરી એકવાર પાટા પર આવી રહ્યા છે. વર્ષ 2020 માં જૂન મહિનામાં ગલવાન ખીણમાં થયેલી અથડામણ પછી, ભારત અને ચીનના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો.

પીએમ મોદીની ચીન મુલાકાત પહેલા, ચીનના વિદેશ પ્રધાન વાંગ યી આ મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે વાતચીત કરી હતી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50%, ચીન પર 30%, કઝાકિસ્તાન પર 25% અને અન્ય SCO દેશો પર ઉચ્ચ ટેરિફ લાદ્યો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ SCO બેઠકમાં ટેરિફ પર પણ ચર્ચા થઈ શકે છે.
ચીનના નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો