Clove Side Effects: રોજેરોજ 10 થી 12 લવિંગનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે ખતરનાક ? જાણો નિષ્ણાતો પાસેથી
શું ઔષધીય ગુણોથી ભરપૂર લવિંગનું વધુ પડતું સેવન શરીર માટે ઝેર સમાન બની શકે છે? રોજ 10 થી 12 લવિંગ ખાવાથી પેટ, લિવર અને લોહી પર કેવી ગંભીર આડઅસરો થઈ શકે છે અને દિવસમાં કેટલા લવિંગ ખાવા સલામત છે? જાણો નિષ્ણાતોનો ચોંકાવનારો ખુલાસો.

ભારતીય મસાલાઓનો સ્વાદ અને સુગંધ તેમને ખાસ બનાવે છે. આપણા રસોડામાં રહેલા મોટાભાગના મસાલા માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. ગરમ મસાલાઓની વાત કરીએ તો જાયફળ, જાવંત્રી, કાળા મરી, તજ, તમાલપત્ર, વરિયાળી, મોટી એલચી, નાની એલચી અને લવિંગ સહિતના તમામ મસાલા સ્વાસ્થ્યવર્ધક ગુણોથી સભર છે. આ મસાલાઓનો ઉપયોગ માત્ર રસોઈમાં જ નહીં, પરંતુ અનેક રોગોની સારવાર માટે આયુર્વેદ અને એલોપેથી બંનેમાં કરવામાં આવે છે. વાત કરીએ લવિંગની, તો આપણે અવારનવાર ભાત, શાક અને મીઠાઈઓમાં તેનો ઉપયોગ કરીએ છીએ. આ મસાલાનો સ્વાદ અને સુવાસ ભોજનનો સ્વાદ વધારવાની સાથે શરીર માટે પણ ગુણકારી માનવામાં આવે છે.

ડાયેટિશિયનના જણાવ્યા મુજબ, લવિંગમાં 'યુજેનોલ' (Eugenol) નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે, જેમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે. આ ગુણોના કારણે લવિંગનું સેવન પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં અને મોંના સ્વાસ્થ્ય (ઓરલ હેલ્થ) ની તકલીફો ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે દરરોજ કેટલા લવિંગનું સેવન સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય? કેટલાક લોકો રોજના 10 થી 12 લવિંગ ખાઈ લેતા હોય છે, શું આટલી માત્રા ફાયદો કરે છે કે પછી નુકસાન પહોંચાડે છે?

રોજ 10 થી 12 લવિંગ ખાવું સ્વાસ્થ્ય માટે કેવું સાબિત થાય છે? દરરોજ 10 થી 12 લવિંગ ખાવા એ શરીરની જરૂરિયાત કરતાં ઘણું વધારે હોઈ શકે છે. ક્યારેક આટલી માત્રા ખાવાથી તરત કોઈ ગંભીર સમસ્યા ન થાય, પરંતુ લાંબા સમય સુધી નિયમિતપણે આટલી મોટી માત્રામાં લવિંગનું સેવન કરવાથી શરીર પર કેટલીક આડઅસરો (Side Effects) થઈ શકે છે.

વધુ પડતું લવિંગ પેટમાં બળતરા અને એસિડિટી વધારી શકે છે: નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દરરોજ 10 થી 12 લવિંગ ખાવાથી પાચન સંબંધી સમસ્યા વધી શકે છે. લવિંગનું વધુ પડતું સેવન પેટમાં બળતરા, એસિડિટી, પેટનો દુખાવો, ઉબકા અને અપચો જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે. લવિંગ પ્રકૃતિએ અત્યંત ગરમ મસાલો છે, જેથી તેનું અતિશય સેવન મોં અને પેટમાં બળતરા પેદા કરી શકે છે.

બ્લીડિંગનું જોખમ વધી શકે છે: લવિંગમાં રહેલા યુજેનોલ તત્વમાં બ્લડ-થિનિંગ ગુણ હોય છે, એટલે કે તે લોહીને પાતળું કરવાનું કામ કરે છે. આ બાબત એવા દર્દીઓ માટે ખતરારૂપ બની શકે છે જેઓ પહેલેથી જ લોહી પાતળું કરવાની દવાઓ (Blood Thinners) લઈ રહ્યા છે. તાજેતરમાં જે લોકોની સર્જરી થઈ હોય તેમના માટે પણ આટલું વધુ લવિંગ ખાવું જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે સંવેદનશીલ લોકોમાં તેનાથી બ્લીડિંગ થવાનું જોખમ વધી જાય છે.

લિવર પર થઈ શકે છે માઠી અસર: નિષ્ણાતો મુજબ, લવિંગનું લાંબા સમય સુધી અતિશય સેવન લિવરના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. રોજિંદા ખોરાકમાં 2 થી 4 લવિંગનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે, પરંતુ જરૂરિયાત કરતાં વધારે સેવન નુકસાનકારક બની જાય છે.

રોજ કેટલા લવિંગ ખાવા યોગ્ય છે? એક્સપર્ટ્સનું માનવું છે કે લવિંગનું સેવન હંમેશા સંતુલિત માત્રામાં જ કરવું જોઈએ. શાક, દાળ, ચા કે ક્યારેક ઘરેલું ઉકાળામાં તેનો ઉપયોગ કરવો અસરકારક છે. રોજેરોજ વધારે માત્રામાં લવિંગ ખાવા યોગ્ય નથી. રોજિંદા આહારમાં વૈવિધ્ય અને સંતુલન જાળવવું એ જ શરીર માટે સૌથી ઉત્તમ છે.

શું રોજ લવિંગ ખાવાની આદત યોગ્ય છે? આજકાલ સોશિયલ મીડિયા પર લવિંગના ઉપયોગ અંગે અનેક નુસખાઓ જોવા મળે છે. કેટલાક લોકો રોજ સવારે લવિંગનું પાણી પીવાની સલાહ આપે છે, તો કેટલાક લોકો આખો દિવસ લવિંગ ચાવવાનું કહે છે. હેલ્થ એક્સપર્ટ્સ મુજબ, કોઈપણ ગુણકારી વસ્તુનું અતિરેક સેવન ફાયદાને બદલે નુકસાન કરી શકે છે. લવિંગને તમારા નિયમિત આહારમાં ચોક્કસ સામેલ કરો, પરંતુ તેનો અર્થ એવો નથી કે તમે રોજ 10 થી 12 લવિંગ ખાવાની આદત પાડી દો.
એક લિટર દૂધ અને ફળો કરતાં 5 ગણી વધારે એનર્જી, રોજ ખાઓ આ ખાસ બીજ
