Suresh Raina’s Birthday: ‘મિસ્ટર IPL’ માટે છે આજે ખાસ દિવસ, ડેબ્યૂ મેચમાં જ શૂન્ય પર આઉટ થનારો આ બેટ્સમેન મિડલ ઓર્ડરમાં મજબૂત ભરોસો હતો
લખનૌની સ્પોર્ટ્સ હોસ્ટેલમાં રહીને ટીમ ઈન્ડિયા (Team India) માં જોડાવાનું સપનું જોનારા આ પીઢ ખેલાડીએ 19 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ કર્યું અને પહેલી જ મેચમાં જ કંઈક એવું કરી બતાવ્યું કે તેનું નામ સચિન તેંડુલકર સાથે જોડાઈ ગયું.


ટીમ ઈન્ડિયા ((Team India)) ના પૂર્વ સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) નો આજે જન્મદિવસ છે. રૈનાનો જન્મ 27 ડિસેમ્બર 1986ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયો હતો. રૈના ઉત્તર પ્રદેશમાં જ ક્રિકેટ શીખ્યો હતો અને લખનૌ ગયો હતો, જ્યાં તેણે સ્પોર્ટ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસની સાથે સાથે તેના ક્રિકેટની ઝીણવટભરી બાબતો પણ સમજી હતી. 16 વર્ષની ઉંમરે, રૈનાએ ભારતની અંડર-19 ટીમાં સ્થાન મેળવ્યું અને પછી ધીમે ધીમે ઉપર આવવાનું શરૂ કર્યું.

રૈનાને ઘરેલુ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરવાનુ ઈનામ ટીમ ઈન્ડિયામાં સ્થાનના રૂપમાં મળ્યુ. રૈનાએ 2006માં શ્રીલંકા પ્રવાસ પર ત્રિકોણીય શ્રેણીમાં પોતાની ODI ડેબ્યૂ કરી હતી અને પહેલી જ મેચમાં કંઈક એવું કર્યુ હતું, જેના કારણે તેનું નામ સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડી સાથે જોડાઈ ગયું હતું. પરંતુ તે સારી સિદ્ધિ ન હતી. વાસ્તવમાં, શ્રીલંકા સામેની પોતાની ડેબ્યૂ મેચમાં રૈના ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો અને તેનું નામ સચિન તેંડુલકર સાથે જોડાઈ ગયું હતું.

પ્રથમ મેચની નિષ્ફળતાની અસર રૈના પર ન પડી અને ટૂંક સમયમાં જ તે ODI અને T20માં ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરનો મહત્વપૂર્ણ સભ્ય બની ગયો. યુવરાજ સિંહ અને એમએસ ધોની સાથે મળીને તેણે ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરને મજબૂતી આપી અને ઘણી મેચોમાં ફિનિશરની ભૂમિકા ભજવી અને 2011માં ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

ખાસ કરીને T20માં તેનું પ્રદર્શન જબરદસ્ત હતું અને તે આ ફોર્મેટમાં ભારત માટે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. 2 મે 2010ના રોજ, તેણે T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે 101 રનની ઇનિંગ રમી હતી. એક મહિના પછી, જૂનમાં, તેણે પ્રથમ વખત ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યું. ત્યારે તે માત્ર 23 વર્ષનો હતો અને તેણે આ ફોર્મેટમાં સૌથી યુવા ભારતીય કેપ્ટનનો રેકોર્ડ બનાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે-સાથે રૈનાને સફળતાના શિખરો પર લઈ જવામાં આઈપીએલનો સૌથી મોટો ફાળો હતો. તે 2008 થી 2021 (માત્ર 2016-2017 સિવાય)ની પ્રથમ સિઝન સુધી સતત ચેન્નાઈ સુપર કિંગ્સનો મુખ્ય સભ્ય હતો અને ટીમને 4 વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે લીગના ઇતિહાસમાં સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક છે અને તેણે 205 મેચમાં 5528 રન બનાવ્યા છે. આ જ કારણ છે કે તેને 'મિસ્ટર આઈપીએલ' પણ કહેવામાં આવે છે.

રૈનાએ ત્રણેય ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો. રૈનાએ પોતાની કારકિર્દીમાં 18 ટેસ્ટ રમી અને 768 રન બનાવ્યા. વનડેમાં 226 મેચ રમીને 5 સદી અને 36 અડધી સદીની મદદથી 5615 રન બનાવ્યા. આ દરમિયાન ટી20 ક્રિકેટમાં તેણે ટીમ ઈન્ડિયા માટે 78 મેચોમાં 1605 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 5 અડધી સદી સામેલ છે. રૈનાએ 15 ઓગસ્ટ 2020 ના રોજ એમએસ ધોની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.






































































