‘મને ઓળખ ન મળી’… ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ શ્રેયસ અય્યરે વ્યક્ત કર્યું પોતાનું દુઃખ
ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને દિલની વાત હવે જીભ પર આવી ગઈ હતી. શ્રેયસ અય્યરે કહ્યું છે કે ઘણું બધું કરવા છતાં તેને ઓળખ મળી નથી. જાણો ટીમ ઈન્ડિયાના આ ડેશિંગ બેટ્સમેને આવું કેમ કહ્યું?

ભારતીય ક્રિકેટ ટીમના એક મહત્વપૂર્ણ મધ્યમ ક્રમના ખેલાડી શ્રેયસ અય્યરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કરીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે, તેણે ખુલાસો કર્યો કે ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને ત્રીજી IPL ટ્રોફી અપાવવા છતાં તેને અપેક્ષા મુજબ ઓળખ મળી ન હતી.

આ વર્ષે IPLમાં શ્રેયસ પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરશે. પંજાબ કિંગ્સે તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શ્રેયસ અય્યરે 'ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા' સાથેની વાતચીતમાં કહ્યું, 'મને વ્યક્તિગત રીતે લાગ્યું કે IPL જીત્યા પછી મને અપેક્ષા મુજબની ઓળખ મળી નથી. પરંતુ દિવસના અંતે, જ્યાં સુધી તમારામાં આત્મસન્માન હોય અને તમે યોગ્ય કાર્ય કરતા રહો, તે જ સૌથી મહત્વનું છે. હું આ કરતો રહ્યો.'

ગયા વર્ષે શ્રેયસ અય્યર IPL ટ્રોફી જીતનાર આઠમો કેપ્ટન બન્યો હતો. તેણે KKRને ત્રીજી વખત ચેમ્પિયન બનાવ્યું અને ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. જોકે, ત્રણ સિઝન સુધી ફ્રેન્ચાઈઝીનો ભાગ રહ્યા પછી KKRએ તેને રિલીઝ કર્યો હતો. આ પછી પંજાબ કિંગ્સે તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો, જે IPL ઈતિહાસમાં બીજી સૌથી મોટી બોલી હતી.

પંજાબ કિંગ્સ IPLમાં અય્યરની ત્રીજી ફ્રેન્ચાઈઝી હશે અને આ તેની ત્રીજી કેપ્ટન તરીકેની ભૂમિકા પણ હશે. તેણે 2015માં દિલ્હી કેપિટલ્સ સાથે IPLમાં ડેબ્યૂ કર્યું હતું અને 2018માં તેને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. 2020માં તેણે પહેલીવાર દિલ્હી કેપિટલ્સને IPL ફાઈનલમાં પહોંચાડ્યું હતું.

શ્રેયસ અય્યરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 243 રન બનાવ્યા હતા અને તે ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્ર પછી બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. 2024નું વર્ષ શ્રેયસ અય્યરનું ખૂબ જ સારું રહ્યું છે. તે રણજી અને ઈરાની ટ્રોફી જીતનારી મુંબઈ ટીમનો ભાગ હતો. તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ ડિસેમ્બર 2024માં બીજી વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી.

અય્યરે પોતાની ફિટનેસ અને ટ્રેનિંગ રૂટિન વિશે પણ વાત કરી. તેણે કહ્યું, 'હું મારા ટ્રેનિંગ રૂટિનથી ખૂબ ખુશ છું. સાગર નામનો એક ટ્રેનર મારી સાથે કામ કરે છે અને તે મારી ફિલ્ડ એક્ટિવિટીના આધારે મારા માટે શેડ્યૂલ બનાવે છે. તેણે મારા શરીરમાં પરિવર્તન લાવવા અને ટ્રેનિંગને સમજવામાં મને ઘણી મદદ કરી. તેણે IPL દરમિયાન પણ મારી સાથે કામ કર્યું હતું. મારી ફિટનેસમાં તેનો મોટો ફાળો છે. (All Photo Credit : PTI)
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતનો સૌથી સફળ બેટ્સમેન અને આઈપીએલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા ક્લિક કરો

































































