IND vs NZ: ટીમ ઈન્ડિયા જો હવે એક ભૂલ કરશે, તો હાથમાંથી જઈ શકે છે T20 વર્લ્ડ કપ, જાણો
ટીમ ઈન્ડિયાએ T20 શ્રેણીની શરૂઆતમાં ન્યુઝીલેન્ડને 48 રનથી શાનદાર જીત સાથે હરાવ્યું. નાગપુરમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમ બેટિંગ અને બોલિંગ બંને મોરચે મજબૂત દેખાઈ, પરંતુ જીત છતાં કેટલીક નબળાઈઓ સ્પષ્ટ થઈ ગઈ. આ ખામીઓ જો સમયસર સુધારવામાં નહીં આવે, તો તેની અસર માત્ર આ શ્રેણી પૂરતી નહીં રહે, પરંતુ આવનારા T20 વર્લ્ડ કપમાં પણ ટીમને નુકસાન થઈ શકે છે.

T20 વર્લ્ડ કપ 2026 પહેલા તૈયારીના ભાગરૂપે, ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે T20 શ્રેણી રમી રહી છે. પ્રથમ મેચમાં ભારતે 238 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો, જેના જવાબમાં કિવી ટીમને 190 રન સુધી મર્યાદિત રાખવામાં આવી. પરિણામે ભારતે મેચ 48 રનથી જીતી લીધી. બેટિંગ લાઇનઅપે જબરદસ્ત પ્રદર્શન કર્યું, જ્યારે બોલર્સે પણ અસરકારક બોલિંગ કરી. હવે રાયપુરમાં રમાનારી બીજી મેચમાં પણ આવું જ પ્રદર્શન કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

જોકે, આ જીત છતાં ભારતીય ટીમની ફિલ્ડિંગ એક મોટી ચિંતાનો વિષય બની રહી. ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સ અને માર્ક ચેપમેન ભારત માટે ખતરનાક સાબિત થઈ રહ્યા હતા. ખાસ કરીને ફિલિપ્સ એવી સ્થિતિમાં હતા કે તેઓ એકલા હાથે મેચનું પાસું ફેરવી શકતા હતા. જો ભારતીય ફિલ્ડિંગ મજબૂત હોત, તો મેચનો વિજયનો માર્જિન વધુ મોટો બની શકતો હતો.

મેચ દરમિયાન ભારતીય ટીમે કુલ ત્રણ કેચ છોડ્યા અને બે રન-આઉટની સરળ તકો ગુમાવી. સંજુ સેમસને ગ્લેન ફિલિપ્સને રન-આઉટ કરવાની તક ગુમાવી, ત્યારે ફિલિપ્સ 41 રન પર હતા. બાદમાં તેમણે 78 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. બીજી બાજુ, રિંકુ સિંહે માર્ક ચેપમેનનો સરળ કેચ છોડ્યો, જે તે સમયે 16 રન પર હતો. ચેપમેન બાદમાં 37 રન સુધી પહોંચ્યો.

આ ઉપરાંત, શરૂઆતના ઓવરોમાં પણ રન-આઉટની તકો ચૂકી ગઈ. ત્રીજી ઓવરમાં ઈશાન કિશને સ્ટમ્પ પર સીધો થ્રો ચૂક્યો, જેના કારણે ટિમ રોબિન્સન આઉટ થવાથી બચી ગયો. ઇનિંગ્સના અંતિમ તબક્કામાં ડેરિલ મિશેલને પણ બે વખત જીવનદાન મળ્યું. 16મી ઓવરમાં અભિષેક શર્માએ તેનો સરળ કેચ છોડ્યો અને ત્યારબાદ 19મી ઓવરમાં ઈશાન કિશને ફરી એક તક ગુમાવી.

ભલે આ તબક્કે મેચ ન્યુઝીલેન્ડની પહોંચ બહાર હતી, પરંતુ એક ઇન-ફોર્મ બેટ્સમેનને વારંવાર જીવનદાન આપવું મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આ ફિલ્ડિંગની સમસ્યા માત્ર આ મેચ પૂરતી નથી. અગાઉ ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં પણ ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ નબળી રહી હતી, જેના કારણે ભારતને શ્રેણી ગુમાવવી પડી હતી.

T20 વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે ત્યારે આ પરિસ્થિતિ ભારતીય ટીમ માટે ચેતવણી સમાન છે. હવે તમામની નજર ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ પર રહેશે. જો સમયસર ફિલ્ડિંગમાં સુધારો નહીં થાય, તો ઘરઆંગણે વર્લ્ડ કપ જીતવાની મજબૂત દાવેદાર ગણાતી ટીમ ઈન્ડિયાને ટ્રોફી ગુમાવવી પડી શકે છે.
IND vs NZ બીજી T20Iમાં ભારતની પ્લેઇંગ 11માં મોટા ફેરફાર, જાણો કારણ
