શ્રેયસ અય્યર બન્યો કેપ્ટન, ધ્રુવ જુરેલને મળી મોટી જવાબદારી, ભારતીય ટીમની થઈ જાહેરાત
16 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા-A સામે શરૂ થનારી બે ચાર દિવસીય મેચ માટે ઈન્ડિયા-A ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રેયસ અય્યરને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ધ્રુવ જુરેલને મોટી જવાબદારી મળી છે.

BCCIની પસંદગી સમિતિએ ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન શ્રેયસ અય્યરને મોટી જવાબદારી સોંપી છે. તેમને ઈન્ડિયા-A ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે 16 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા-A સામે શરૂ થનારી બે ચાર દિવસીય મેચમાં ટીમનું નેતૃત્વ કરશે.

વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓને તક આપવામાં આવી છે. દુલીપ ટ્રોફીની સેમિફાઈનલમાં બેવડી સદી ચૂકી ગયેલા વિકેટકીપર બેટ્સમેન નારાયણ જગદીશનને આ ટીમમાં સ્થાન મળ્યું છે.

જ્યારે દુલીપ ટ્રોફી 2025ની સેમિફાઈનલમાં વેસ્ટ ઝોન માટે 184 રનની શાનદાર ઈનિંગ રમનાર ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સ્થાન મળ્યું નથી. ફરી એકવાર તેની અવગણના કરવામાં આવી છે. આ ઉપરાંત ઈશાન કિશનની પણ પસંદગી નથી થઈ.

ઓસ્ટ્રેલિયા-A અને ઈન્ડિયા-A વચ્ચેની બે ચાર દિવસીય મેચો લખનૌમાં રમાશે. પહેલી મેચ 16 થી 19 સપ્ટેમ્બર દરમિયાન અને બીજી મેચ 23 થી 26 સપ્ટેમ્બર દરમિયાન લખનૌમાં રમાશે.

30 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા-A અને ઈન્ડિયા-A વચ્ચે 5 ઓક્ટોબર દરમિયાન કાનપુરમાં ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. વનડે શ્રેણી માટે ઈન્ડિયા-A ટીમની જાહેરાત હજુ બાકી છે. અહેવાલો અનુસાર, રોહિત શર્માને વનડે શ્રેણી માટે ઈન્ડિયા-A ટીમમાં સ્થાન મળી શકે છે.

ઈન્ડિયા-A ટીમ : શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન, નારાયણ જગદીશન, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, દેવદત્ત પડિકલ, હર્ષ દુબે, આયુષ બદોની, નીતિશ કુમાર રેડ્ડી, તનુષ કોટિયન, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, ખલીલ અહેમદ, માનવ સુથાર, યશ ઠાકુર. (All Photo Credit : PTI / GETTY)
સતત સારું પ્રદર્શન કરી રહેલો શ્રેયસ અય્યર હવે ઈન્ડિયા-A ટીમની કપ્તાની કરશે. શ્રેયસ અય્યર સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
