આણંદમાં શૂટ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ચણિયા ટોળી’ ને વૈશ્વિક સ્તરે પ્રશંસા, એક્ટર યશ સોનીએ જણાવી શૂટિંગની ઈન્સાઈડ સ્ટોરી
'ચણિયા ટોળી' 2025ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં સ્થાન મેળવનાર આ ફિલ્મ એક અનોખી હાઇસ્ટ સ્ટોરી છે. દર્શકો સિનેમા બાદ હવે તેને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ જોઈ શકે છે.

સફળ થિયેટ્રિકલ રન બાદ અને 2025ની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મોમાં સ્થાન મેળવનારી ફિલ્મ ‘ચણિયા ટોળી’ હવે શેમારૂમી પર ડિજિટલ પ્રીમિયર સાથે દર્શકો માટે ઉપલબ્ધ બની છે. અનોખી કલ્પના અને પરંપરાગત માળખાથી અલગ કહાનીને કારણે આ ફિલ્મે સિનેમાઘરોમાં વિશેષ ચર્ચા જગાવી હતી. હવે ડિજિટલ પ્લેટફોર્મ પર તેના પ્રીમિયર સાથે, શેમારૂમી ફરી એકવાર એવા કન્ટેન્ટને પ્રોત્સાહન આપે છે જે નવી વિચારધારા અને સાહસી વાર્તાઓને સ્થાન આપે છે.

યશ સોની, નેત્રી ત્રિવેદી, ચેતન દાહિયા સહિતના કલાકારો સાથે બનેલી ‘ચણિયા ટોળી’ એક વ્યક્તિની આંતરિક શોધથી શરૂ થઈને સમગ્ર ગામને નાણાકીય સંકટમાંથી બચાવવાની અસાધારણ યોજનામાં રૂપાંતરિત થાય છે. ફિલ્મમાં એક અણધારી અને જોખમી પ્લાન ઘડાય છે, જે શરૂઆતમાં અવિશ્વસનીય લાગે છે, પરંતુ આગળ વધતાં જ દર્શકોને પોતાની સાથે જકડી રાખે છે. ખાસ કરીને ગામની મહિલાઓ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે પરિસ્થિતિ સામે ડટીને ઊભી રહે છે અને સમગ્ર કહાનીને નવી દિશા આપે છે.

Digital પ્રીમિયર અંગે વાત કરતાં યશ સોનીએ જણાવ્યું કે ફિલ્મની સૌથી મોટી તાકાત તેની અનિશ્ચિતતા અને હાસ્ય-થ્રિલનું સંતુલન છે. ‘ચણિયા ટોળી’ માત્ર એક હાઇસ્ટ ફિલ્મ નહીં, પરંતુ સામૂહિક હિંમત, બદલાવની ઇચ્છા અને મહિલાઓના સશક્તિકરણનો ઉત્સવ છે. શેમારૂમી પર સ્ટ્રીમ થતી આ ફિલ્મ દર્શકોને એક એવી સફર પર લઈ જાય છે જ્યાં અસમભવ લાગતું બધું શક્ય બનતું જાય છે અને અંત સુધી ઉત્સુકતા જાળવી રાખે છે.

Tv9 Gujarati સાથે વાત કરતાં એક્ટર યશ સોનીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મનો કન્સેપ્ટ મને ખૂબ ગમ્યો હતો. આ વાર્તા એક એવા ગામની છે જ્યાં ખેડૂતો સાથે અન્યાય થયો છે અને તેમની જમીન છીનવી લેવામાં આવી છે. આ સ્થિતિમાં એક ‘માસ્તર’ (શિક્ષક) છે, જેને ચોરી કરવાનો બહુ શોખ છે. તે ગામની અભણ સ્ત્રીઓ સાથે મળીને બેંકમાં ચોરી કરવાનો પ્લાન બનાવે છે. આ એક યુનિક વાર્તા છે જે મનુષ્યના વ્યવહાર અને બદલાવ પર આધારિત છે.

જ્યારે યશ સોનીને તેમના પાત્ર ભજવવાના અનુભવ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, દરેક કલાકાર કંઈક નવું કરવાનો પ્રયત્ન કરતો હોય છે. ‘ચણિયાચોળી’ એ મારા માટે એક નવો અને એક્સાઇટિંગ પ્રોજેક્ટ હતો કારણ કે તેનું પાત્ર અગાઉના પાત્રો કરતા સાવ અલગ છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમે આણંદ પાસેના સુણાવ ગામમાં રહ્યા હતા. ત્યાંના લોકો ખૂબ જ પ્રેમાળ હતા. ઘણીવાર શૂટિંગમાં તેમને તકલીફ પડતી હોવા છતાં તેઓ અમને ખૂબ સપોર્ટ કરતા હતા.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને OTT પર મળતા સ્પોર્ટની જ્યારે વાત આવી ત્યારે ખાસ યશ સોનીએ જણાવ્યું કે, ઓટીટી પ્લેટફોર્મના કારણે ગુજરાતી ફિલ્મો હવે માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી રહી, પણ વિશ્વભરના ગુજરાતીઓ સુધી પહોંચી રહી છે. યુએસએ અને અન્ય દેશોમાં પણ લોકો આપણી ફિલ્મો જુએ છે તે ખૂબ ગર્વની વાત છે. મહત્વની વાત એ છે કે ટોકીઝ બસ ગુજરાતી મૂવી ‘ચણિયાચોળી’ હવે શેમારૂમી પર પણ ઉપલબ્ધ છે.

ગુજરાતી એક્ટર યશ સોનીએ અંતમાં એવું પણ જણાવ્યું કે, આપણું ગુજરાતી સાહિત્ય અને કલ્ચર ખૂબ જ સમૃદ્ધ છે. હવે ગુજરાતી ફિલ્મોનો પણ સુવર્ણ સમય છે. લોકો હવે માત્ર કલાકારને જોઈને જ નહીં પણ ફિલ્મના કન્ટેન્ટને જોઈને ફિલ્મ જોવા જાય છે.
